કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા
પાટણ: દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણમાં આવેલી રાણી કી વાવ ખાતે જિલ્લાના સ્થાનિક કલાકારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ કલાકારો દ્વારા જનજાગૃતિ રેલી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, માહિતી વિભાગ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સ્થાનિક કલાકારો દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. મદદનીશ કલેકટરશ્રી સચિનકુમાર દ્વારા લીલી ઝંડી આપીને સ્વચ્છતા જાગૃતી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન, અર્વાચીન, રાસ, સંગીત તથા ચિત્રના કલાકારો મળી કુલ ૨૫૦ કલાકારો દ્વારા સ્વચ્છતા અંગેની જનજાગૃતિની રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ આ રેલી વર્લ્ડ હેરીટેજ રાણી કી વાવના મૂળ સ્થાનકે પહોંચીને કલાકારો દ્વારા કલાકૃતિઓની અને મૂળ સ્થાનકના પગથિયાની તથા કેમ્પસની સફાઈ કરવામાં આવી હતી અને ચિત્રકારો રાણ કી વાવ કેમ્પસની લોનમાં બે કલાક સુધી ચિત્ર વર્કશોપમાં જોડાયા હતા.
મદદનીશ કલેકટરશ્રી સચિનકુમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિરેન્દ્ર પટેલ તથા સીનીયર કન્ઝરવેટરશ્રી આઈ.એ. મન્સૂરી પણ આ સફાઈ અભિયાન કાર્યક્રમમાં કલાકારો સાથે જોડાયા હતા. સફાઈ અભિયાન બાદ સાંજે દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રાચીન, અર્વાચીન અને રાસ કૃતિઓની રજૂઆત તથા ગીત-સંગીતના કલાકારો દ્વારા ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો.