Sports : ૩૬મા રાષ્ટ્રીય ખેલમાં સ્વિમિંગમાં માના પટેલે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો. રાજકોટ, તા.૪ ઑક્ટોબર – ૩૬મા રાષ્ટ્રીય ખેલમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે, તેમાં અગાઉના રાષ્ટ્રીય ખેલના રેકોર્ડ રોજ તૂટી રહ્યા છે અને નવા નેશનલ રેકોર્ડ બની રહ્યા છે.
આજે સ્પર્ધાના ત્રીજા દિવસે ગુજરાતની સ્વીમર માના પટેલે પોતાનો જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. માના પટેલે આજે ૨૦૦ મીટરબેક સ્ટ્રોક-મહિલાઓની સ્પર્ધા માત્ર ૨ મિનિટ ૧૯.૭૪ સેકન્ડમાં પૂરી કરીને, પોતાનો ૨૦૧૫ના વર્ષનો ૨ મિનિટ ૨૩.૨૧ સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જ્યારે ૫૦ મીટર ફ્રી સ્ટાઈ-મહિલાઓની સ્પર્ધામાં સવારે તેણે ૨૬.૬૦ સેકન્ડ સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જો કે સાંજે ફાઈનલ સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચવ્હાણે માના પટેલનો સવારનો રેકોર્ડ તોડીને ૨૬.૫૪ સેકન્ડનો નવો રેકોર્ડ કાયમ કર્યો હતો.
૪૦૦ મીટર મીડલે-પુરુષ સ્પર્ધામાં આજે એકથી ત્રીજા ક્રમે આવેલા ત્રણેય તરવેયાએ ૨૦૧૫ના જૂના રાષ્ટ્રીય રેકોર્ડ ૪ મિનિટ ૩૭.૭૫ સેકન્ડના રેકોર્ડને ધ્વસ્ત કરી નાંખ્યો હતો. ગોલ્ડ વિજેતા મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ ૪:૨૮.૯૧ મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે, તો કેરળના સજન પ્રકાશે ૪:૩૦.૦૯ મિનિટ તથા ગુજરાતના આર્યન નહેરાએ આ સ્પર્ધા ૪:૩૧.૦૩ મિનિટમાં પૂર્ણ કરી હતી.
આ ઉપરાંત ૨૦૦ મીટર બેકસ્ટ્રોક-પુરુષની સ્પર્ધા કર્ણાટકના ઉત્કર્ષ પાટિલે ૨ મિનિટ ૦૫.૦૮ સેકન્ડમાં પૂર્ણ કરીને, ૨૦૧૫નો કેરાળાના માધુ પી.એસ.નો ૨ મિનિટ ૦૫.૬૬ સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.