જામનગર તા ૧૦, જામનગર બેડી- વાલસુરા રોડ પર કોળીવાસ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય એક તરુણીએ તેના પાડોશમાં જ રહેતા એક શખ્સના ત્રાસના કારણે ફિનાઈલ પી લેતાં ઝેરી અસર થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલ માં દાખલ કરાઈ છે. પોલીસે તેણીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી-વાલસુરા રોડ પર કોળીવાસમાં રહેતા અરવિંદભાઈ રોરીયાની ૧૭ વર્ષની પુત્રી એ આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘેર ફિનાઈલ પી લેતાં તેણી બેશુદ્ધ બની હતી. જેથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં તેણીને સમયસર સારવાર મળી ગઈ હોવાથી રાત્રિના સમયે ભાનમાં આવી ગઈ હતી. આ બનાવને લઇને તેના પરિવારમાં ભારે દોડધામ થઇ હતી, અને સમગ્ર મામલો બેડી મરીન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેથી બેડી મરીન પોલીસની એક ટુકડી જી.જી. હોસ્પિટલે દોડી આવી હતી, અને સગીરાનું નિવેદન નોંધતાં તેણીએ પોતાના પાડોશમાં રહેતા ભાવેશ રમેશભાઈ મકવાણા નામના શખ્સના ત્રાસના કારણે ફિનાઇલ પીધું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધીને પાડોશી શખ્સને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને કોળી વાસ વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
પાડોશી શખ્સ ભાવેશ મકવાણા મોબાઈલ ફોન મારફતે પજવણી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.ભોગ બનનાર તરૂણી ની પિતરાઈ બહેનને આજે સવારે પાડોશી ની હરકત ની ખબર પડી જતાં સગીરાના પિતા ને જાણ કરીને બોલાવી લીધા હતા, દરમિયાન સગીરાએ ફીનાઇલ પી લીધું હતું. આ મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે