Samay Sandesh News
ગુજરાતજામનગર

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો; ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે, ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છે, આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીનું આહવાન, લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદનો અભ્યાસ કરીને વૈદ્ય બનેલા સૌ વિદ્યાર્થીઓનું છે : મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા

જામનગર તા.21 એપ્રિલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું.

આયુર્વેદના ‘લાંઘન પરમોષધમ’ ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.

એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્ત ખોરાક, અવ્યવસ્થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરુપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્યું છે. ત્યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્ત કરી સ્વસ્થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્સા પદ્ધતિ થકી મેળવેલ સ્વસ્થતા વિશેના પોતાના અનુભવો રાજ્યપાલશ્રીએ વર્ણવ્યા હતા.

પદવી પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધો, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુક્ત બને તે દિશામાં કામગીરી કરજો.

આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આજે પદવી મેળવી વૈદ્ય બનનાર સૌ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવાર લઈ રહેલા લોકોમાં થઈ રહેલો વધારો સૂચવે છે કે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત સરકાર પણ અનેક પગલાં લઈ રહીછે.

આ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યો સર્વશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, આયુષ નિયામકશ્રી વૈદ્યશ્રી જયેશ પરમાર, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવશ્રી ડૉ.અશોક ચાવડા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવશ્રી મયંક સોની, આઈ.ટી.આર.એના નિયામકશ્રી તનુજા નેસરી, સિનિયર પ્રોફેસરશ્રી અનુપ ઇન્દોર્ય, અગ્રણીઓશ્રી, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગર : જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ‘નલ સે જલ’ યોજનાની ૫૧ મી સમીક્ષા બેઠક મળી

samaysandeshnews

જામનગર બાર એસોસિયેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

samaysandeshnews

જેતપુર તાલુકામાં ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ 106 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!