પાલનપુર પાટીયા નજીક સંસ્કાર ભારતી સ્કૂલથી આઇ.એન. ટેકરાવાલા સ્કૂલ જવાના રોડ પર નો પાર્કીંગ ઝોનમાં પાર્ક બાઇક ટો કરી રહેલા ટ્રાફિક પોલીસ અને ક્રેઇનના કર્મીને ગાળો આપી ઝપાઝપી કરનાર બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી રાંદેર પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેર ટ્રાફિક શાખાના રિજીયન 4 ના હે. કો. ભરતસિંહ અમરસિંહ ભદોરીયા સ્ટાફ સાથે ગત સાંજેનો પાર્કીંગ ઝોનમાં પાર્ક વાહન ટો કરી ટ્રાફિક ગોડાઉનમાં મુકવાની કામગીરી કરી રહ્યાં હતાં. દરમિયાનમાં પાલનપુર પાટીયા નજીક સંસ્કાર ભારતી સ્કૂલની સામે શાકભાજી માર્કેટથી આઇ.એન. ટેકરાવાલા સ્કૂલ તરફ જવાના રોડ પર સ્થાનિક દુકાનદારો દ્વારા નો પાર્કીંગનું બોર્ડ લગાવ્યું હોવાં છતા ત્રણથી ચાર ટુ વ્હીલર ત્યાં પાર્ક કરવામાં આવ્યાં હતા.
જેથી હે. કો ભરતસિંહ ભદોરીયા ક્રેઇનના સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરતી વેળા ત્યાંથી પસાર થતી વેળા નો પાર્કીંગમાં પાર્ક મોપેડ અને બાઇક ટ્રો કરી રહ્યા હતા. ત્યારે સાહીલ યાસીન દિવાન (ઉ.વ. 25 રહે. 14, સરિતા સોસાયટી, વિનોદ મોટર્સ પાસે, જહાંગીરપુરા) એ મારી ગાડી અહીંયાથી કેવી રીતે ઉઠાવી લઇ જાવ છો એમ કહી ગાળાગાળી કરી ક્રેઇનનાં સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. જેથી હે. કો. ભરતસિંહે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં રાંદેર પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. પોલીસે સાહીલ વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.