ઉપલેટામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા સંપન્ન: રજતતુલામાં પ્રાપ્ત ૧.૧૫ કરોડની ઘનરાશી સંસ્થાઓ જળસંગ્રહના કાર્યોમાં વાપરશે
જળ સંચય માટે રજતતુલા માત્ર મુખ્યમંત્રીશ્રીની નથી-જનહિત માટે-પાણી માટે કાર્ય કરતા એક એક કાર્યકર્તાની છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:· જળ સંચયમાં જનભાગીદારીથી વરસાદના પાણીનું એક એક ટીપુ બચાવવુ છે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે જનહિત માટે પરિશ્રમથી પરિવર્તનની અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે હિમોગ્લોબિનની વૃદ્ધિ માટે ટેબલેટ તુલા-પાણી માટે રજતતુલા આ બધા ભાવ ગુજરાતની જનભાગીદારીને નવી દિશા આપી રહ્યા છે પ્રાકૃતિક ખેતી થકી જમીન અને આપણા સૌનું-નવી પેઢીનું સ્વાસ્થ્ય સુધરશે ઉપલેટામાં શ્રી ગોકુલ ગૌ સેવા સદન-અરણી તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ-ઉપલેટા દ્વારા મુખ્યમંત્રીશ્રીનો રજતતુલા સમારોહ સંમ્પન
રાજકોટ, તા.૦૩ એપ્રિલ – રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકા શાળા ખાતે રજતતુલા સમારોહ શ્રી ગોકુલ ગૌ સેવા સદન-અરણી તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટ-ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જળ સંગ્રહ અભિયાન માટે થયેલી આ રજતતુલા માત્ર એક મુખ્ય મંત્રીની નથી પરંતુ જન અને જલહિત માટે પરિશ્રમ કરતા ગુજરાતના એક એક કાર્યકર્તાની છે.
સૌરાષ્ટ્રમાં જળ અભિયાન માટે જનભાગીદારીના પ્રેરણા સ્ત્રોત એવા શ્રી પ્રેમજી બાપાના કાર્યને બિરદાવી તેમણે ચીંધેલા માર્ગે ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં હજુ વધુ ચેકડેમોના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીના વજન કરતા વધારે ૧૦૫ કિલો રજત સહિત કુલ ૧.૧૫ કરોડનો લોકફાળો કાર્યક્રમ આયોજીત સંસ્થાઓ જળ અભિયાન માટે વાપરશે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જળસંગ્રહ અભિયાન માટે જન આંદોલનમાં જન જનનો આધાર અગત્યનો છે.
મુખ્યમંત્રીશ્રીએ વરસાદી પાણીના સંગ્રહ માટે નવી પેઢી પણ જાગૃત થઈ રહી છે તે સંદર્ભ સાથે શાળા પ્રવેશોત્સવમાં ગુજરાતની એક દીકરીના વક્તવ્યને ટાંકીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નળની ચકલીમાંથી ધીમે ધીમે ટીપુ ટીપુ પાણી વહી જતું હોય તો વર્ષે ૩૧ હજાર લીટર પાણીનો વ્યય થાય તેમ જણાવી આપણા માટે પાણીનું એક-એક ટીપુ અગત્યનું છે તેમ કહી, વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેન’ જળ શક્તિ અભિયાન સફળ બનાવવા ભાવાર્થ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સીદસરના કાર્યક્રમમાં હિમોગ્લોબિન ની વૃદ્ધિ માટે ટેબલેટ તુલા સહિતના સંસ્થાઓના કાર્યક્રમો અને આ જળ અભિયાનમાં જનભાગીદારીના કાર્યક્રમો થકી ગુજરાતની વિકાસયાત્રાને જનભાગીદારીના સૂત્ર સાથે આગળ વધારવી છે. તેમ જણાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિશ્રમથી પરિવર્તનનો વિકાસનો માર્ગ આપણને ચીંધ્યો છે તેમ કહી સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ – વિશ્વાસના મંત્ર થી એક એક કાર્યકર્તાના ટીમવર્કથી આપણે જનસેવાનો યજ્ઞ સફળ કરવો છે, તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનના સ્વાસ્થ્યની સાથે સાથે આપણા અને આવનારી પેઢીના સ્વાસ્થ્યને સુધારવા સૌને પ્રેરણા આપી હતી.
