વાવ તાલુકાના વાવડી પ્રાથમિક શાળાના ૬૯ મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઇઃ શાળાના બાળકો અને ગ્રામજનોએ કાર્યક્રમો રજૂ કર્યા
દરેક ગામ પોતાની શાળાનો સ્થાપના દિવસ ઉજવે એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુચનને ધ્યાનમાં લઇ બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના વાવડી પ્રાથમિક શાળાના ૬૯ મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વાવડી પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ગ્રામજનો, શાળા સમિતિ, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોના પ્રયત્નોથી રાસ, ગરબો, દેશભક્તિ ગીત, મૂકનાયક, મિમિક્રી, આદિવાસી નૃત્ય, ફિલ્મી નૃત્ય, રાજસ્થાની ગીત, લોકગીત જેવા રંગબેરંગી અને મનમોહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ગામલોકોએ મેરાયો નૃત્ય, કાનુડાનું ધોળ અને દેશી ગરબી એમ ત્રણેય વાવ પંથકની ઓળખસમા નૃત્યો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી જાનકીદાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આમંત્રિતો, પૂર્વ શિક્ષકો, ધોરણ-૮ ના વિદાયમાન વિદ્યાર્થીઓ, દાતાઓ, હોદ્દેદારો અને વ્યક્તિ વિશેષનું સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી દર્શનાબેન, સરપંચશ્રી ટી.આર.રબારી, અધ્યક્ષશ્રી વિક્રમભાઇ સેંગલ, સદસ્યશ્રી બબાભાઇ રાજગોર તથા ગ્રામજનોએ પુરતો સહકાર આપ્યોૂ .
દાતાશ્રીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં રૂપસીભાઇએ દરેક વિદ્યાર્થીને અભ્યાસ કીટ આપી હતી. શ્રી અમરતભાઇએ બાળકોને ઠંડા પાણીનું વોટર કુલર ભેટ આપ્યુ હતુ. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વસ્તાભાઇ પટેલે સૌને આઇસક્રીમ ખવડાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામભાઇ વકીલ અને અમીરામ પરમારે કર્યુ હતુ. તેમ વાવડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું છે.