Samay Sandesh News
ગુજરાતરાજકોટ

જેતપુરમાં છરીથી ગળુ કાપી પૂર્વ પત્નીની હત્યા કરતો પતિ

જેતપુરમાં છરીથી ગળુ કાપી પૂર્વ પત્નીની હત્યા કરતો પતિ

ગુજરાતી વાડી વિસ્તારમાં સવારમાં ઘટેલી ઘટનાથી અરેરાટી : બે બાળકોને મકાનની બહાર કાઢી મુકી અન્ય શખ્સની મદદથી ઢીમ ઢાળી દીધું : ફરાર થયેલ બંને આરોપીઓને દબોચી લેવા પોલીસ તપાસનો ધમધમાટ

જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં આજે સવારનાં છરીથી ગળુ કાપી પતિએ પૂર્વ પત્નીની હત્યા કરી નાખતા શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. તેમજ મરનાર મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ અંગે મળતી સિલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે, જેતપુરનાં ગુજરાતી વાડી વિસ્તારમાં કાઠી શાંતુભાઈ કહોર અને તેમના પત્ની પ્રસન્નબેન બંને બાળકો સાથે રહેતા હતા. દરમિયાન બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં ચારેક માસ પહેલા બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. અને ગુજરાતી વાડી વિસ્તારમાં જ બંને આમને-સામને મકાનમાં રહેતા હતા.

દરમિયાન આજે સવારનાં શાંતુભાઈ કહોરે અન્ય એક કાઠી શખ્સ સાથે તેમના પૂર્વ પત્ની પ્રસન્નબેનના ઘરે દોડી જઇ પ્રસન્નબેન કઇ સમજે તે પહેલા જ તેમનું ગળું છરીથી કાપી નાખતા તેમનું ઘટનાસ્થળે જ ઢીમ ઢળી હતું. દરમિયાન આ ઘટનાને પગલે શોરબકોર થતાં તેમના બંને બાળકો જાગી ગયા હતા અને આસપાસના રહેવાસીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

દરમિયાન, પ્રસન્નબેનના પૂર્વ પતિ શાંતુભાઈ કહોર અને તેની સાથેનો અન્ય એક આરોપી આ ઘટના બાદ બાઈક લઇ ફરાર થઇ ગયા હતા. આજે સવારનાં જ ગુજરાતી વાડી વિસ્તારમાં આ હત્યાની ઘટના ઘટતાં શહેરભરમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનામાં હત્યારા પૂર્વ પતિ અને તેની સાથેનાં અન્ય એક આરોપી કે જે ઘટના બાદ તુરંત ફરાર થઇ ગયેલ તેને દબોચી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ હત્યાની ઘટનામાં આસપાસના રહીશો દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવેલ હતો પણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર નહીં આવતાં અંતે પાલિકાના ફાયર બ્રિગેડને ફોનકરી પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

આ ઘટનામાં મરનાર મહિલાને તાબડતોબ સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ મહિલાએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હોય પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Related posts

ગુજરાત માં ૨૧ સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ ની આગાહી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.

samaysandeshnews

જામનગર : જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં રામનવમીના પાવનકારી પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ સહિતના મહાનુભાવો એ દર્શન કર્યા

cradmin

સુરત માં વેક્સિન ચકાસણી માટે પાલિકાનાં વિચિત્ર નિયમ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!