સુરતમાં એક એવી અનોખી હૉસ્પિટલ બનાવવામાં આવી છે, જ્યાં માણસો કે પ્રાણીઓની નહીં પરંતુ જૂતાઓની સારવાર કરવામાં આવે છે. આ હોસ્પિટલ રામદાસ અને તેમનાં બે પુત્રો ચલાવે છે અને ૨૦૦૫થી તેઓ સુરતનાં રોડ પર આ કામ કરી રહ્યાં છે.હવે તમે કહેશો કે આવી મોચીની દુકાન તો દરેક શહેરમાં હોય છે, તેમાં વળી ખાસ શું છે?
ખરેખર, ખાસ વાત એ છે કે રામદાસ કોઈ સામાન્ય મોચી નથી. તે તેમના કામ માટે એટલા પ્રખ્યાત છે કે માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના શહેરોમાંથી પણ લોકો પોતાના ફાટેલા જૂતા રિપેર કરાવવા તેમની પાસે જ આવે છે. તમારા પગરખાંની કિંમત હજાર રૂપિયા હોય કે લાખ, ચંપલ ગમે તેવા જ કેમ ન ફાટી જાય રામદાસ તેની સારવાર કરીને તેને સંપૂર્ણપણે નવો લુક આપે છે.આથી આ હોસ્પિટલમાં ગ્રાહકોનો ધસારો રહે છે. લેધર શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ તેમજ બ્રાન્ડેડ બેગ અને પર્સનું અહીં સમારકામ કરવામાં આવે છે. રામદાસ કહે છે કે તેમની પાસે વિવિધ પ્રકારના હાઈ-ફાઈ ગ્રાહકો લાખો વિદેશી બ્રાન્ડના જૂતા રિપેર કરાવવા માટે આવે છે. આ બિઝનેસને વધુ ખાસ બનાવવા માટે તેમણે તેને એક અનોખું નામ પણ આપ્યું છે. જો કે તેમની પોતાની કોઈ દુકાન નથી, પરંતુ તેમણે ‘ઈજાગ્રસ્ત શૂઝની હોસ્પિટલ’ નામનું પોસ્ટર લગાવ્યું છે, જે હવે તેમની એક ઓળખ બની ગયું છે.સૌથી સારી વાત એ છે કે રામદાસ રોડ પર કામ કરતા હોવા છતાં તેમની વિચારસરણી તદ્દન અલગ છે. તેમણે પગરખાં બનાવવાનું કામ પોતાના પિતા પાસેથી શીખ્યું હતું. તે નાનપણથી જ આ કામ કરી રહ્યા છે અને તેમને તેમનું કામ ખૂબ જ પસંદ છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા રામદાસે કહ્યું કે, “મને ચંપલ બનાવવા સિવાય બીજું કોઈ કામ મળતું નથી. મેં 8મું પાસ કર્યા પછી તરત જ મારા પિતા સાથે આ કામ કરવાનું શરૂ કર્યું હતું તે પછી મેં ક્યારેય કોઈ નવા કામ વિશે વિચાર્યું જ નથી, હું હંમેશા વિચારું છું કે મારી પાસે જે જૂતા આવે છે તેમાં હું તેને કેવી રીતે વધારે સારી રીતે બનાવી શકું. જ્યારે દૂર-દૂરથી લોકો મારી પાસે ચંપલ બનાવવા માટે આવે છે, ત્યારે હું તેને મારી સફળતા માનું છું.આ વિચારસરણીના કારણે જ તે આજે આટલી પ્રગતિ કરી શક્યા છે. મૂળ મહારાષ્ટ્રના ખાનગાંવના રામદાસ સુરતમાં રહીને ૨૦૦૫થી આ કામ કરે છે. અગાઉ તે નાસિકમાં પણ આ જ કામ કરતા હતા. ત્યારબાદ તેમના એક મિત્રએ તેમને સુરત આવવા માટે કહ્યું હતું. રામદાસ કહે છે કે, “મારો મિત્ર અહીં કપડાંનું કામ કરતો હતો, તેણે મને કહ્યું કે ગુજરાતમાં લોકો મોંઘા ચંપલ પહેરે છે. અહીં કામ કરવાના ઘણા ફાયદા છે. ત્યારે જ હું સુરત આવ્યો અને કામ શરૂ કર્યું.આ શહેરમાં આવીને તેમને સફળતા મળી અને હવે રામદાસે પણ શહેરમાં પોતાનું ઘર બનાવી લીધું છેઆ કામ તે આજે પણ ખંતથી કરી રહ્યા છે, દરરોજ તેમને ૧૦ થી વધુ સ્પોર્ટ્સ શૂઝ ધોવા માટે આવે છે. શહેરમાં જ્યારે પણ કોઈના મોંઘા જૂતા ઘાયલ થાય છે ત્યારે લોકો આ હોસ્પિટલનું સરનામું પૂછીને અહીં પહોંચી જાય છે. એટલું જ નહીં, આ જૂતાંનું સમારકામ કર્યા બાદ ગ્રાહકોને તેઓ હોમ ડિલિવરી પણ કરી આપે છે.