અડાજણમાં પરશુરામ ગાર્ડન પાસે આજે બપોરે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકો થવાથી ઓઇલ લીકેજ થતાં ઈલેક્ટ્રીશન દાઝ્યો હતો. જ્યારે ટ્રાન્સફોર્મર માંથી ઉડેલા તણખાને લીધે પાર્ક કરેલી બે કારમાં આગ ફાટી નીકળતાં ભાગદોડ થઈ જવાં પામી હતી.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અડાજણના પરશુરામ ગાર્ડન પાસે મણીનગર રો હાઉસની બહાર આજે બપોરે વીજ કંપનીના ટ્રાન્સફરમાં ત્રણ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકો થતા ઓઈલ લીકેજ થવાથી ત્યાં કામ કરતા ઇલેક્ટ્રિશિયન બાબુભાઈ (ઉં-વર્ષ-46-રહે મોરાભાગળ, રાંદેર) દાઝી ગયા હતા. જ્યારે બે કર્મચારીઓ બચી ગયા હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ટ્રાન્સફોર્મર લીધે ઉડેલા તણખાથી નીચે પાર્ક કરેલી બે કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી. અને ત્યાં પાર્ક કરેલા અન્ય વાહનો ત્યાં હાજર લોકોએ ખસેડાયા હોવાનું જાણવાં મળે છે. જોકે આગને લીધે ધુમાડાનાં ગોટેગોટા નીકળવા માંડ્યાથ હતા. જેનાં લીધે ત્યાં લોકો એકત્ર થઇ ગયા હતા.
આ અંગે ફાયર ઓફિસર સંપત સુથારને જાણ થતા પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરી અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે દાઝી ગયેલાં ઇલેક્ટ્રિશિયનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવાં મળે છે.