મહાત્મા મંદિરમાં રિજીયોનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::નાયબ મુખ્યમંત્રીશ્રી અને સાયન્સ ટેકનોલોજી મંત્રીશ્રીની ઉપસ્થિતિ::
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં એ.આઈ. રાષ્ટ્રીય પ્રગતિનું મિશન બન્યું છે
જન સુખાકારીમાં વૃદ્ધિ – પારદર્શીતા અને ફ્યુચર રેડી ગુજરાત માટે એ.આઈ. સક્ષમ સાધન છે :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત યુનિફાઇડ ડિજિટલ સ્ટેક ઓપરેશનલાઈઝ્ડ કરીને ડિજિટલ ગવર્નન્સ વધુ સ્માર્ટ, ઝડપી અને સીટીઝન સેન્ટ્રિક બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી
* ગુજરાતે ટેકનોલોજી પ્રેરિત વિકાસમાં હંમેશા અગ્રેસરતા જાળવી છે.
* એગ્રીકલ્ચર – હેલ્થ – ગવર્નન્સ – અર્બન-રૂરલ ટ્રાન્સફોર્મેશન પરનું મંથન ચિંતન વિકસિત ગુજરાત @ 2047ના વિઝનમાં નવું બળ આપશે
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
* AI માત્ર એક ક્ષેત્ર નથી, નવી ઉર્જા છે જે દરેક ક્ષેત્રને ગતિ સાથે શક્તિ આપી રહી છે, ગુજરાત AI ક્રાંતિનું કેન્દ્ર બનશે
* રોકાણકારો અને AI સ્ટાર્ટઅપ્સ માટે ગુજરાત પ્લેટફોર્મ બનશે, ઉજ્જવળ ભવિષ્ય માટે લોન્ચપેડ બનશે.
‘સુશાસન’માટે હાલના સમયમાં AI સૌથી શક્તિશાળી ટૂલ્સ તરીકે પ્રસ્થાપિત: વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ગુજરાત Al Stack’નું લોન્ચિંગ અને ‘ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025’નું અનાવરણ કરાયું
ગુજરાત સરકારે ગૂગલ, ભાષિણી, ગિફ્ટ સિટી અને હેનોક્સ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક ઓપરેશનલાઈઝ કરીને ડિજિટલ ગવર્નન્સ વધુ સ્માર્ટ, ઝડપી અને સિટિઝન સેન્ટ્રીક બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
આના પરિણામે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળવા સાથે વિભાગો વચ્ચેનું ડેટા શેરીંગ ઝડપી બનવાથી યોજનાઓના આઉટ કમનું રીયલ ટાઇમ એનાલિસિસ પણ થઈ શકશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રિજીયોનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. તેમણે કોન્ફરન્સ અંતર્ગત આયોજિત એ.આઈ. એક્સપીરિયન્સ ઝોનનું ઉદ્ઘાટન કરીને વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કોન્ફરન્સનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં 2026ના ફેબ્રુઆરીમાં યોજાનારી એ.આઈ. ઇમ્પેક્ટ સમિટના પૂવાર્ધ રૂપે પ્રિ-વેન્ટ તરીકે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને કેન્દ્ર સરકારના આઈ.ટી. મંત્રાલયના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત એ.આઈ. સ્ટેક લોન્ચ કર્યુ હતું. આ એ.આઈ. સ્ટેક લોંચીંગ થવાથી સરકારી વિભાગોમાં “પ્લગ-એન્ડ-પ્લે” એ.આઈ. અપનાવવા માટે 6 મુખ્ય એ.આઈ. ટૂલ્સ—કૃષિ એ.આઈ., યોજનાની પાત્રતા ચકાસણી, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલ થી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનશે.
ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 પણ મહાનુભાવોએ લોન્ચ કરી હતી. રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને એ.આઈ. રેડી બનાવવા માટે આ ગાઇડલાઇન્સ 2025 ઉપયોગી બનશે અને MeitY empanelled cloud services અને રાષ્ટ્રીય GPU compute નો ઉપયોગ સરળ બનશે.
આ કોન્ફરન્સમાં બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . તદઅનુસાર ગુજરાત સરકાર – Google અને ભાષીણી વચ્ચે થયેલા MoU અનુસાર બહુભાષીય એ.આઈ., ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરાશે.
એટલું જ નહિ ગુજરાત સરકાર – GIFT City અને Henox દ્વારા રાજ્યમાં Cable Landing Station (CLS) સ્થાપવા માટે MoU કરવામાં આવ્યા હતા આના કારણે ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટી નું કેન્દ્ર બનશે અને ગ્રીન ડેટા ડેટા સેન્ટર્સને બળ પુરુ પાડશે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની લીડરશીપમાં એ.આઈ. ફક્ત ટેકનોલોજીનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રગતિનું મિશન બની ગયું છે. ગુજરાતે હંમેશા ટેકનોલોજી પ્રેરિત વિકાસમાં અગ્રેસરતા જાળવી છે. જન સુખાકારીમાં વૃદ્ધિ, પારદર્શિતા અને ફ્યુચર રેડી ગુજરાત માટે એ.આઈ. સક્ષમ સાધન છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ કોન્ફરન્સમાં એગ્રીકલ્ચર, હેલ્થ, ગવર્નન્સ, અર્બન-રૂરલ ટ્રાન્સફોર્મેશન અને ફિનટેક ઈન્ક્લુઝનના વિષયોમાં એ.આઈ.ના ઉપયોગનું થનારા મંથનથી વિકસિત ગુજરાત 2047ના વિઝનમાં એ.આઈ. ટ્રાન્સફોર્મેશનલ સ્ટ્રેંથ તરીકે ઉભરી આવશે અને વિકસિત ભારતના નિર્માણમાં પણ એ.આઈ.ની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ગયા એક દાયકામાં ખૂબ મોટા બદલાવો આવ્યા છે. નાનામાં નાના વ્યક્તિ સુધી ટેકનોલોજી પહોંચી છે અને ઇન્ડિયા એ.આઈ. મિશન શરૂ થયું છે. ગુજરાતે પણ આને સુસંગત રહીને એ.આઈ. ટાસ્કફોર્સની રચના કરી છે.
તેમણે આ રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં થનારું સામૂહિક મંથન એ.આઈ.ના ઉપયોગ દ્વારા આજના કામોથી આવતી કાલની ક્ષમતા માટેનો દ્રષ્ટિકોણ ટેકનોલોજીની મદદથી બદલવામાં ઉપયોગી બનશે એવી અપેક્ષા દર્શાવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત AI ક્રાંતિનું નિર્માણ કરનારું રાજ્ય ગણાવ્યું હતું અને રોકાણકારો તેમજ AI સ્ટાર્ટઅપ્સને ગુજરાતમાં આવકાર્યા હતા.
શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા ‘અતિથિ’ અને ‘ઈનોવેશન’—આ બે શક્તિશાળી પરિબળોનું સ્વાગત કરતું આવ્યું છે. આપણું લક્ષ્ય “human versus machine” નહિ, “human WITH machine” છે, જ્યાં માનવ કલ્પનાએ એક એવા પાર્ટનરનું નિર્માણ કર્યું છે જે કલ્પના પણ કરી શકે છે. AI હવે માત્ર એક ક્ષેત્ર નથી, AI નવી ઉર્જા છે, જે દરેક ક્ષેત્રને ગતિ સાથે શક્તિ આપી રહી છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા AI આધારિત ઉપયોગો પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટી ખાતે માઈક્રોસોફ્ટના સહયોગથી સ્થપાયેલું AI સેન્ટર ઑફ એક્સલન્સ (CoE) ભારતની આગામી ટેક ઇકોસિસ્ટમને આકાર આપી રહ્યું છે. તે હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વેગ આપી રહ્યું છે. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં FASAL AI પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને પાણીની બચત અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવામાં મદદ મળે છે. કૃષિ પ્રગતિ પ્લેટફોર્મ પર એક લાખથી વધુ ખેડૂતોને પાકની તંદુરસ્તી, જમીનની સ્થિતિ અને પાણીની ઉપલબ્ધતા વિશે AI-આધારિત સલાહ મળે છે, જે આવક વધારવામાં મદદરૂપ છે. તે ઉપરાંત SIMBA પ્રોજેક્ટ દ્વારા વન્યજીવનનું રક્ષણ કરવામાં આવે છે. જાહેર પરિવહન સેવા GSRTC માં પણ કાર્યક્ષમતા સુધારવા માટે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
શ્રી સંઘવીએ ગુજરાત પોલીસ દ્વારા નાગરિક સુરક્ષા માટે AI ટેક્નોલોજીના કરેલા ઉપયોગ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ ખાતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં AI-સર્વેલન્સ દ્વારા 5,481 ગુમ થયેલા બાળકોને શોધીને પોલીસ દ્વારા પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અંતરિયાળ અને ટ્રાઈબલ એરિયા ગણાતા દાહોદ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતર વિરુદ્ધ રાજ્યનું પ્રથમ AI-આધારિત ઓપરેશન હાથ ધર્યું. મશીન-લર્નિંગ મોડેલોએ ગાંજાના છોડને ઓળખ્યા અને ડ્રોન સર્વેલન્સથી ₹1.19 કરોડથી વધુ કિંમતના ગાંજાને પકડી પાડ્યો હતો. તે ઉપરાંત અંબાજી મેળામાં AI સર્વેલન્સે શંકાસ્પદ પ્રવૃત્તિઓ ટ્રેક કરીને, ગુમ થયેલા વ્યક્તિઓને શોધ્યા હતા અને ભીડ વ્યવસ્થાપનને મજબૂત બનાવ્યું હતું.
