પાટણ જિલ્લામાં ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો હતો, પરંતુ ૩૦ ઓગસ્ટથી સતત અને જરૂરિયાત મુજબ સારો વરસાદ થયેલો છે અને હાલમાં વરસાદી ઝાપટાં ચાલુ છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રમેશ મેરજાએ સિધ્ધપુર તાલુકાના મંગળપુરા, નેદરા, ખળી સહિતના વિવિધ ગામોની ક્ષેત્રીય મુલાકાત લઈ પાકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 444 મીમી વરસાદ થયેલો છે જે સરેરાશ વરસાદ 593 મીમી સામે 74.87% થયેલો છે. જ્યારે ચાલુ સાલે અત્યાર સુધીમાં ખરીફ વાવેતર 3,15,969 હેક્ટર થયેલ છે. જેમાં પાછોતરા વરસાદના કારણે દિવેલાનું 81,533 હેક્ટર વાવેતર થયેલું છે. ખેડૂતો સાથે પાક પરિસ્થિતિની સમીક્ષા કરતા હાલમાં પાક પરિસ્થિતિ સારી છે અને તેમાં કોઈ રોગચાળો કે જીવાત નથી અને બાકી દિવેલા વરિયાળી સહિત વાવેતર પણ પૂર્ણ થશે તેમ જ રવિ ઋતુમાં રાઈ વગેરે પાકોનું વાવેતર પણ સારું થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. અત્યાર સુધી પાટણ જિલ્લામાં માપસરના પાછોતરા વરસાદના કારણે ઉભા પાકને ફાયદો થયેલો છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ હાજર રહ્યા હતા.