- પેઢલા-પાંચપીપળા રોડ પર અસંખ્ય વૃક્ષોનું કઢાયું નિકંદન !
- ત્રણ ટોળકીએ ઈલેક્ટ્રીક કટરથી અસંખ્ય વૃક્ષો કાપી નાખ્યા
- સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત ભાજપના આગેવાનના ઈશારે વૃક્ષોનું નિકંદન કઢાયાનો આક્ષેપ
જેતપુર તાલુકાના પેઢલા ગામથી પાંચપીપળા સુધીના રોડની બંને બાજુ આવેલા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખીને પર્યાવરણનું નિકંદન કાઢી નાખવા બાબતે ખેલ ભાજપના આગેવાન અને રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીની મિલીભગતથી પાર પડાયો હોવાની વાતથી જેતપુર તાલુકા ભરના પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
પ્રવર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગે માઝા મૂકી છે. શિયાળામાં પણ માવઠા સ્વરૂપે વરસાદના ઝાપટા પડવા એ ગ્લોબલ વોર્મિંગ નિશાનીઓ બતાવે છે. આવા સમયે વૃક્ષોના નિકંદનને બદલે ઉછેર કરવાની મારી, તમારી, સૌની ફરજ થઈ પડે છે.
તેને બદલે જેતપુર તાલુકાના પેઢલા ગામથી પાંચપીપળા સુધીના રોડ ઉપર બંને બાજુએ વર્ષોથી ઉભેલા વૃક્ષોને માત્ર ને માત્ર ભાજપના ઇશારે કાપી નાખવાની વાત જેતપુર તાલુકાભરમાં ટોક ઓફ ધી તાલુકા એરિયા બની ગઈ છે.
વાત એવી બની કે જેતપુર તાલુકાના પેઢલા ગામથી પાંચપીપળા સુધીના રોડ પર વર્ષોથી ઉભેલા વૃક્ષોનું કટીંગ થતું જોવા મળતાં પર્યાવરણ પ્રેમીઓએ સ્થાનિક પત્રકારોને જાણ કરી હતી. આ બાબતે તાત્કાલિક પત્રકારોએ પેઢલા પાંચ પીપળા રોડ ઉપર પહોંચીને તપાસ કરતા બેરોકટોક વૃક્ષોનું નિકંદન થતું જોવા મળતા આ ઘટનાને કેમેરામાં કેદ કરી લેવાઈ હતી.
દરમિયાન આવા વૃક્ષોના નિકંદન પાછળ કોનો હાથ છે તે બાબતે ચોકસાઇ કરવા માટે પૂછપરછ કરાતા લાગતા-વળગતા તંત્રે આ વાતનો છેદ ઉડાડતા કહ્યું હતું કે ફરિયાદ વાળી જગ્યા એટલે કે પેઢલા- પાંચ પીપળા રોડ પરના વૃક્ષો કાપવાની મનાઈ ફરમાવાઈ હતી. આમ છતાં ખાનગી મજૂરોને રોકીને વૃક્ષોનું નિકંદન કાઢવામાં કોનો હાથ સફળ થયો તે તપાસ કરવાની જરૂર છે.
આ બાબતે આધારભૂત જાણકારો પાસેથી વિગતો મળી રહી છે કે જેતપુર ભાજપના આગેવાન સુભાષ બાંભરોલીયા તેમજ રોડ એન્ડ બિલ્ડિંગના ગાજીપરા તેમજ સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાના ઈશારે પાંચ પીપળા રોડ પરના વૃક્ષોને કાપીને નિકંદન કઢાયું છે. ત્યારે આ વાત કેટલી સાચી છે ? તે તપાસ કરવાની લાગતા વળગતા સત્તાધીશોની જવાબદારી છે.
અત્રે એ નોંધનીય છે કે ભૂતકાળમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તેમજ સુપ્રીમ કોર્ટે સમયાંતરે અનેક વખત તાકીદ કરી છે કે ખોટી રીતે વૃક્ષોનું નિકંદન કાઢવું તે ગુનો બને છે. તેમજ પ્રવર્તમાન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વચ્ચે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું હિતાવહ છે.
સમયાંતરે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ કરોડો રૂપિયાની જાહેરાતો આપીને લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા મથે છે. પરંતુ જેતપુર તાલુકા વિસ્તારમાં સરકારની જાહેરાત કે ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની કાયદેસર રીતે અવગણવામાં આવતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ત્યારે આ ઘટનાને કોર્ટ સુધી પહોંચાડવા માટે જાગૃત લોકો મેદાનમાં આવ્યા છે.
જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે પેઢલાથી પાંચ પીપળા રોડ ઉપર બંને બાજુ એટલા બધા ઘટાટોપ વૃક્ષોની હારમાળા હતી કે ધોમધખતા ઉનાળામાં પણ જો આ રોડ ઉપરથી પસાર કરવામાં આવે તો લોકોને મીઠા છાંયડાનો અનુભવ થતો હતો. મતલબ કે લોકોને લેશમાત્ર તડકો સતાવતો ન હતો. પરંતુ હાલના દિવસોમાં ભાજપના આગેવાનના ઈશારે તમામ વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છવાયો છે.
ડાળીઓને બદલે વૃક્ષો જ કાપી નાખ્યા !!
જાણકારોએ ત્યાં સુધી કહ્યું કે આ રોડ ઉપરથી મોટા મોટા વાહનો પસાર થતા હોવાથી ઘણી વખત વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર આવી ગઈ હોવાથી માત્ર ડાળીઓ કાપવા ની સુચના હતી. પરંતુ રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારી ગાજીપરા તેમજ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય સુભાષ બાંભરોલીયા તેમજ સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાના ઈશારે ખાનગી મજૂરો રોકીને ઈલેક્ટ્રીક કટરથી તમામ વૃક્ષોને કાપી નાખીને પર્યાવરણનું સરેઆમ નિકંદન કાઢી નાખ્યું છે.
કોરોનામાં વૃક્ષરોપણની સરકારની વાતને ચડાવાઈ અભેરાઈએ ??
જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં વસતો બુદ્ધિજીવી વર્ગ એવું કહે છે કે છેલ્લા દોઢ-બે વરસ થયા કોરોના મહામારીને લીધે સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં શુદ્ધ વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેના ભાગરૂપે સરકારે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવાની દેશભરના નાગરિકોને અપીલ કરી હતી. કારણકે કોરોનાના દર્દીઓને ઓક્સિજનની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી. આવા સમયે જો લોકોની આસપાસ વૃક્ષારોપણ જેવી લીલી હરિયાળી હશે તો ઓક્સિજનના સિલિન્ડર શોધવા નહીં પડે તેમજ કોરોનાના દર્દીઓને રાહત પણ થશે. તેવી કરોડો રૂપિયાની જાહેરાત સરકારે આ અખબારી માધ્યમ દ્વારા કરી હતી. પરંતુ જેતપુર તાલુકા વિસ્તારમાં માત્ર ને માત્ર સ્થાપિતોનું હિત સાધવા માટે રાજકીય ઈશારે અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા હવે સરકાર, વન તંત્ર કે ગ્રીન ટ્રિબ્યુનલ કસૂરવાર લોકો સામે કેવા પગલાં ભરશે તે તો સમય જ બતાવશે.