ધોરે દિવસે લુખ્ખાગીરી કરનારા ત્રણ શખસ સામે ફરિયાદ: સીસી ફૂટેજ ચેક કરતી પોલીસ
જામનગર શહેર અને નજીકના વિસ્તારોમાં લુખ્ખાગીરી કરનારા તત્વોનો આતંક વધી રહ્યો છે,તાજેતરમાં જ મોબાઈલ,રોકડ સહિતની લૂંટના બનાવો સામે આવ્યા હતા દરમિયાનમાં ગઈકાલે ખોડિયાર કોલોની વિસ્તારમાં એક વેપારીને આંતરીને ફડાકો ઝીંકી રોકડ રૂપિયા બે હજારની લૂંટ કર્યાની બાઇકમાં આવેલા 3 અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી આગળ વધારી છે.જામનગરના દિગ્વિજય પ્લોટ 64/1 ખાતે હોસ્પિટલ વાળી શેરીમાં રહેતા વેપારી ધર્મેશભાઈ ઓધવજીભાઈ ભીંડી ઉંમર વર્ષ 41 ગઇકાલે તેઓ પોતાના કામ સબબ ખોડિયાર કોલોની વિસ્તારમાં જતા હતા. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેનો ગાડીથી પીછો કરીને બેંક ની બાજુનાં રોડ પર વેપારીને આંતરી ને અપશબ્દો બોલી ફડાકો ઝીંકી દીધો હતો. તેમજ રૂપિયા બે હજારની લૂંટ કરી નાસી છૂટયા હતા.
ધર્મેશભાઈ ભીંડી દ્વારા ઉપરોકત બનાવ અંગે સીટી-સી ડિવિઝનમાં બ્લુ કલરની નંબર પ્લેટ વગરની સુઝુકી એક્સસમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો જેમની આશરે ઉંમર 25 વર્ષ ની સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. એવી પણ વિગત જાણવા મળી છે કે ગઈકાલે વેપારી જતા હતા ત્યારે બાઇકમાં આવેલા શખ્સોએ બાઈક અથડાવીને જીભાજોડી કરીને ખર્ચની રકમની માંગણી કર્યા બાદ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી એકલદોકલ વ્યક્તિને આંતરિક ધાક-ધમકી આપીને મોબાઈલ રોકડ સહિતના મુદ્દામાલ ઝુટવી લેવાનાં બનાવો સામે આવી રહ્યા છે.