મુંબઈની લાઈફલાઈન ગણાતી વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતનું કારણ છે – નવા ડ્યુટી-અવર્સ અને મોટરમેનો પર વધી રહેલો અતિશય કામનો ભાર. વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં લોકલ ટ્રેનો ચલાવતા મોટરમેનો નવા ડ્યુટી શેડ્યુલથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. મોટરમેનોનું કહેવું છે કે, નવા સમયપત્રકને કારણે તેમને પૂરતો આરામ મળતો નથી, જેના કારણે શારીરિક થાક, માનસિક તણાવ અને મુસાફરોની સલામતીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મોટરમેનો પર વધતો કામનો ભાર
વેસ્ટર્ન રેલવેમાં મોટરમેનોની ભારે અછત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ૫૪ જેટલી જગ્યાઓ ખાલી હોવાથી માત્ર ૨૦ જેટલા મોટરમેનો પર ડબલ ડ્યુટીનો ભાર આવી રહ્યો છે. પરિણામે, ઘણા મોટરમેનોને એક શિફ્ટ પૂરી કર્યા બાદ માત્ર ચાર કલાકનો જ આરામ મળે છે અને ત્યારબાદ ફરીથી બીજી શિફ્ટમાં જોડાવું પડે છે.
મોટરમેનોનું કહેવું છે કે, ચાર કલાકના બ્રેકમાં ઘરે જઈને આરામ કરીને પાછા આવવું તો અશક્ય છે. ઘણા મોટરમેનો દૂરના વિસ્તારોમાં રહેતા હોવાથી આ ટૂંકા બ્રેક દરમિયાન તેઓ માત્ર લોબીમાં જ બેસી રહેવા મજબૂર બને છે.
‘ચાર કલાકના બ્રેકમાં તો ઘર જવું પણ શક્ય નથી’
એક મોટરમેને પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું,
“એક શિફ્ટ પૂરી થાય પછી ચાર કલાકનો જ બ્રેક મળે છે. આ સમયમાં અમે ઘરે જઈએ તો પાછા આવતાં મોડું થાય. એટલે અમને ઘરેથી જ ટિફિન લઈને આવવાનું કહેવામાં આવ્યું છે. સતત કામ અને પૂરતા આરામના અભાવે સ્ટ્રેસ વધી રહ્યો છે.”
બીજા મોટરમેને કહ્યું હતું કે,
“લોકલ ટ્રેન ચલાવવી એ અત્યંત જવાબદારીપૂર્ણ કામ છે. હજારો મુસાફરોની જિંદગી અમારા હાથમાં હોય છે. જો ડ્રાઇવર પૂરતા આરામમાં ન હોય તો તેની અસર ડ્રાઇવિંગ પર પડી શકે છે.”
સુરક્ષાને લઈને ગંભીર ચિંતા
મોટરમેનોનું માનવું છે કે સતત ડબલ ડ્યુટી અને ઓછા આરામના કારણે ડ્રાઇવિંગની ક્વોલિટી પર અસર પડી શકે છે, જે સીધી રીતે મુસાફરોની સલામતી સાથે જોડાયેલી છે. લોકલ ટ્રેનોમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. આવી પરિસ્થિતિમાં જો ડ્રાઇવર થાકેલો હોય તો અકસ્માતનો જોખમ પણ વધી શકે છે.
મોટરમેનોના પ્રતિનિધિઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ મુદ્દાનો સમયસર ઉકેલ નહીં આવે તો સબર્બન લોકલ સર્વિસ ડિસ્ટર્બ થવાની શક્યતા છે. આ ચીમકીથી રેલવે પ્રશાસનમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ચર્ચગેટમાં મોટરમેનોની બેઠક
આ સમગ્ર મુદ્દાને લઈને ગઈકાલે ચર્ચગેટ સ્થિત મોટરમેન લોબીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવા ડ્યુટી-અવર્સ, વધતા કામના કલાકો, આરામની અછત અને ભવિષ્યમાં લેવામાં આવનાર પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા લાંબા સમયથી પેન્ડિંગ છે, પરંતુ તાજેતરમાં નવા શેડ્યુલ બાદ સ્થિતિ વધુ વણસી છે.
મોટરમેનોની ભરતી પ્રક્રિયા ધીમી
મોટરમેનોનું કહેવું છે કે નવી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ તે અત્યંત ધીમી છે. એક મોટરમેને કહ્યું હતું,
“રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા અસિસ્ટન્ટ લોકો પાઇલટ્સની ભરતી ચાલી રહી છે, પરંતુ પરિણામો અને ટ્રેનિંગમાં ઘણો સમય જાય છે. ત્યાં સુધી હાલના સ્ટાફ પર જ ભાર વધતો રહે છે.”
રેલવે પ્રશાસનનો જવાબ
બીજી તરફ, વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ મોટરમેનોની ફરિયાદોને લઈને નિવેદન આપ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું,
“અમને મોટરમેનોની સમસ્યાની જાણ છે. હાલમાં ૫૪ જગ્યા ખાલી હોવાથી ૨૦ જેટલા મોટરમેનોને ડબલ ડ્યુટી કરવી પડે છે. આ તાત્કાલિક પરિસ્થિતિ છે.”
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે,
“આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા અસિસ્ટન્ટ લોકો પાઇલટ્સની ભરતી ચાલી રહી છે. ઉપરાંત, કેટલાક મોટરમેનોનું પ્રમોશન પણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પૂરી થયા બાદ કોઈને ડબલ ડ્યુટી કરવી નહીં પડે.”
સુવિધાઓ હોવા છતાં અપૂરતી રાહત
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓનું કહેવું છે કે મોટરમેનોની સુવિધા માટે ઘણા લોકેશન્સ પર એસી રૂમ, આરામગૃહ અને બેસવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જોકે મોટરમેનોનું માનવું છે કે આ સુવિધાઓ હોવા છતાં ચાર કલાકના બ્રેકમાં પૂરતો આરામ મળતો નથી.
મુસાફરોમાં પણ ચિંતા
આ સમગ્ર પરિસ્થિતિનો સીધો અસર મુંબઈના લાખો લોકલ મુસાફરો પર પડી શકે છે. જો મોટરમેનોના પ્રશ્નો ઉકેલાશે નહીં અને લોકલ સર્વિસમાં વિક્ષેપ આવશે તો દૈનિક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મુંબઈ જેવી મહાનગરીમાં લોકલ ટ્રેન બંધ કે મોડું થવું એટલે આખું શહેર અટકી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હવે આગળ શું?
મોટરમેનો અને રેલવે પ્રશાસન વચ્ચેના આ તણાવપૂર્ણ માહોલમાં હવે સૌની નજર પ્રશાસન દ્વારા લેવાતા આગામી પગલાં પર છે. જો સમયસર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે અને ડ્યુટી-અવર્સમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તો સ્થિતિ સંભળી શકે છે. નહિતર, લોકલ સર્વિસ પર અસર અને મુસાફરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થવાની શક્યતા નકારી શકાય નહીં.
હાલ તો વેસ્ટર્ન રેલવે માટે આ મુદ્દો માત્ર કર્મચારીઓનો અસંતોષ નથી, પરંતુ મુંબઈની જીવનરેખા સમાન લોકલ ટ્રેન વ્યવસ્થાને સંભાળવાનો એક મોટો પડકાર બની ગયો છે.







