પાટણ જિલ્લામાં ટી.બી.ના સેમ્પલીંગ, નિદાન અને સારવાર સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું
પાટણની ધારપુર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કૉલેજ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. અંગે જનજાગૃતિ કેળવવા નાટક ભજવવામાં આવ્યું હતું. સાથે જ ટી.બી. નિર્મૂલનની દીશામાં ઉત્તમ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી., સેવ લાઈવ્ઝ’ થીમ પર ઉજવાયેલા વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એસ.એ.આર્યએ જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન દ્વારા વર્ષ 2030ની સામે પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ષમાં 2025 સુધીમાં ભારતમાં ટી.બી.ની નાબૂદીનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે. ત્યારે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા ટી.બી.નો એક પણ દર્દી તપાસ કે સારવાર વગર રહી ન જાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.
વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું કે, આ કોઈ રાજરોગ કે દૈવી પ્રકોપ નથી એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ આ પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. તેમને ચર્ચાઓ, પોસ્ટર્સ અને સ્ટ્રીટ પ્લે જેવા માધ્યમોથી ટી.બી. રોગ અને તેની સારવારની ઉપલબ્ધતા અંગે જાગૃત કરવા પડશે. સમાજને ટી.બી. મુક્ત કરવાના વિઝન સાથે સહિયારા પ્રયાસો થકી જ આ શક્ય છે.
જિલ્લા ક્ષય અધિકારીશ્રી પી.આઈ. પટેલે જણાવ્યું કે, વર્ષ 1882માં વૈજ્ઞાનિક રોબર્ટ કોક દ્વારા આ રોગ માટે જવાબદાર બેક્ટેરીયા ઓળખી કાઢ્યા હતા. તેની સ્મૃતિમાં ટી.બી. રોગની અસરો, તેની તપાસ અને સારવાર સહિતના આયામો પર જનજાગૃતિ કેળવવા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષની થીમ ‘ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી., સેવ લાઈવ્ઝ’ મુજબ ટી.બી. નાબૂદ કરવા તન-મન-ધનથી સહયોગ આપીએ.
આ પ્રસંગે પાટણ જિલ્લામાં ટી.બી.ના સેમ્પલીંગ, તેના નિદાન અને સારવાર સહિતની વિવિધ બાબતોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓ અને અધિકારીશ્રીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિદ્ધપુરની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ અર્પણ કરવામાં આવી હતી.
ક્ષય રોગ અંગે જાગૃતિ કેળવાય તે માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સાથે જ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત મેડિકલ કોલેજમાં યોજાયેલી રંગોળી સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધામાં વિજેતા થનાર મેડિકલ સ્ટુડન્ટ્સની ટીમને પણ પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંગે ઉપસ્થિત સૌએ ટી.બી. નાબૂદ કરવા સ્વૈચ્છિક યોગદાન આપવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કૉલેજના ડિનશ્રી ડૉ. યોગેશાનંદ ગોસ્વામી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દિવ્યેશ પટેલ, ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ. મનિષ રામાવત, આર.એમ.ઓ.શ્રી ડૉ. હિતેશ ગોસાઈ સહિતના અધિકારીશ્રીઓ તથા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.