જિલ્લા તકેદારી સમિતિ જિલ્લા કક્ષાએ વિજિલન્સની ફરિયાદોના નિવારણ માટે અગત્યની સમિતિ છે. – શ્રીમતી સંગીતા સિંઘ
ગુજરાત રાજ્ય તકેદારી કમિશ્નર શ્રીમતી સંગીતા સિંઘે પાટણ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે અધિકારીઓને જિલ્લા તકેદારી સમિતી અસરકારક રીતે કાર્ય કરે અને જિલ્લાકક્ષાએ ફરિયાદોનો ઝડપી નિકાલ થાય એ માટે સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ પાટણ જિલ્લામાં તકેદારી સંબંધિત મળેલ અરજી- ફરિયાદો અને તેના નિકાલ અંગે કમિશ્નરશ્રીને માહિતગાર કર્યા હતા.
રાજય તકેદારી આયોગના કમિશ્નર શ્રીમતી સંગીતા સિંઘે મીટીંગમાં ઉપસ્થિત સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિને ડામવા માટે પ્રિવેન્ટીવ વિજિલન્સ ઈન્સ્પેક્શન એટલે કે નિવારાત્મક તકેદારી નિરીક્ષણ ખૂબ જ જરૂરી છે. તેના પર તમામ અધિકારીઓએ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જિલ્લામાંથી મળતી વિવિધ તકેદારી સંબંધી ફરિયાદોના ઝડપી અને ન્યાયી નિકાલ માટે જિલ્લા તકેદારી સમિતીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. જેમાં વિવિધ વિભાગો સંકલન કરીને તેમાં ત્વરિત કાર્યવાહી કરે છે. કમિશ્નરશ્રીએ સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા નાગરિકો તરફથી આવેલી અરજી પરત્વે લેવાના થતા પગલા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ પ્રેઝન્ટેશન દ્વારા વિજિલન્સ કમિશ્નરશ્રીને પાટણ જિલ્લામાં તકેદારી સંબંધે થયેલ કાર્યવાહી અંગે જણાવ્યું હતું.
આ બેઠકમાં તકેદારી આયોગના નાયબ સચિવશ્રી બી.એમ.પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેકટરશ્રી સચિન કુમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.પી.ઝાલા, સરકારી વકીલશ્રી શૈલેષભાઈ ઠકકર, સીવીલ સર્જન ડૉ. અરવિંદ પરમાર, એસીબી પોલીસ ઈન્સ્પેકટરશ્રી એચ.એસ.આચાર્ય તથા અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.