Rajkot : આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન કાર્ડમાં રાજકોટ જિલ્લો બીજા નંબરે : 12 લાખ આયુષ્યમાન કાર્ડ ઇશ્યૂ કરાયા: રાજકોટ જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૨૫૫૫ લાખના ખર્ચે ૪૮૦ જેટલા વિકાસ કામો કરાશેહેમુગઢવી હોલ ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા”નો યોજાયેલો કાર્યક્રમ
રાજકોટ, તા. ૨૧ ઓક્ટોબર – રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે અંતર્ગત કુલ રૂ. ૨૫૫૫ લાખના કુલ ૪૮૦ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને રાજકોટ વિકાસની હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે ઉમદા કામ કરીને આયુષ્યમાન કાર્ડમાં બીજા નંબરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨ લાખ આયુષ્યમાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જેના થકી સમગ્ર રાજકોટના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષાનું એક અભેદ કવચ પુરું પાડવામાં આવ્યું છે. દેશના અને ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બને, આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ૧૫માં નાણાપંચની ગ્રાંટના નાણા સીધા પંચાયત સુધી પહોંચે, ગ્રામ પંચાયત જ ગામનો વિકાસ તેમની જરૂરિયાત મુજબ થાય તેવું કાર્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ શક્ય બની શકે છે. ગઢકામાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે સ્થપાનારો અમુલ પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારીની નવી તકો પૂરી પાડશે.
દિવાળીની શુભકામના આપીને હર્ષભેર વિવિધ વિકાસના કાર્યો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, માત્ર વાતો અને વાયદાઓ નહી પરંતુ વિકાસલક્ષી કાર્યો કરીને વિશ્વાસ સાથે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા છે. બાળક માતાના ગર્ભથી નવયુવાન બને ત્યાં સુધી તેનું સ્વાસ્થ્ય આરોગ્ય શિક્ષણ વગેરે જેવી સુવિધાઓ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી પૂરી પાડવામાં આવે છે, તેમ ડેપ્યુટી મેયરશ્રી દર્શિતાબેન શાહે જણાવ્યું હતું.