
જૂનાગઢ તા.૨૨, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી દ્વારા જામનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૯મા ૫દવીદાન સમારોહ પ્રસંગે ૧૮૪૧ પદવી ધારક વિદ્યાર્થીઓ અને મહાનુભાવોની હાજરીમાં ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય સાથે આયુર્વેદીક સંશોધકનો વિકસાવવા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં ૫દવીદાન સમારોહ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છેઆયુર્વેદના ‘લંધનમ પરમ ઔષધમ’ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એમ.ઓ.યુ કરનાર બન્ને યુનિ.ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા થયેલ સમજુતી કરાર થકી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિને લોકો જાગૃતિ કેળવવા ઉપયોગી બનશે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કાર્યકારી કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ એચ. બાપોદરાએ તાજેતરમાં ખડીયા ગામે યુનિ. દ્વારા આયોજીત કરાયેલ ચિકીત્સા શિબીરમાં આયુર્વેદના પંચકર્મ, અગ્નીકર્મ, અને ચિકિત્સા પદ્ધતિની સારવાર અંગે પોતાના અનુભવો વર્ણવી એમ.ઓ.યુ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે બંને યુનિ. સૈદ્ધાંતિક રીતે હર્બલ-આધારિત ઉત્પાદનો દ્વારા સંશોધન દ્વારા આયુર્વેદ અને સંબંધિત વિજ્ઞાનના પ્રમોશન અને લોકપ્રિયતા માટે સહયોગમાં સાથે મળીને કામ કરવા,વિવિધ આયુર્વેદિક ઉત્પાદનો, પોલી હર્બલ ફોર્મ્યુલેશન, સિંગલ પ્લાન્ટ મેડિસિન, ફાયટોકેમિકલ ફોર્મ્યુલેશન, ફાયટોકેમિકલ્સનું આઇસોલેશન, આયુર્વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સ, મૂળભૂત, ફાર્માસ્યુટિકલ, વિશ્લેષણાત્મક, ફાર્માકોલોજિકલ, ટોક્સિકોલોજિકલ અને ક્લિનિકલ અભ્યાસો પર સંશોધન હાથ ધરવા સાથે આયુર્વેદનું વૈજ્ઞાનિક રીતે અન્વેષણ અને સ્થાપના કરવી અને તેને વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બનાવવા બંને પક્ષો ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામમાં પ્રવેશ કરવા સંમત થયા છે.
ગુજરાત આયુર્વેદ યુનિ.નાં રજિસ્ટ્રાર સાથે સમજુતી કરાર પર હસ્તાક્ષર કરી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કાર્યકારી રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ એમ.ઓ.યુ વિશે વાત કરતા જણાવ્યુ કે બંને યુનિ. પી.જી., પીએચ.ડી. વિદ્યાર્થીઓ, સંશોધન ફેલો અને શિક્ષકો માટે તેમના પોતાના નિયમિત કાર્યમાં ખલેલ પહોંચાડ્યા વિના, તેમની સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ એકબીજાને ઉપલબ્ધ કરાવવા સંમત થયા છે. એમ.ફિલ, પીએચ.ડી., એમએસસી. (નિબંધ દ્વારા) અને અન્ય યોગ્ય અભ્યાસક્રમ ડિગ્રી/સંશોધન ડિગ્રીઓ તરફ દોરી જતી સંશોધન પ્રવૃત્તિઓની નોંધણી અને વિસ્તરણ માટે કુશળતા અને વિશેષતાની સંબંધિત શાખાઓમાં આંતરશાખાકીય અભિગમ હેઠળ માન્યતાના જરૂરી ધોરણોને પૂર્ણ કરવાને આધીન, એકબીજાના શિક્ષકો/સંશોધકોને ડોક્ટરલ સંશોધન કાર્ય માટે સુપરવાઇઝર તરીકે માન્યતા આપવા સંમત થયા છે.
બન્ને યુનિ. પ્રદર્શનો, પરિસંવાદ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોમાં વૈજ્ઞાનિક આયુર્વેદ અને આયુર્વેદના વિકાસ અંગે યોગ્ય જાગૃતિ, પરસ્પર ધોરણે એકબીજા માટે પરસ્પર ફાયદાકારક શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવાની શક્યતાઓ શોધવી, જરૂર પડ્યે બંને બાજુના ફેકલ્ટી સભ્યોની ક્રિયાપ્રતિક્રિયા અને મુલાકાતો માટે પદ્ધતિઓ વિકસાવવા જેવી અનેક બાબતોમાં સમજુતી કરવામાં આવી છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર