બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી
વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે માનવ ઉત્કર્ષનું યુગકાર્ય કર્યું છે. એ પરંપરામાં આ વર્ષે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જેતપુર ખાતે ત્રિશિખરીય મંદિરનું નિર્માણ થયેલ છે. આ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજે સવારે ૭ થી ૧૦.૩૦ સુધીમાં યોજાયો. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે મંદિરમાં બિરાજમાન થનાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય ૫ કિમી લાંબી શોભાયાત્રા જેતપુરના રાજમાર્ગો પર ગઇ કાલે સાંજે ૪ થી ૭ દરમ્યાન યોજાઈ હતી.
સવારમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ યોજાઇ ત્યારબાદ પ્રતિષ્ઠીત થયેલ મુર્તિની આગળ ભવ્ય અન્નકુટ ગોઠવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સંતો, હરિભકતોની હાજરીમાં ભવ્ય પ્રથમ આરતી યોજાઇ હતી. આ પ્રતિષ્ઠા વિધિમાં જેતપુર ખાતે આવેલ પૌરાણિક જીથુડી હનુમાનજીના મંદિરના મહંત, સુપ્રસિધ્ધ બિડભંજન મહાદેવના મહંત, પરબધામથી સંતો તેમજ અનેક ધાર્મિક સંસ્થાના સંતો તેમજ શહેરના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમા પુજન કરાયું હતું. ત્યારબાદ પ્રથમ આરતી યોજાઇ હતી. સવારે ૧૦.૩૦ વાગ્યાથી બીએપીએસ સંસ્થાના સંતોના પ્રવચનો, સંતો-મહંતો સન્માન સમારોહ તેમજ અભિવાદન સમારોહ યોજાયો હતો.