જામનગરના વીજ પોલીસ મથકમાં ગઈકાલે એકજ દિવસમાં વધુ ૧૧૪ સહિત કુલ ૩૩૨ વિજ ચોરીના ગુન્હા નોંધાયા : ૩ કરોડ થી વધુનો દંડ કરાયો
જામનગર તા ૨૨, જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા વ્યાપક ઝૂંબેશ ચલાવાઇ રહી છે. અને છેલ્લા ચાર દિવસથી આવા ગુનેગારો સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેર જિલ્લામાં મોટાપાયે પોલીસ દ્વારા વિજ ચોરી સંદર્ભે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં ખાસ કરીને જામનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતા બુટલેગરો સહિતના શખ્સો ના રહેણાંક મકાનો પર વિજ તંત્રને સાથે રાખીને ગઈકાલે ૨૦૦ થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ ૧૧૪ ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને આ અંગેના અલગથી ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.
છેલ્લા ૫ દિવસ દરમિયાન વીજ પોલીસ મથકમાં કુલ ૩૩૨ જેટલા વિજ ચોરી ના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ દિવસે ૧૧ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા દિવસે ૫૩ ગુના નોંધવામાં આવ્યા હતા, ત્રીજા દિવસે ૯૫ અને ચોથા દિવસે ગુરુવારના મોડી રાત્રી સુધીમાં વધુ ૪૯ ફરિયાદ દાખલ કરાઈ હતી, ત્યારબાદ ગઈકાલે માત્ર એક જ દિવસમાં વધુ ૧૧૪ ગુનેગારો સામે એક્શન લેવામાં આવ્યા છે, અને તે તમામ સામે વીજ પોલીસ મથકમાં વીજ ચોરી અંગેના ગુના નોંધવામાં આવ્યા છે, અને છેલ્લા ચાર દિવસ દરમિયાન ૩૩૨ થી વધુ વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેમાં કુલ ૩ કરોડ થી વધુનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.