Samay Sandesh News
ગુજરાતપાટણ

વિકાસના રોલ મોડેલ ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  • વડાપ્રધાનશ્રીએ COP-26માં પર્યાવરણ રક્ષા માટે આપેલા પંચામૃત લક્ષ્ય 2070 સુધીમાં નેટ ઝિરોનો લક્ષ્યાંક પાર પાડવામાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ :- શ્રી ભૂપેન્દ્ર પટેલ 

    બિલ્ડીંગ અ કલાયમેટ- રેઝિલીયન્ટ ગુજરાત-કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત બહુવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષીય ઉપસ્થિતી

 મુખ્યમંત્રીશ્રી :

  • કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે
  •  રિન્યુએબલ – ગ્રીન ક્લીન એનર્જી-જળ સંરક્ષણ-ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા સફળ આયામોથી ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારોને તકમાં પરિવર્તીત કર્યા
  •  ભાવિ પેઢીને ગ્રીન-ક્લીન-એન્વાયરમેન્ટ આપવાનો સહિયારો સંકલ્પ અને પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીશ્રીનું આહવાન
  • યુનિસેફ, ઈ.યુ, આઇ.સી.એલ.ઈ.આઇ., IIM-અમદાવાદ, IIT-ગાંધીનગર, એમ.એસ.યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ.
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે રૂપિયા ૧ કરોડ ૫૦ લાખના અનુદાન ફાળવણીની કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા જાહેરાત
  • ૧૨ લાભાર્થીઓને બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહનોનું સહાય વિતરણ ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા સહાય વિતરણ
  •  સખીમંડળોને પ્લાસ્ટિક કચરા એકત્રીકરણ માટે પ્રોત્સાહક રકમ સહાય
  • પાટણ રિઝિનલ સાયન્સ મ્યુઝિયમ હિંમતનગર સ્થિત જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ
  • ભાવનગર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ ખાતે સોલાર સિસ્ટમ વર્ચયુઅલ લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે ૨૦૦૯માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં છેલ્લાં ૧૨ વર્ષમાં ઉત્તરોતર વધારો કર્યો છે. આ વર્ષે બજેટમાં ૯૧૦ કરોડની જોગવાઇ સરકારે કરી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી શ્રીએ સાયન્સ સિટીમાં આયોજીત આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, કલાયમેટ ચેન્જ અને વન મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, રાજ્યમંત્રીશ્રી જગદિશ વિશ્વકર્મા અને કુબેરભાઇ ડીંડોર તથા દેશ-વિદેશના તજજ્ઞોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓ, સહાયો અને પ્રકલ્પો તથા એમ.ઓ.યુ. વગેરેની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા માટે કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા રૂપિયા ૧ કરોડ ૫૦ લાખના અનુદાન ફાળવણી જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સાયન્સ મ્યુઝિયમ, મેડિકલ કોલેજ અને પોલીટેક્નીક ઇમારતો ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. તેમજ સબસીડી યોજના અંતર્ગત અપાયેલા ઇલેક્ટ્રીક વ્હિકલનું ફ્લેગ ઓફ કરાવીને બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહનોની સહાય વિતરણ, ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની સહાય વિતરણ તેમજ સખી મંડળ દ્વારા પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક રકમનું વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૧૨ લાભાર્થીઓને બેટરી સંચાલિત દ્રી-ચક્રી વાહનોની સહાય વિતરણ કરાયું હતું. આ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ ૨૫,૩૨૮ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ૨૧.૦૬ કરોડની સહાય અપાઇ છે.

ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપના માટેની સહાય વિતરણ અંતર્ગત પ્રતિકરૂપે તરભ સ્થિત શ્રી વાલીનાથ અખાડા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટને તથા કડી સ્થિત નંદ ગૌશાળાને પ્રત્યેકને રૂ. ૧૦,૭૩,૦૮૨ ની સહાય અપાઇ હતી. મોરબી સ્થિત તક્ષશિલા સ્વસહાય જૂથ અને સિંઘોઇમાં મહિલા સંગઠનને એમ પ્રત્યેકને રૂપિયા ૨.૫ લાખની પ્લાસ્કિ કચરાના એકત્રીકરણ માટે પ્રોત્સાહક સહા અપાઇ હતી. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી ૨૨.૯૧ કરોડની સહાય અપાઇ હતી.

મુખ્યમંત્રીશ્રીએ પાટણ સ્થિત રિઝિનલ સાયન્સ મ્યુઝિયમ ખાતે ૧૦૦ કિલો વોટ, હિંમતનગર સ્થિત જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં ૧૦૦ કિલો વોટ તથા ભાવનગર સ્થિત શ્રી ભાવસિંહજી પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ ખાતે ૧૮૦ કિલો વોટની સોલાર સિસ્ટમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ. રૂપિયા ૧.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સોલાર સિસ્ટમ દ્વારા પ લાખ ૭૦ હજાર યુનિટની વાર્ષિક બચત થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ COP-26 ખાતે પર્યાવરણ માટે પાંચ પંચામૃત લક્ષ્ય જાહેર કર્યા છે. આ લક્ષ્યમાનું એક મહત્વનું લક્ષ્ય ૨૦૭૦ સુધીમાં નેટ ઝિરોનું પણ છે. ગુજરાત આ લક્ષ્ય સિદ્ધ કરવામાં લીડ લેવા સજ્જ છે તેની વિભાવના આપતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ પંચામૃત લક્ષ્યો અન્વયે ૨૦૩૦ સુધીના લક્ષ્યને ધ્યાનમાં રાખી ગુજરાતે નવો સ્ટેટ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકારે જલવાયુ પરિવર્તનના પડકારોને તકમાં પરિવર્તીત કરવાના નિર્ધાર સાથે જે નવી નીતિઓ ઘડી છે તેમાં પણ સ્વચ્છ, શુદ્ધ અને ગ્રીન-ક્લીન પર્યાવરણ, જળસંરક્ષણ સહિતની સર્વગ્રાહી બાબતોનું ચિંતન મનન સ્થાને રાખ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ભવિષ્યની પેઢીને ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ આપવાનો સંકલ્પ લેવાની પ્રેરણા આપતા કહ્યું કે, કલાયમેટ ચેન્જની ચેલેન્જીસ સામે સક્ષમ પરિણામદાયી ઉપાયોથી સજ્જ ગુજરાતનું નિર્માણ એ જ આપણે સહિયારો સંકલ્પ અને પ્રતિબદ્ધતા છે.
આ પ્રસંગે કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા. જેમાં યુનિસેફ, ઈ.યુ, આઇ.સી.એલ.ઈ.આઇ., આઇ.આઇ.એમ-અમદાવાદ, આઇ.આઇ.ટી- ગાંધીનગર, એમ.એસ.યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, પી.ડી.પી.યુ., સાયન્સ સિટી, ટેક્નિકલ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુઝલોન ગુજરાત વિન્ડ પાર્ક લિમિટેડ જેવી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ થયા છે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા પગલાઓને પ્રવર્તમાન રાજ્ય સરકાર પરિણામ લક્ષી રીતે આગળ વધારી રહી છે. કલાઈમેટ ચેન્જ એ વૈશ્વિક પડકાર છે અને વિશ્વ આખું તેનો સામનો કરી રહ્યું છે. ઋતુઓમા બદલાવ અને તેના પગલે કુદરતી હોનારતો સર્જાઈ રહી છે તેના માટે કલાઈમેટ ચેન્જ જવાબદાર છે. સાથો- સાથ અનેક પ્રકારના રોગોનો આપણે સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બધી વિપરીત પરિસ્થિતિના પડકાર માટે ગુજરાત કટિબદ્ધ બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, કોરોનાની પરિસ્થિતિમાં ૧૦૦% રસીકરણની કામગીરી ગુજરાત રાજ્યે કરી છે. આજથી ૧૦૦% ઓફલાઈન શિક્ષણ શરું કર્યું છે. વિધાર્થીઓ શાળા કોલેજોમાં જઈને તેમની સર્જનાત્મક શક્તિઓ ખીલે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્યરત છે. મંત્રી શ્રી એ આજે ખુલ્લા મુકાયેલા પ્રદર્શનને ત્રણ દિવસ સુધી ચાલુ રાખવા તાકીદ કરી હતી.

આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ પણ કલાઈમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરવા પ્રયત્નશીલ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.વન પર્યાવરણ અને કલાયમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યુ હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગને વધતું કઈ રીતે અટકાવી શકાય તે વિશે વિચાર મંથન કરીને ૨૦૦૯માં કલાયમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરી અને વિઝનને એક મિશન તરીકે હાથ ધર્યું. અનેક યોજનાઓ થકી યુવાઓ અને નાગરિકોને જોડ્યા. પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા યુવા વર્ગને વિધાર્થીકાળથીજ જાગૃત કરવામા આવ્યા જેમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટ અપ ઈનોવેશનથી આજે છ હજારથી વધુ સ્ટાર્ટઅપ કાર્યાન્વિત થયા છે. યુવાનો નવી ટેકનોલોજીના ઉપયોગથી નવીન વિચારોને મૂર્તિમંત કરતા થયા છે. રોજીંદા જીવનમાં વપરાશ થતા સાધનોથી આપણા પર્યાવરણમાં કેટલા ફેરફાર આવે છે તેના પર વિચારો કરીને નવીન ઈનોવેટિવ સંસાધનો વિકસાવીને કલાયમેટ ચેન્જમાં સહકાર આપી રહ્યા છે. આ જાગૃતિ અભિયાનમા સમગ્ર વિશ્વમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

દરેકના સાથ અને સહકારથી આપણે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને થતી વિપરિત અસરથી બચાવી શકીએ છીએ તેમ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું. આ અવસરે કલાયમેટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર એશિયા ખંડમાં ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ વિશે ચિંતા કરનાર અને તેના બદલાવ માટે કામગીરીની શરુઆત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી.

તેમણે ઉમેર્યું કે, પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર થવાનો ઉલ્લેખ ૧૭મી સદીના પુરાણોમાં પણ કરવામાં આવ્યો હતો. જમીન અને પાણીનું ધોવાણ થઈ રહ્યું છે જે પૃથ્વી માટે આવનારા દિવસો માટે પડકારજનક બની રહેશે. દેશના વડાપ્રધાનના વિચારને વેગવંતો બનાવવા માટે આપણે સૌએ તેના પર આગળ વધવાનું છે દરેક વ્યક્તિ પોતાની આસપાસના પર્યાવરણની જાળવણી અને રક્ષા કરે તથા તેને બચાવવાના પ્રયત્નો કરશે તો આવનારી પેઢીઓને આપણે સુરક્ષિત પર્યાવરણ આપી શકીશું તે માટે ગહન ચિંતન મનન જરુરી છે તેમ મંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ અવસરે શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી એચ.જે.હૈદરે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ક્લામેન્ટ ચેન્જ વિભાગ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આજે ગુજરાતમાં કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા અનેક નક્કર પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીએ કલાયમેટ ચેન્જ કાર્યક્રમ અંતર્ગત ક્લાઇમેન્ટ ચેન્જની સમજ લોકો સુધી પહોંચે તે હેતુથી આ વિષયને લગતી વિવિધ ૬ ડોક્યુમેન્ટ્રીનું વિમોચન પણ કર્યું હતું. સાથો-સાથ ક્લાઇમેન્ટ ચેન્જની વૈજ્ઞાનિક સમજ બાળકો સુધી પહોંચે તે હેતુથી બાળકો માટે વેબિનારનું લોન્ચિંગ, ગુજરાતની પરંપરા પુસ્તકનું વિમોચન, ક્લાઇમેન્ટ ચેન્જને સ્પર્શતા જુદા-જુદા સ્ટડી અહેવાલનું વિમોચન તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ અને ટેક્નીકલ શિક્ષણના વિદ્યાર્થીઓ માટેની માર્ગદર્શિકા ‘વિદ્યાસુરભી’નું વિમોચન પણ મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, જી.ટી.યુ ના વાઇસ ચાન્સેલરશ્રીઓ, IIM અમદાવાદના ડીરેકટરશ્રી તેમજ દેશ-વિદેશનાં કલાયમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત સંશોધન કર્તાઓ તજ્જ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયા હોસ્પિટલ રામ ભરોસે નજર આવી..

samaysandeshnews

ટેકનોલોજી: શિવ શક્તિ પોઈન્ટ ગરમ થતાં ઈસરો વિક્રમ લેન્ડર તરફથી સિગ્નલ કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યું છે

cradmin

ગરીબ કલ્યાણ મેળામાં બેન્કિંગ લાભાર્થીઓની સમીક્ષા બેઠક કરતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!