રાજકોટ : કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા અને સંતશ્રી મોરારીબાપુના હસ્તે ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરાયા: લોકસાહિત્યને જીવંત રાખવામાં ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવીના યોગદાનની સરાહના કરતા મહાનુભાવો
રાજકોટ તા.૨૬ ફેબ્રુઆરી- કેન્દ્રીય મંત્રીશ્રી પુરષોત્તમ રૂપાલા અને સંતશ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ તથા હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ પ્રસંગે મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના લોકગીતો અને લોકવાર્તાઓ કથાકારોએ જીવંત રાખ્યા છે. કચ્છ ખાતે યોજાયેલ જી-૨૦ સમિટની બેઠકમાં કચ્છી સાહિત્યકારોએ રજુ કરેલા સાહિત્ય અને નૃત્યને વિદેશીઓએ મન ભરીને માણ્યું હતું. ભારતીય સાહિત્યએ જ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોને લોકગીતો થકી જીવંત રાખ્યા છે.
જાણીતા સંતશ્રી મોરારીબાપુએ ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવીને યાદ કરીને પંચતત્વો અને પાંચ વિદ્યાઓનો ઉલ્લેખ કરતાં બ્રહ્મવિદ્યાને ગગન સાથે ,આધ્યત્મ વિદ્યાને અગ્નિ, યોગ વિદ્યાને વાયુ , વેદ વિદ્યાને કર્મ અને લોકવિદ્યાને ભૂમિ સાથે સરખાવ્યા હતા. અને ઉમેર્યું હતું કે લોકવાર્તાઓ અને લોકગીતોના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિ જીવંત રહી શકી છે.
આ પ્રસંગે ડો. ઇન્દુબેન વતી તેમના માનસ પુત્રી નીતાબેન પારેખને ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ, શાલ અને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ શ્રી લાખણશીભાઈ ગઢવીને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ, શાલ અને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર શ્રી મોરારીબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમારોહની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. તેમજ મહાનુભાવોનું સુતર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વાગત ઉદ્દબોધન કર્યુ હતું. લેખકશ્રી કાનજી ભૂટા બારોટની ચૂંટેલી લોકવાર્તાઓના શ્રી રાજુલ દવે દ્વારા સંપાદિત પુસ્તક – “રસભરી લોકવાર્તાઓ”નું ઉપસ્થિતિના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર સ્થાપિત, ગુજરાત સાહિત્ય એકાદમી પ્રેરિત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસાહિત્યના સંવર્ધન માટે આ એવોર્ડ આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, લોકગાયક શ્રી હેમંત ચૌહાણ, શ્રી મનુભાઈ બારોટ તેમજ બહોળી સંખ્યામાં સાહિત્યકારો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડો. જે.એમ,. ચંદ્રવાડિયાએ કર્યું હતું.