ભાવનગર : યુવરાજસિંહ આજે એસઓજી સમક્ષ થયા હાજર-કર્યા ભારે આક્ષેપો
રાજ્યના ભારે ચર્ચિત ડમી ઉમેદવાર કાંડ મામલે આજે એસઓજી નું યુવરાજસિંહ જાડેજાને તેડું હોય આજે યુવરાજસિંહ જાડેજા એસઓજી સમક્ષ હાજર થયા હતા. હાજર થતા પૂર્વે તેમણે ભીડભંજન મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.યુવરાજસિંહ ભીડભંજન મંદિરે થી ચાલતા એસઓજી કચેરી પહોચ્યા હતા જયારે તેમની સાથે સ્થાનિક આપ પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. જયારે નવાપરા એસઓજી કચેરી ની બહાર પ્રેસ યોજી ભારે આક્ષેપો કર્યા હતા તેમજ તેમને કોઈ ને કોઈ બહાને મારી નાખવામાં આવશે તેવી શંકા પણ વ્યક્ત કરી હતી.
આજરોજ યુવરાજસિંહ ભાવનગર એસ.ઓ.જી. સમક્ષ હાજર થવા માટે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ જતા પહેલા યુવરાજસિંહે પત્રકારોને સંબોધન કરતા કેટલાક સણસણતા આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કેટલાક પૂર્વ મંત્રી અને હાલના નેતાઓની પણ સંડોવણી હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ મારું નિવેદન નોંધવા સમન્સ કાઢે છે તો આ પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના અન્ય મંત્રીઓના સમન્સ પણ કાઢી નિવેદન નોંધે તે જરૂરી છે.
સાથે જ તેમણે કહ્યું કે અવધેશ, અવિનાશ અને અસિત વોરાનું પણ સમન્સ નિકળવું જોઈએ. હાલ હું પોલીસ સમક્ષ 30 નામ લઈને જઈ રહ્યો છું. પરંતુ હજુ 100 જેટલા નામ આપવા માટે સક્ષમ છું. હું પોલીસ સમક્ષ હાજર થઈ જવાબ લખાવીશ તેમાં પૂર્વ મંત્રીઓ, પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન કેટલાક મંત્રીઓના પણ નામ આવશે. તેમણે ઉમેર્યું હતું કે, MPHWની ભરતીમાં ગેરરીતિ મામલે આર.એમ. પેટલનું પણ અમે સ્ટિંગ ઓપરેશન આપ્યું હતું. છતાં પણ હજુ સુધી આર.એમ. પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અરવલ્લીના બાયડમાં ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી સહિત કેટલાક ભાજપના આગેવાનોના નામ આપ્યા હોવા છતાં પણ આજસુધી કાર્યવાહી નથી કરવામાં આવી. જે ક્યાંકને ક્યાંક ભાજપના નેતાઓ કે જે કૌભાંડમાં સામેલ છે તેને સરકાર છાવરે છે તે વાત તરફ ઈશારો કરે છે.યુવરાજસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ રાજકીય રાગદ્વેષથી કિન્નાખોરી રાખવી કાર્યવાહીનો કારસો ઘડવામાં આવ્યો છે.
પોલીસે મને આરોપના આધારે સમન્સ પાઠવ્યું છે ત્યારે હું પોલીસ સમક્ષ તમામ નેતાઓ અને પૂર્વ મંત્રીઓના પણ ખુલાસા કરીશ. જો પોલીસ મને નિવેદન માટે બોલાવી તપાસ કરી રહી હોય તો પોલીસે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ સમન્સ પાઠવવું જોઈએ.તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ આક્ષેપ કર્યો હતો કે, અમે કેટલાક પુરાવા હર્ષ સંઘવીને પણ આપ્યા હતા. પરંતુ હાલ સુધી તે મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. ભાજપ પર આરોપ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં રાજ્યમાં બિનસચિલાયથી માંડી લગભગ તમામ આંદોલનો કર્યા માટે ભાજપના નાકમાં દમ આવી ગયો હતો. તેમણે મને ભાજપમાં સમાવી લેવા માટે પ્રયાસો કર્યા પરંતુ હું ભાજપમાં નહીં જોડાતા હવે રાજકીય ષડયંત્રની શરૂઆત થઈ છે.
યુવરાજસિંહે જાન પર જોખમ હોવાની વાત કરતા કહ્યું હતું કે, આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે. મને હિટ એન્ડ રન કે અન્ય રીતે મારી હત્યા કરી નાખવામાં આવશે. પોલીસ મારી તપાસ કરી રહી છે તે જ પ્રકારે હું જે નામ આપું તે તમામની તપાસ કરવામાં આવે તેવી મને આશા છે. પરંતુ આજ સુધી મારા પુરાવા પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. ઘોરણ 10 અને 12ની નકલી માર્કશીટ મામલે તેમણે જણાવ્યું હતું કે નિલેશ પનોત દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.પરંતુ મારા નિવેદનો બાદ હવે હકીકતમાં પોલીસ કામગીરી કરશે કે પછી રાજકીય ઈશારે લોકોને છાવરવામાં આવશે?
યુવરાજસિંહ જાડેજા થયા ભાવનગર એસઓજી સમક્ષ હાજર. હાજર થતા પહેલા યોજી પ્રેસ કોન્ફરન્સ પૂર્વ શિક્ષણમંત્રી-મંત્રીઓ-નેતાઓ પણ કર્યા ભારે આક્ષેપો. જીતુ વાઘાણી ને પણ સમન્સ પાઠવી પુછપરછ માટે બોલાવવા કરી અપીલ. અત્યારે ૩૦ નામો લઇ આવ્યો છું અને હજુ ૧૦૦ નામો આપી શકું છું ગૃહમંત્રી સામે પણ કર્યા આક્ષેપો-પુરાવા આપ્યા છતાં કઈ કાર્યવાહી ના કરી. યુવરાજસિંહે તેમના જીવનું જોખમ ગણાવ્યું-ગમે તે રીતે તેને પતાવી દેવામાં આવશે.