સૌરાષ્ટ્રના જેતપુર માર્કેટ યાર્ડમાં 3700 મણ કપાસની આવક થઈ હતી. અને ભાવ રૂા. 1551 થી 3000 થયો હતો. આજે બોટાદ, રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના 42 યાર્ડોમાં એકથી સવા લાખ મણ કપાસની આવક દેખાઈ હતી. રાજ્યમાં હાલ 200 જિનિંગ ફેક્ટરીઓ ચાલુ છે.
જેમાંથી સૌરાષ્ટ્રમાં 125 જેટલી જિનિંગ ફેક્ટરીઓ એક – બે પાળીમાં ચાલે છે. પરંતુ માલની મળતર નથી અને ભાવો ખૂબજ ઊંચા પડે છે. ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી પણ રોજ 20 થી 40 ટ્રકો કપાસ વેચવા આવે છે. માર્કેટ યાર્ડોમાં અગાઉ પોણા બે લાખ મણ સુધી કપાસની આવકો થતી હતી. માર્કેટ યાર્ડની આવકો ઉપરાંત યાર્ડની આવકોના 25 થી 30 ટકા ગામડે બેઠા રૂા. 2500 ના ભાવે વેચાણ થાય છે.
રાજકોટ યાર્ડમાં કપાસની 20000 મણની આવક હતી અને ઊંચામાં ભાવ રૂા. 1775 થી રૂા. 2558 સુધીનો ભાવ થયો હતો. અન્ય યાર્ડોના ઊંચા ભાવો જોઈએ તો ગોંડલ યાર્ડમાં 14000 મણની આવક અને રૂા. 2576 ઊંચા ભાવ હતા. આજે બાબરા યાર્ડમાં 14, 000 મણ કપાસની આવક હતી. બાબરા પંથકમાં જિનર્સ પણ છે. આ યાર્ડમાં નબળા કપાસના રૂા. 1600 અને સારા કપાસના રૂા. 2630 મળ્યા હતા. અમરેલી યાર્ડમાં 9600 મણની આવક હતી અને ભાવ ઊંચામાં રૂા. 2600 સુધી બોલાયો હતો. બોટાદમાં 30000 મણની આવક ભાવ રૂા. 1800 થી 2450 હતો. જ્યારે રૂની ગાંસડીનો ભાવ રૂા. 85, 000 થી છેક 92, 000 નો બોલાયો હતો.