ધંધુકા પોલીસ દળે ચોક્કસ બાતમીના આધારે દક્ષિણ ગુજરાતના હડાળા-પાણશીણા રોડ ઉપરથી બે શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 3.952 કિલોગ્રામ નશીલો ગાંજો, એક મોટરસાયકલ, મોબાઇલ ફોન અને રોકડ મળીને કુલ રૂ. 65,760 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી નશીલા પદાર્થોના વેચાણ સામે મોટું પગલું માનવામાં આવી રહી છે.
પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધંધુકા પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. અજયકુમાર શંકરભાઇને ખાનગી માધ્યમથી બાતમી મળી હતી કે હડાળા-પાણશીણા રોડ પરથી બે ઈસમો નશાકારક પદાર્થ લઈને પસાર થવાના છે. બાતમી આધારે પોલીસએ તાત્કાલિક છટકું ગોઠવી સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
ચેકિંગ દરમિયાન એક મોટરસાયકલ પર સવાર બે શખ્સો પોલીસને શંકાસ્પદ લાગતા તેમની પૂછપરછ અને તલાશી હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન તેમની પાસેથી 3.952 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 39,520 જેટલી છે. આ ઉપરાંત તેમની પાસેથી એક મોટરસાયકલ, એક મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ મળીને રૂ. 65,760 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ બંને આરોપીઓની ઓળખ અશ્વિનભાઈ પ્રભાતભાઈ ડાભી અને મહેન્દ્રસિંહ વિરસિંગભાઈ સોલંકી તરીકે થઈ છે. બંને શખ્સો ધંધુકા તાલુકાના હડાળાના રહેવાસી છે. પોલીસે બંને શખ્સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે કે તેઓ કોની સાથે જોડાયેલા હતા અને નશીલા પદાર્થોની વિતરણ ચેઇન કેટલી વિસ્તૃત છે.
આ કામગીરી ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. જોગરાણાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન IGP વિધી ચૌધરી, SP ઓમપ્રકાશ જાટ અને ASP વાગીષા જોશીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.
પોલીસનું કહેવું છે કે આવા નશીલા પદાર્થોના ગુનાઓ સામે હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે અને જે કોઇ પણ નશાકારક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું જણાશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાશે.
જિલ્લાની શાંતિ-સુરક્ષા જાળવી રાખવા અને યુવા પેઢીને નશાની પકડમાં જતાં અટકાવવા માટે પોલીસનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સાથે, પોલીસે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને આવા શંકાસ્પદ નશાકારક પ્રવૃત્તિઓ અંગે માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.
INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો
રિપોર્ટર – કૃણાલ સોમાણી ધંધુકા
 
				 
								

 
															 
								




