ભારતમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ હવે માત્ર પર્યાવરણીય સમસ્યા નહીં રહી, પરંતુ તે દેશની સૌથી ગંભીર જાહેર આરોગ્ય ઇમરજન્સી બની ગઈ છે. દેશ-વિદેશના તબીબી નિષ્ણાતો અને આરોગ્ય વિશેષજ્ઞો સતત ચેતવણી આપી રહ્યા છે કે જો હવે પણ અસરકારક અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ અને મૃત્યુઆંક કોરોના મહામારી કરતાં પણ વધુ ભયાનક સાબિત થઈ શકે છે.ખાસ કરીને ઉત્તર ભારતના મોટા શહેરોમાં હાલત અત્યંત ચિંતાજનક છે. દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, લખનઉ, કાનપુર, પટણા અને ચંદીગઢ જેવા શહેરોમાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ સ્મોગની ચાદર છવાઈ જાય છે. હવા એટલી પ્રદૂષિત બની જાય છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે.
ડિસેમ્બરમાં શ્વસન રોગીઓમાં 20થી 30 ટકાનો વધારો
દિલ્હીની અનેક સરકારી અને ખાનગી હોસ્પિટલોના આંકડા ચોંકાવનારા છે. ડિસેમ્બર મહિનામાં શ્વાસ, દમ, બ્રોન્કાઇટિસ, સીઓપીડી અને એલર્જીના દર્દીઓમાં 20 થી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ડોક્ટરો જણાવે છે કે રોજે રોજ ઇમરજન્સી વિભાગોમાં શ્વાસની તકલીફ સાથે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.ચોંકાવનારી બાબત એ છે કે હવે આ સમસ્યા માત્ર વૃદ્ધો, બાળકો અથવા પહેલાથી બીમાર લોકોને જ અસર કરી રહી નથી. જે લોકો સંપૂર્ણ સ્વસ્થ હતા, જેમને અગાઉ કોઈ ફેફસા કે હૃદયની બીમારી નહોતી, તેઓ પણ હવે ગંભીર શ્વસન રોગોના શિકાર બની રહ્યા છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાને કારણે ફેફસાંની કાર્યક્ષમતા ઘટી રહી છે.
“પ્રદૂષણ સીધું લોહીમાં ઘુસી ધમનીઓને નુકસાન કરે છે”
યુકે સ્થિત લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી હોસ્પિટલના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાજય નારાયણ (Rajay Narayan)એ ભારતની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, હૃદયરોગ માટે માત્ર ખોરાક, તણાવ કે સ્થૂળતા જ જવાબદાર નથી.ડૉ. નારાયણ જણાવે છે કે,“વાહનો, ઉદ્યોગો અને ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુઓમાં રહેલા સૂક્ષ્મ કણો (PM2.5 અને PM10) શ્વાસ સાથે ફેફસાંમાં પ્રવેશે છે અને ત્યાંથી સીધા લોહીમાં ભળી જાય છે. આ કણો ધમનીઓમાં સોજો પેદા કરે છે, બ્લડ પ્રેશર વધારે છે અને હાર્ટ એટેક તથા સ્ટ્રોકનું જોખમ વધારી દે છે.”તેમના કહેવા મુજબ, પ્રદૂષિત હવા લાંબા ગાળે હૃદયની ધમનીઓને કાયમી નુકસાન પહોંચાડી શકે છે, જેનું પરિણામ અચાનક હાર્ટ એટેક અથવા હૃદયઘાત સ્વરૂપે સામે આવે છે.

કોરોના કરતાં પણ વધુ ખતરનાક કેમ?
નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના મહામારી એક સમયબદ્ધ સંકટ હતું, જ્યારે વાયુ પ્રદૂષણ દરરોજ, દર મિનિટે શરીરને નુકસાન પહોંચાડે છે. કોરોના સામે વેક્સિન અને સારવાર ઉપલબ્ધ થઈ, પરંતુ વાયુ પ્રદૂષણ સામે લોકો અવારનવાર અચેત બની રહે છે.
આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે વાયુ પ્રદૂષણના કારણે:
-
ફેફસાંના કેન્સરનો ખતરો વધે છે
-
બાળકોમાં ફેફસાંની વૃદ્ધિ અટકે છે
-
હૃદયરોગ અને સ્ટ્રોકની શક્યતા વધી જાય છે
-
ગર્ભવતી મહિલાઓમાં સમય પહેલાં ડિલિવરી અને ઓછા વજનના બાળક જન્મે છે
-
ઈમ્યુન સિસ્ટમ નબળી પડે છે
આ તમામ કારણોસર વાયુ પ્રદૂષણને હવે ‘સાયલન્ટ કિલર’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
મુખ્ય કારણો શું છે?
ભારતમાં વાયુ પ્રદૂષણ માટે અનેક કારણો જવાબદાર છે:
-
વાહનોની અણિયંત્રિત સંખ્યા અને ડિઝલ-પેટ્રોલનું દહન
-
ઉદ્યોગો અને થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળતો ધુમાડો
-
ખેતીમાં પરાળી સળગાવવાની પ્રથા
-
બાંધકામ કાર્યમાંથી ઉડતી ધૂળ
-
કચરો સળગાવવો
-
શિયાળામાં હવામાનની પરિસ્થિતિ, જેના કારણે પ્રદૂષિત હવા ઉપર જ અટકી જાય છે

સરકાર અને જનતાની ભૂમિકા
નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર સરકાર પર જવાબદારી નાખી દેવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. સરકારને કડક નીતિઓ, કાયદા અને અમલની જરૂર છે, જ્યારે સામાન્ય નાગરિકોને પણ પોતાની જવાબદારી સમજવી પડશે.
સરકાર તરફથી:
-
ઉદ્યોગો પર કડક નિયંત્રણ
-
સ્વચ્છ ઈંધણ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન
-
જાહેર પરિવહન મજબૂત કરવું
-
બાંધકામ સાઇટ પર ધૂળ નિયંત્રણ
જનતા તરફથી:
-
ખાનગી વાહનનો ઓછો ઉપયોગ
-
કાર-પુલિંગ અને જાહેર પરિવહન
-
કચરો ન સળગાવવો
-
વૃક્ષારોપણ
નિષ્ણાતોની ચેતવણી
યુકેના ભારતીય મૂળના ડોક્ટરો અને ભારતના આરોગ્ય નિષ્ણાતો એકસૂરથી કહી રહ્યા છે કે જો હવે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં વાયુ પ્રદૂષણ લાખો લોકોના જીવ માટે જોખમ બની શકે છે.વાયુ પ્રદૂષણ સામેની લડાઈ હવે વિકલ્પ નથી, પરંતુ અત્યંત આવશ્યકતા બની ગઈ છે. નહીં તો, આવનારી પેઢી માટે સ્વચ્છ હવા માત્ર યાદોમાં જ રહી જશે.
44








