જામનગર તા.૨૨ ઓક્ટોબર, જામનગર-લાલપુર બાયપાસ પર આવેલ ચેલા ખાતેના કોટડીના ઢાળીયાથી નારણપુર સુધીના 6 કી.મી. લાંબા તેમજ અંદાજે રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા રોડનું રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ચેલાના ગ્રામજનોની નારણપુર જવાના સીધાં રસ્તાની માંગણી સરકારે ગ્રાહ્ય રાખી છે અને આગામી સમયમાં પણ પાણી, બાંધકામ, વીજળી, કૃષિ, રસ્તા, પુલ, નાળા સહિતના નાના મોટા તમામ પ્રશ્નો પરત્વે સરકાર તબક્કાવાર હકારાત્મક અભિગમ દાખવી તેને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છે.
સરકારમાં સીધું પ્રતિનિધિત્વ મળતાં વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા શક્ય તમામ પ્રયત્નો કરીશું તેમ જણાવી મંત્રીશ્રીએ લોકો સાથે સંવાદ સાધ્યો હતો અને લોક પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રસંગે શ્રી મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા, વિઠ્ઠલભાઈ માંડવીયા, સહકારી બેંકના ડાયરેક્ટર શ્રી પ્રવિણસિંહ ઝાલા, ચંદુભા કેર, રવીરાજસિંહ કંચવા, જે.પી.જાડેજા, નવલસિંહ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.