ફોર્મ નં. ૭ના ગેર-ઉપયોગ કરનાર વ્યક્તિ / વ્યક્તિઓના સમૂહની શોધખોળ કરી તેમના વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરવા બાબત તથા ખોટી અને બિનઅધિકૃત વાંધા અરજીઓને તાત્કાલિક રદ્દ કરવા બાબત.
વિનમ્ર રજૂઆત છે કે હાલ ગુજરાત રાજ્યમાં મતદાર યાદી સંબંધિત S.I.R. (Special Intensive Revision) ની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને વધુ શુદ્ધ, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી કોઈ પણ યોગ્ય અને લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બિનબંધારણીય રીતે દૂર ન થાય અને ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ મજબૂત રહે.
પરંતુ અત્યંત દુઃખ અને ચિંતા સાથે જણાવવાનું થાય છે કે આ મહત્વપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં ફોર્મ નં. ૭ નો મોટા પ્રમાણમાં ગેર-ઉપયોગ થતો હોવાની ફરિયાદો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સામે આવી રહી છે. આ અંગેના ખુલાસાઓ પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વ્યાપક રીતે પ્રસરી રહ્યા છે, જે બાબત આપ સાહેબના ધ્યાન પર હોવી સ્વાભાવિક છે.
પ્રદેશ પ્રમુખ દ્વારા પહેલેથી જ ચેતવણી
આ સંદર્ભે નોંધપાત્ર બાબત એ છે કે અમારી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ઇસુદાનભાઈ ગઢવી દ્વારા તા. ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ રાજ્યના તમામ જિલ્લા કલેકટરશ્રીઓ તથા ઈ.આર.ઓ. (Electoral Registration Officer) ને કાયદાકીય નોટિસ પાઠવીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે :
-
S.I.R. પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય
-
કોઈ પણ લાયક મતદારનું નામ બિનકાયદેસર રીતે મતદાર યાદીમાંથી દૂર ન થાય
-
ફોર્મ નં. ૭ના આધારે આવતા વાંધાઓની કડક તપાસ કરવામાં આવે
આટલી સ્પષ્ટ ચેતવણી હોવા છતાં જામનગર જિલ્લામાં જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે તે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.
જામનગર જિલ્લામાં સામે આવેલ ગંભીર હકીકત
હાલ જામનગર જિલ્લામાં દરેક B.L.O. (Booth Level Officer) ને એક વિગતવાર યાદી આપવામાં આવી છે, જેમાં ફોર્મ નં. ૭ દ્વારા મતદારો સામે નોંધાયેલ વાંધાઓ દર્શાવવામાં આવ્યા છે.
આ યાદીમાં નીચે મુજબની વિગતો સમાવિષ્ટ છે :
-
મતદારનું નામ
-
ભાગ નંબર
-
વાંધા લેનાર વ્યક્તિનું નામ
-
વાંધા લેનાર વ્યક્તિનો ચૂંટણી કાર્ડ નંબર
-
વાંધા લેનાર વ્યક્તિનો મોબાઈલ નંબર
-
અન્ય સંબંધિત વિગતો
આ યાદીનું ગહન નિરીક્ષણ કરતા અમને અત્યંત આશ્ચર્યજનક અને શંકાસ્પદ હકીકતો જાણવા મળી છે.

એક જ વ્યક્તિ દ્વારા મોટા પ્રમાણમાં વાંધા : શંકાનું મૂળ
અમને જાણવા મળ્યું છે કે ઘણા ભાગોમાં એક અથવા બે વ્યક્તિઓ દ્વારા જ મોટા પ્રમાણમાં મતદારો સામે વાંધા લેવામાં આવ્યા છે. વધુ ગંભીર બાબત એ છે કે આવા વાંધા એવા મતદારો સામે પણ લેવામાં આવ્યા છે કે :
-
જેમણે S.I.R. ફોર્મ ભરીને
-
વર્ષ ૨૦૦૨ની વિગતો સહિત
-
યોગ્ય રીતે B.L.O. ને ફોર્મ પરત આપ્યા હતા
આ છતાં તેમની સામે વાંધા દાખલ કરાયા છે, જે સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
ભાગ નં. ૧૯૮ : ૯૨ મતદારો સામે એક જ વ્યક્તિના વાંધા
તા. ગઈકાલે જ્યારે અમોએ ભાગ નં. ૧૯૮ ની વાંધા યાદીનું વિશ્લેષણ કર્યું ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી.
➡ એક જ વ્યક્તિ – યોગેશ જેન્તીભાઈ ગોદડીયા
➡ કુલ ૯૨ મતદારો સામે વાંધા દાખલ
આ હકીકતથી અમને ગંભીર શંકા ઉદભવી કે આ વાંધાઓ સાચા છે કે કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે.
ગોદડીયા વાસ : સામાજિક રીતે પછાત વિસ્તાર
ઉલ્લેખનીય છે કે ગોદડીયા વાસ એ વિસ્તાર છે જ્યાં :
-
સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગ
-
ગરીબ અને મજૂર વર્ગ
-
દૈનિક મજૂરી પર જીવન નિર્ભર લોકો
મોટી સંખ્યામાં વસે છે. આવા વિસ્તારમાં રહેતા લોકોના નામનો કોઈ સુયોજિત રીતે દુરુપયોગ થતો હોવાની પ્રબળ આશંકા અમને જણાઈ.