શ્રી સંઘવીએ તમામ રોકાણકારો અને AI સ્ટાર્ટઅપ્સને ગુજરાતમાં રોકાણ કરવા, નિર્માણ કરવા અને તેમના સપના સાકાર કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, “ગુજરાત તમારું પ્લેટફોર્મ બનશે. ગુજરાત તમારા ભવિષ્ય માટે લોન્ચપેડ બનશે.”
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સુશાસન માટે હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI સૌથી શક્તિશાળી ટૂલ્સ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત AI ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. AIના માધ્યમથી ટેકનોલોજી, ડેટા સ્ટોરેજ, દૈનિક કાર્યમાં ઝડપ અને પારદર્શકતા આવી છે, જેના પરિણામે નાગરિકોને ઘર બેઠા સુવિધા આપવા સહિત વિવિધ સેવાઓમાં મોટો બદલાવ આવ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત AI ટેકનોલોજીમાં નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. જૂની અને નવી પેઢી રેડિયો, TV, કમ્પ્યુટર અને હવે AI ટેકનોલોજી ક્ષેત્રે આવતા બદલાવના સાક્ષી બન્યા છે. ગુજરાતમાં આયોજિત આજની આ ‘રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સ’ ભવિષ્યમાં AI ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે, તેવો મંત્રીશ્રીએ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Meityના અધિક સચિવ અને NICના ડિરેક્ટર જનરલ શ્રી અભિષેક સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાં આગામી ફેબ્રુઆરી-૨૦૨૬માં “AI ઈમ્પેક્ટ સમિટ” યોજાશે. વિશ્વમાં પ્રથમવાર કોઈ વિકાસશીલ દેશમાં વૈશ્વિક કક્ષાની AI સમિટનું આયોજન થશે. આ સમિટને વધુ સાર્થક બનાવવા વડાપ્રધાનશ્રીએ દરેક રાજ્યમાં પણ રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કરવાનું આહ્વાન કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે આજે આ કોન્ફરન્સ યોજાઈ રહી છે. નવી ટેકનોલોજીના અમલીકરણમાં ગુજરાત દેશમાં હંમેશા લીડ લઈને અગ્રેસર રહ્યું છે, હવે AI ના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશ માટે રોલ મોડલ બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ રીજનલ કોન્ફરન્સમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી પી. ભારતીએ શાબ્દિક સ્વાગત કરીને એક દિવસીય કોન્ફરન્સ હેઠળ યોજાનાર વિવિધ થીમેટિક સત્રોની વિસ્તૃત ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દરમિયાન Al ફોર એગ્રીકલ્ચર, હેલ્થકેર, ગવર્નન્સ, અર્બન-રૂરલ ટ્રાન્સફોર્મેશન અને ફીન-ટેક જેવા પાંચ વિષયો પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવશે તેમજ વર્ષ ૨૦૨૬માં યોજાનારી ‘AI ઇમ્પેક્ટ સમિટ’ માટે મૂલ્યવાન ભલામણો પણ કરવામાં આવશે. આ કાર્યક્રમાં અંતે ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લી.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ વિજયને આભારવિધિ કરી હતી.
રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કૌલ, શારજાહ કોમ્યુનિકેશન ટેકનોલોજીસ ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાશિદ અલી અલ-અલી, ગુજકોસ્ટના એડવાઈઝર શ્રી નરોત્તમ સાહુ, ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વૈશ્વિક ટેક કંપનીઓ, IIT, ઉદ્યોગ જગતના નિષ્ણાતો તથા ૧૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા ઇનોવેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.







