સુરત નાં કાપોદ્રામાં લીવઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપીને ઘાતકી હત્યાં
સુરતના કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લીવ ઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલી લાશ આજે બપોરે મળી આવી હતી. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો યુવાન રોજ બપોરે વિડીયો કોલ કરી મહિલા સાથે વાત કરતો હતો. આજે મહિલાએ ફોન નહીં ઉંચકતા પાડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે મહિલાની લાશ પાસે એક વર્ષની બાળકી બેસેલી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કાપોદ્રા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા યુવાનની જ ઉલટતપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહેસાણાનો વતની પ્રકાશ રણછોડભાઈ પટેલ બે વર્ષથી મૂળ નેપાળની સ્નેહલતા ( ઉ.વ.આશરે 30 ) સાથે લીવ ઈન રીલેશનશીપમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટી મકાન નં.158 ના પહેલા માળે તેમની એક વર્ષની પુત્રી સાથે રહે છે.
લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ સવારે ટિફિન લઈ જતો હતો અને બપોરે સ્નેહલતા સાથે વિડીયો કોલ પર વાત કરતો હતો. આજે બપોરે સ્નેહલતાનો ફોન નહીં આવતા તેણે ફોન કર્યો હતો. પણ ફોન નહીં ઉંચકતા તેણે પાડોશીને જાણ કરતા તે ઘરે ગયો ત્યારે બહારથી દરવાજાને આગળો માર્યો હતો. આગળો ખોલી તે ઘરમાં ગયો તો રસોડામાં સ્નેહલતાની લાશ લોહીના ખાબોચીયામાં હતી અને નજીકમાં તેની એક વર્ષની પુત્રી લોહીવાળા કપડામાં રમતી હતી.પાડોશીએ તરત પ્રકાશને જાણ કરતા તે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. સ્નેહલતાને ગળા પર છરી ફેરવી હત્યા કરવામાં આવી હતી. જોકે, પોલીસને સ્થળ પરથી મળેલા કેટલાક પુરાવાને પગલે પ્રકાશ પર જ શંકા જતા તેને ઉલટતપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જઈ પુછપરછ શરૂ કરી હતી.સ્નહેલતા સાથે લીવ ઇનમાં રહેતા પ્રકાશના પહેલા આશા સાથે લગ્ન થયા હતા અને તેમની 15 વર્ષની પુત્રી પણ હતી. જોકે, તે પુત્રીએ આત્મહત્યા કરી હતી. હાલ ડિંડોલીમાં રહેતી આશા સાથે પ્રકાશના છૂટાછેડા થયા છે કે કેમ તે પોલીસ તપાસ કરી રહી છે.
પ્રકાશ સાથેના લીવ ઈન રીલેશન દરમિયાન જન્મેલી પુત્રીની પ્રથમ વર્ષગાંઠ આગામી 19 મી ના રોજ હોય સ્નેહલતાએ તેની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી હતી. તેણે પાડોશીઓને ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ પણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.