સતત ભારે વરસાદને પગલે જામનગર જિલ્લામાં વરસાદી પાણીના ભરાવાને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.રાજ્યના નવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રથમ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી જેમાં વડોદરા સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ – એન. ડી. આર. એફ.ની બટાલિયન ૬ ની ટુકડી યોગદાન આપી રહી છે.
વડોદરા ખાતેના એન. ડી. આર. એફ ના જનસંપર્ક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વડોદરાની ટુકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલાઓને ઉગારવાની કામગીરી કરી રહી છે. મળતી જાણકારી પ્રમાણે આ ટુકડીના જવાનોએ ૧૩ મહિલાઓ,૧૧ પુરુષો અને ૭ બાળકો મળી ૩૧ લોકોને કાલાવડી નદીના પુરમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડયા છે.દળના જવાનો હાલ બચાવ કામગીરી કરી રહ્યાં છે.