પ્રેસ મીડિયા સાથે રૂબરૂ મુલાકાત
આ શંકાને આધારે અમોએ પ્રેસ મીડિયાને સાથે રાખીને યોગેશભાઈ ગોદડીયાના ઘરે રૂબરૂ મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન યોગેશભાઈએ જે નિવેદન આપ્યું તે અત્યંત ગંભીર અને ચોંકાવનારું છે.
યોગેશભાઈ ગોદડીયાનું સ્પષ્ટ નિવેદન
યોગેશભાઈ ગોદડીયાએ નીચે મુજબની સ્પષ્ટ વાતો અમારી સમક્ષ મૂકી :
-
તેમણે કોઈ પણ મતદાર સામે વાંધા લીધા નથી
-
તેઓ અભણ છે, વાંચતા-લખતા આવડતું નથી
-
તેમને સહી કરવી પણ આવડતી નથી
-
તેમને ફોર્મ નં. ૭ શું છે તેની જાણ નથી
-
તેઓ ક્યારેય S.I.R. સંબંધિત કોઈ સરકારી કચેરી ગયા નથી
-
તેમણે કોઈ વ્યક્તિને વાંધા લેવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ સત્તા આપી નથી
-
વાંધા અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર તેમનો નથી અને તેની જાણ પણ નથી
મોટું ષડયંત્ર હોવાની સ્પષ્ટ સંભાવના
આ તમામ હકીકતો પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા :
-
નિર્દોષ લોકોના નામનો દુરુપયોગ કરી
-
ખોટા નામ, ખોટા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી
-
ફોર્મ નં. ૭નો ગેર-ઉપયોગ કરીને
-
સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાવવાનું ષડયંત્ર રચાયું છે
આ સીધો સીધો ભારતના સંવિધાનની કલમ ૩૨૬ હેઠળ આપવામાં આવેલા મતદાનના અધિકાર પર હુમલો છે અને સાથે સાથે કલમ ૧૪ (સમાનતા નો અધિકાર) નો પણ ખુલ્લેઆમ ભંગ થાય છે.
કાયદાકીય કાર્યવાહી અનિવાર્ય
જો કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના આવા ખોટા વાંધાઓના આધારે મતદારોના નામ દૂર કરવામાં આવે, તો તે માત્ર વહીવટી ભૂલ નહીં પરંતુ ગંભીર ગુનાહિત કૃત્ય બને છે.
આથી અમારી સ્પષ્ટ માંગણી છે કે :
-
આવા ખોટા વાંધા રજૂ કરનાર વ્યક્તિ / વ્યક્તિઓના સમૂહની તાત્કાલિક ઓળખ કરવામાં આવે
-
સરકારી તંત્રને ગેરમાર્ગે દોરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે
FIR દાખલ કરવાની માગ (ભારતીય ન્યાય સંહિતા મુજબ)
ખોટી માહિતી આપી સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે નીચે મુજબની કલમો હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવી જરૂરી છે :
-
કલમ ૨૧૭ : રાજ્ય સેવક પાસેથી કાયદેસર સત્તાનો દુરુપયોગ કરાવવાના ઈરાદાથી ખોટી માહિતી આપવી
-
કલમ ૨૧૨ : ખોટી માહિતી પૂરી પાડવી
-
કલમ ૩૩૬ (૧), ૩૩૬ (૨), ૩૩૬ (૪) : ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓ
વિશેષરૂપે મોબાઈલ નંબર ૮૪૬૯૪૭૦૮૮૯ વાળા વ્યક્તિ સામે તપાસ કરી કાર્યવાહી કરવી આવશ્યક છે.
વાંધા અરજીઓ તાત્કાલિક રદ્દ કરવાની માગ
જ્યાં વાંધા લેનાર વ્યક્તિ પોતે વાંધા લીધા હોવાનું નકારે છે, ત્યાં :
-
આવી તમામ વાંધા અરજીઓને અમાન્ય ગણાવી તાત્કાલિક રદ્દ કરવી જોઈએ
-
આવા વાંધાઓના આધારે
-
મતદારોને
-
B.L.O. ને
-
કે અન્ય અધિકારીઓને
-
પરેશાન ન કરવાં જોઈએ
-
પ્રક્રિયામાં સુધારાની સ્પષ્ટ સૂચના
અમે વધુમાં માંગણી કરીએ છીએ કે :
-
જે વ્યક્તિ વાંધેદાર હોવાનું દર્શાવવામાં આવ્યું છે, તેને
-
B.L.O. સાથે
-
જે મતદાર સામે વાંધો લીધો છે, તેના ઘરે
-
રૂબરૂ મોકલવામાં આવે
જો વાંધેદાર વ્યક્તિ દ્વારા વાંધો ખોટો સાબિત થાય, તો ઈ.આર.ઓ. દ્વારા તરત જ FIR દાખલ કરવામાં આવે.
નિષ્કર્ષ
આ સમગ્ર મામલો માત્ર એક વ્યક્તિ કે એક વિસ્તારનો નથી, પરંતુ લોકશાહી પ્રક્રિયા અને મતાધિકારની પવિત્રતા સાથે જોડાયેલ ગંભીર મુદ્દો છે. જો આવા ષડયંત્રોને તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો લોકશાહીની મૂળભૂત રચનાને નુકસાન પહોંચશે.
આથી આપ સાહેબને વિનમ્ર પરંતુ દ્રઢ માંગણી છે કે ઉપરોક્ત તમામ મુદ્દાઓને ગંભીરતાથી લઈને તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે.








