શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનને અર્થપૂર્ણ રીતે જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. કર્મ, ધૈર્ય, સમત્વ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ જેવા સિદ્ધાંતો ગીતા આપણને આપે છે. આધુનિક ભારતના ઉદ્યોગજગતમાં જો કોઈ એક જીવન આ તમામ સિદ્ધાંતોને વ્યવહારિક રીતે સાકાર કરતું દેખાય, તો તે છે સ્વ. ધીરૂભાઈ અંબાણીનું જીવન.સામાન્ય પરિવારમાં જન્મેલા ધીરૂભાઈ અંબાણી પાસે શરૂઆતમાં ન તો મૂડી હતી, ન કોઈ વિશેષ સામાજિક આધાર. છતાં અડગ આત્મવિશ્વાસ, અખૂટ સપનાઓ અને કર્મ પ્રત્યે અડોલ શ્રદ્ધાના બળે તેમણે ભારતના સૌથી મોટા ઉદ્યોગ સામ્રાજ્યની પાયારચના કરી. તેમનું જીવન એ સાબિત કરે છે કે, જ્યારે વિચાર મોટો હોય અને કર્મ પ્રત્યે શ્રદ્ધા અખૂટ હોય, ત્યારે સામાન્ય માણસ પણ અસાધારણ ઇતિહાસ રચી શકે છે.
🎯 ગીતા અને ધીરૂભાઈ: જીવંત ભાષ્ય
સ્વ. ધીરૂભાઈ અંબાણી સાથેના મારા કાર્યકાળ દરમિયાન તેમના વાણી, વર્તન અને વ્યવહારને નજીકથી જોવાનો અવસર મળ્યો. જ્યારે આ અનુભવોને શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે જોડીને જોવાનો પ્રયાસ કરીએ, ત્યારે એવું લાગે છે કે ધીરૂભાઈનું સમગ્ર જીવન જાણે ગીતાના શ્લોકોનું જીવંત ભાષ્ય છે. તેમણે સાબિત કર્યું કે આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારિક જીવન વચ્ચે કોઈ અંતર નથી.
ગીતા કહે છે—
“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”
અર્થાત્ માનવનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં.આ જ સિદ્ધાંત ધીરૂભાઈના જીવનનું કેન્દ્રબિંદુ રહ્યો. તેમણે ક્યારેય સફળતા કે નિષ્ફળતાના ડરથી પોતાના કર્મથી વિમુખ થવાનું પસંદ કર્યું નહીં. યમનમાં નાની નોકરીથી શરૂ કરીને મુંબઈમાં મસાલાની દુકાન, ત્યારબાદ પોલિયેસ્ટર યાર્ન અને પેટ્રોકેમિકલ્સ સુધીનું તેમનું સફરનામું માત્ર કર્મમાં વિશ્વાસ રાખીને રચાયું હતું.ધીરૂભાઈ હંમેશા કહેતાં—“મોટું વિચારો, ઝડપથી વિચારો અને સમય કરતાં આગળ વિચારો. વિચારો કોઈનો ઇજારો નથી.” તેમની દૂરંદેશી દૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ એ છે કે એક જ દિવસે 100 જેટલા વિમલ સ્ટોર્સનું ઉદ્ઘાટન કરીને તેમણે એક નવો વિક્રમ સ્થાપ્યો.
⏳ સંકટોમાં ધૈર્ય: ગીતાનો જીવંત પાઠ
ગીતા ધૈર્યનો બોધ આપતી કહે છે—
“માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય… તાંસ્તિતિક્ષસ્વ ભારત”
અર્થાત્ સુખ-દુઃખ, લાભ-હાનિ ક્ષણિક છે; તેને સહન કરવાનું શીખવું જોઈએ.ધીરૂભાઈના જીવનમાં સંઘર્ષોનો અભાવ ન હતો—લાયસન્સ-પરમિટ રાજની જકડણ, હરીફો દ્વારા ઊભી કરાયેલી અડચણો, શેરબજારના ઉતાર-ચઢાવ અને મીડિયા-તંત્રની શંકાઓ. છતાં તેમણે ક્યારેય હતાશાને સ્થાન આપ્યું નહીં. દરેક સંકટને તેમણે ક્ષણિક માન્યું, અંતિમ સત્ય નહીં.જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી સ્થાપવાની પ્રક્રિયા દરમિયાન જમીન સંપાદન રદ થવા જેવી ગંભીર અડચણો આવી. છતાં ધીરૂભાઈએ હાર માની નહીં. અંતે એ જ પ્રયાસો ભારતને ઓઇલના નેટ ઇમ્પોર્ટરમાંથી નેટ એક્સપોર્ટર બનાવવામાં નિર્ણાયક સાબિત થયા.
⚖️ સમભાવ અને નિર્ભયતા
ગીતા જય-પરાજય અને સફળતા-નિષ્ફળતામાં સમભાવ રાખવાનો ઉપદેશ આપે છે. ધીરૂભાઈ માટે નફો-નુકસાન માત્ર આંકડા હતા, આત્મવિશ્વાસનો માપદંડ નહીં. શેરબજાર ધરાશાયી થયું ત્યારે પણ તેમણે નાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો—“આ દેશમાં રોકાણ કરો, ભારત પર વિશ્વાસ રાખો.”રિલાયન્સના શેરના ભાવ ગગડાવવા માટે રચાયેલા કારસાઓ સામે તેમણે નિર્ભયતાથી સામનો કર્યો. અફવાઓ વચ્ચે તેમણે લેણદારોને સામેથી આમંત્રણ આપીને ચૂકવણી કરી અને બજારમાં પોતાની વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવી. આ સમભાવ અને નિર્ભયતાએ તેમને લાંબા ગાળાની સફળતા આપી.
🔥 આત્મવિશ્વાસ અને નેતૃત્વ
ગીતા કહે છે—
“આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ”
માનવ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ.
ધીરૂભાઈનો સૌથી મોટો સહારો હતો—પોતાનો આત્મવિશ્વાસ. તેમના શબ્દકોશમાં “Impossible” શબ્દ નહોતો. નિષ્ણાતોએ અશક્ય કહેલું પણ તેમણે શક્ય બનાવી બતાવ્યું.
નેતૃત્વ અંગે ગીતા કહે છે—
“યદ્ યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ”
શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, સમાજ તેને અનુસરે છે.
ધીરૂભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, તેઓ પ્રેરક નેતા હતા. તેમણે ભારતીય મધ્યવર્ગને શેરબજાર સાથે જોડ્યો અને લાખો પરિવારોના જીવનમાં આર્થિક આત્મવિશ્વાસ ભરી દીધો. રિલાયન્સ માત્ર કંપની નહીં, પરંતુ વિશ્વાસનું પ્રતિક બની. કર્મચારીઓ માટે તેઓ માલિક નહીં, માર્ગદર્શક હતા.
🔚 નિષ્કર્ષ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ધીરૂભાઈ અંબાણીનું જીવન—બન્ને આપણને એક જ સંદેશ આપે છે:
ફળની ચિંતા છોડો, કર્મ પર વિશ્વાસ રાખો;
સંકટોમાં ધૈર્ય રાખો;
આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી મોટા સપના જુઓ;
અને પોતાના આચરણથી સમાજને દિશા આપો.
52








