વિપક્ષી કોર્પોરેટરો ધરણા બાદ કમિશનર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા.
જામનગર મહાનગરપાલિકાના બજેટ પર ચર્ચા કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિપક્ષી નગરસેવક રચનાબેન નંદાણીયા પોતાના સૂચનો આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ, મહિલા કોર્પોરેટરને બેઠકમાં પ્રવેશ ન અપાતા કોર્પોરેટરે ધરણા શરૂ કર્યા હતા. મહિલા કોર્પોરેટરની સાથે કૉંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ જોડાયા હતા. ધરણા યોજયા બાદ વિપક્ષી કોર્પોરેટરોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
જામનગર મનપા કમિશનર દ્વારા ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટ પર ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે જ વિપક્ષી નગરસેવક રચનાબેન નંદાણીયા બજેટને લઈ સૂચનો આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ, તેઓને બેઠકમાં પ્રવેશ ન અપાતા સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર જ ધરણા પર બેસી ગયા હતા. રચનાબેનની સાથે કૉંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ ધરણામાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર કર્યા બાદ વિપક્ષી નગરસેવકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની તબિયત લથડી હતી. તેમ છતાં તેના દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવ્યા હતા.