આ તકે સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, પાણી એ ઘરતી પરનું અમૃત છે. વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રેમજી બાપાએ પ્રેરણા મળે તેવા કાર્યો કર્યા છે. તેમના કાર્યોને આગળ વધારવા ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં સંસ્થાઓ દ્વારા લોકફાળા સાથે કરવામાં આવેલા કાર્યોને બિરદાવી કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી પાણીના સંગ્રહ માટે જળ શક્તિ અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાણી માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રસંગે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી અપૂર્વમુનીએ આર્શિવચનો પાઠવતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ભારત-શ્રેષ્ઠ ભારત તથા આત્મનિર્ભર ભારત સહિત દેશની ઉન્નતિ માટે ગૌરવાન્તિત કાર્યો થઈ રહ્યા છે. ત્યારે આપણે જનજનના કલ્યાણ માટે સહભાગીતા સાથે સંકલ્પ લઈએ. તેઓશ્રીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભકામના પાઠવી જનસેવા માટેના નિર્ણયોને આવકાર્યા હતા. દેશ માટે પ્રાણન્યોછાવર કરનાર આઝાદીના લડવૈયાઓમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રસેવા માટે સૌને પ્રેરિત કર્યા હતા.
ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને સંકલનકર્તા શ્રી પ્રવિણભાઈ માકડીયાએ જણાવ્યું હતું કે, ધોરાજી વિસ્તારમાં પ્રેમજીબાપાએ સમગ્ર જીવન જળસંગ્રહ માટે સમર્પિત કર્યું હતું. તેમના માર્ગે જળસંચયની પ્રવૃતિ આગળ વધારવી છે. મુખ્યમંત્રીશ્રીની રજતતુલામાંથી પ્રાપ્ત ધનરાશી ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં નવા ચેકડેમો બનાવવા તથા તેના રીપેરીંગ સહિતના કાર્યો માટે વપરાશે.
આ પ્રસંગે જળસંગ્રહના કાર્યો માટે રોટરી ક્લબ-રાજકોટ તથા અન્ય ૧૧ દાતાઓએ રૂ. ૨૫ લાખથી લઈને ૫ લાખ સુધીના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા. પાટણવાવના જળસંચયના કામના દાન ચેક મુખ્યમંત્રીશ્રી પાસેથી જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વિકાર્યો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ભારતીય સેનામાં કર્નલ તરીકે સેવા આપીને નિવૃત થનાર શ્રી સંજયભાઈ ડઢાણીયાનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું. તેમજ ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં જળસંચયની પ્રવૃતિ કરનાર પ્રેમજીબાપાના જીવનકવન આધારીત ‘વૃક્ષપ્રેમી’ પુસ્તકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં સંસ્થાઓની પર્યાવરણ જાળવણી, જળ સંરક્ષણ, જળ સંચય અભિયાન, વૃક્ષ સંરક્ષણની કલ્યાણકારી પ્રવૃતિઓને બિરદાવી રાજ્ય સરકારની સાથે રહીને જળ, વૃક્ષ અને પર્યાવરણની પ્રવૃતિઓને ઉજાગર કરી સામુહિક રચનાત્મક પ્રવૃતિની પ્રશંસા કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
શ્રી ગોકુલ ગૌસેવા સદન-અરણીના શ્રી મનસુખભાઈ ઝાલાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા પ્રસંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા અને શ્રી જવાહરભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, પૂર્વ સાંસદશ્રી હરીભાઈ પટેલ, સંસ્થાના અગ્રણીશ્રી લલીતભાઈ, શ્રી મનસુખભાઈ સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.