Latest News
ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો. મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડનો વધુ એક વિસ્ફોટ – બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટ પર ગંભીર આક્ષેપો, તપાસની માંગ ઉઠી. શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન. જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે? ‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે. બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર

જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે?

રૂ. ૯૪.૮૯ લાખના જંગી સાયબર ફ્રોડમાં દુબઈ સુધી પહોંચેલા તાર, વધુ ૧૦ શખ્સો સામે ગુનો નોંધાયો

જેતપુર (રાજકોટ જિલ્લા):
જેતપુર પંથકમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા હોવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોને જાણે સાયબર ગઠિયાઓ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવવામાં આવ્યા હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. થોડા સમય અગાઉ જ જેતપુર પોલીસે સાયબર ફ્રોડના એક મોટા કૌભાંડમાં ૭ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી, ત્યાં હવે ફરી એકવાર જેતપુર સીટી પોલીસે રૂ. ૯૪,૮૯,૦૭૭ના વિશાળ સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ પ્રકરણમાં વધુ ૧૦ શખ્સો સામે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેના તાર છેક વિદેશના દુબઈ સુધી પહોંચતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

દુબઈ બેઠેલો ‘માસ્ટર માઈન્ડ’, જેતપુરમાં લોકલ નેટવર્ક

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ સમગ્ર સાયબર ફ્રોડ રેકેટનો મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ છે, જે મૂળ અમરેલી જિલ્લાના વાવડી ગામનો વતની છે અને હાલ દુબઈમાં રહીને આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સંચાલિત કરતો હોવાનું સામે આવ્યું છે. રાહુલ પટેલે જુનાગઢના હર્ષદ હેમરાજભાઈ દેસાઈ મારફતે જેતપુરમાં પોતાના લોકલ એજન્ટો કેવલ જેન્તીભાઈ સીતાપરા અને પાર્થિવ કિશોરભાઈ ગોવાણીનો સંપર્ક સાધ્યો હતો.

આ લોકલ એજન્ટો દ્વારા જેતપુર શહેર તથા આસપાસના વિસ્તારોમાં મજૂરી કામ કરતા કે સામાન્ય નોકરી કરતા યુવકોને નિશાન બનાવવામાં આવતા હતા. સરળ કમાણીની લાલચ આપીને તેમને “તમારા ખાતામાં પૈસા આવશે અને તમને ૧ ટકા કમિશન મળશે” તેવી વાત કહી ગેરકાયદે કામમાં જોડવામાં આવતા હતા.

ગરીબ અને બેરોજગાર યુવકો બન્યા ‘મ્યુલ અકાઉન્ટ’

પોલીસના જણાવ્યા મુજબ, એજન્ટો દ્વારા યુવકોના નામે યુનિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા સહિતની રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતાઓ ખોલાવવામાં આવતા હતા. આ ખાતાઓ માત્ર નામ પૂરતા હતા, તેનું સંચાલન હકીકતમાં ગેંગ દ્વારા કરવામાં આવતું હતું. દેશભરના અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા લૂંટાયેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

પછી આ રકમ રોકડ ઉપાડી ‘આંગડિયા’ પદ્ધતિ મારફતે દુબઈમાં બેઠેલા મુખ્ય આરોપી સુધી પહોંચાડવામાં આવતી હતી. આ રીતે જેતપુરમાંથી શરૂ થયેલું આ નાણાકીય ગુનાહિત નેટવર્ક દેશ-વિદેશ સુધી વિસ્તરેલું હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે.

દેશભરના અનેક રાજ્યોના લોકો બન્યા ભોગ

જેતપુર સીટી પોલીસે ‘સમન્વય’ પોર્ટલ પર તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ખાતાઓનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને કેરળ જેવા અનેક રાજ્યોના નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું નોંધાયું છે. અલગ-અલગ પ્રકારના સાયબર ફ્રોડ – ફેક કોલ, ફિશિંગ, લોટરી, કેવાયસી અપડેટ, ફેક લિંક્સ વગેરે મારફતે લોકો પાસેથી રકમ પડાવી આ ગેંગના ખાતાઓમાં જમા કરાવવામાં આવતી હતી.

૧૦ આરોપીઓ સામે ગુનો નોંધાયો

આ સમગ્ર પ્રકરણમાં જેતપુર સીટી પોલીસે નીચે મુજબના ૧૦ શખ્સો સામે ગુનો નોંધ્યો છે:

  1. દિપસન જેન્તીભાઈ ગોહેલ (રહે. જેતપુર)

  2. વરૂણ કાનાભાઈ લુણી (રહે. જેતપુર)

  3. ઉમેશ રવજીભાઈ ભોજૈયા (રહે. જેતપુર)

  4. પ્રકાશ મગનભાઈ રાઠોડ (રહે. જેતપુર)

  5. શાહીલ કાનજીભાઈ જાડેજા (રહે. જેતપુર)

  6. પ્રદીપ ભરતભાઈ બાયલ (રહે. જેતપુર)

  7. પાર્થિવ કિશોરભાઈ ગોવાણી (રહે. જેતપુર) – એજન્ટ

  8. કેવલ જેન્તીભાઈ સીતાપરા (રહે. જેતપુર) – મુખ્ય એજન્ટ

  9. હર્ષદ હેમરાજભાઈ દેસાઈ (રહે. જુનાગઢ) – દુબઈ લિંક

  10. રાહુલ પટેલ (રહે. દુબઈ) – માસ્ટર માઈન્ડ

આ તમામ સામે બી.એન.એસ.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

સરકાર તરફેથી હેડ કોન્સ્ટેબલ ફરિયાદી

આ કેસમાં જેતપુર હેડ કોન્સ્ટેબલ ધવલ ગાજીપરાએ સરકાર તરફેથી ફરિયાદી બની જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓની ભૂમિકા, નાણાંના લેવડદેવડ, બેંક ખાતાઓ અને દુબઈ સુધીની લિંક અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. મુખ્ય આરોપી રાહુલ પટેલને ભારત લાવવા માટે ઇન્ટરપોલ મારફતે કાર્યવાહી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાયબર ગુનાઓ સામે ચેતવણી

આ કૌભાંડ બાદ પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને ફરી એકવાર ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ લાલચમાં આવી પોતાનું બેંક ખાતું અન્ય કોઈને ઉપયોગ માટે ન આપવું. પોતાના આધાર, પાન કાર્ડ કે બેંક વિગતો અજાણ્યા લોકો સાથે શેર ન કરવી. સરળ કમાણીના વચનો આપનારાઓથી સાવચેત રહેવું અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવો.

જેતપુર માટે ગંભીર ચિંતા

લગાતાર બહાર આવતા સાયબર ફ્રોડના કેસો જેતપુર માટે ગંભીર ચિંતા બની ગયા છે. સ્થાનિક સ્તરે બેરોજગાર યુવકોને લાલચમાં લઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ કરવાના પ્રયાસો સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. પોલીસની સક્રિયતા અને તપાસના પરિણામે આ નેટવર્કનો પર્દાફાશ થયો છે, પરંતુ આવા ગુનાઓ ફરી ન બને તે માટે જનજાગૃતિ અને કડક કાર્યવાહી બંને જરૂરી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

(ફોટો તસ્વીર તથા અહેવાલ: માનસી સાવલીયા, જેતપુર)

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?