ખેલાડીઓ અને નોકરીયાત યુવાઓનું ભવ્ય સન્માન
જામનગર, 23 નવેમ્બર 2025 – સિપાઈ સમાજ ટ્રસ્ટ–ગુજરાત દ્વારા રાજ્ય સ્તરે દર વર્ષે યોજાતા સન્માન સમારોહનો સાતમો ભવ્ય આયોજન આ વર્ષે જામનગરમાં બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે યોજાયો. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સરકારી નોકરી પ્રાપ્ત કરેલા યુવાનો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા ખેલકૂદ અને સાંસ્કૃતિક ક્ષેત્રે રાજ્ય/જિલ્લા કક્ષાએ સિદ્ધિ મેળવનાર કુલ 217 પ્રતિભાશાળી યુવાઓનું માન–સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સિપાઈ સમાજની સામાજિક, શૈક્ષણિક અને માનવીય પ્રવૃત્તિઓને રાજ્યભરમાં એક મંચ મળી રહ્યો છે. 2017 થી સમાજ ટ્રસ્ટ દર વર્ષે સૌરાષ્ટ્રના અલગ–અલગ જિલ્લામાં આ સન્માન સમારોહ યોજી રહ્યું છે. આ વર્ષે હજારોની હાજરી વચ્ચે જામનગરમાં આ ભવ્ય સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
તૈયારીનું માહોલ: 22 નવેમ્બરથી જ ટ્રસ્ટના કાર્યકરો મેદાને
સમારોહ પહેલા જ એક દિવસથી ગુજરાતભરના ગામો–શહેરોમાંથી આવેલા ટ્રસ્ટના કાર્યકરો જામનગરમાં ઉત્સાહભેર તૈયારીમાં જોડાઈ ગયા હતા. સમગ્ર સ્થળને સમાજની ગૌરવગાથા દર્શાવતા બેનરો, કટઆઉટ, માર્ગદર્શન બોર્ડ અને સ્વાગત તોરણોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

કુરઆન પાઠથી કાર્યક્રમની શરૂઆત
સિપાઈ સમાજ ટ્રસ્ટ–ગુજરાત આયોજિત સન્માન સમારોહ–7 ની શરૂઆત ઉપલેટાના કાર્યકર જનાબ સાદિકભાઈ બેલીમ દ્વારા તિલાવત–એ–કુરઆનથી કરવામાં આવી. ત્યાર બાદ ફૂલહાર વિધિથી મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
મહેમાનોનું સ્વાગત અને સમાજ વિકાસ પર ઉદ્દબોધન
જામનગરના રહીશ તથા ટ્રસ્ટના કારોબારી સભ્ય હાજી મહંમદ રફીકભાઈ સમાએ મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરતા સમાજના શૈક્ષણિક વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવ્યું.
કડક મહેનત, ઈમાનદારી અને સમાજને કંઈક પરત આપવાની ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે એ માટે આવા સન્માન સમારોહની જરૂરિયાત હોવું તેમણે જણાવ્યું.

શૈક્ષણિક ઉન્નતિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન
અમરેલીથી ખાસ પધારેલા સામાજિક કાર્યકર જનાબ દિલસાદભાઈ શેખે વિદ્યાર્થીઓને એજ્યુકેશનના મહત્વ વિશે વિગતવાર સમજાવ્યું.
તેમણે ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે –
“વિશ્વની પ્રથમ યુનિવર્સિટી મુસ્લિમ સમાજે જ બારમી–તેરમી સદીમાં સ્થાપી હતી. આજે સિપાઈ સમાજ ટ્રસ્ટ જે રીતે શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યો છે, તે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.”
બાગાયતી ક્ષેત્રના 450 એવોર્ડવિજેતા ગફારભાઈ કુરેશીનું પ્રેરણાદાયી ઉદ્દબોધન
રમરેચી–તાલાલાગીરના રહીશ, બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા તથા 450 થી વધુ એવોર્ડવિજેતા જનાબ ગફારભાઈ કુરેશીે તેમના જીવનપ્રવાસના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા.
તેમણે કહ્યું –
“હું સિપાઈ સમાજનો છું એ ગર્વ છે. આજે ટ્રસ્ટ સમાજની વિધવા બહેનો, નિરાધાર વૃદ્ધો અને જરૂરતમંદો માટે જે કાર્ય કરી રહ્યો છે તે ખરેખર આશીર્વાદ સમાન છે.”
તેમના ઉદ્દબોધનથી સમગ્ર હોલમાં ઉત્સાહ છવાઈ ગયો.
વિદ્યાર્થીઓ માટે પ્રેરણા–પ્રસંગ
કુતિયાણાના ટ્રસ્ટી ફકરુદિનભાઈ કુરેશીે અનેક ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓમાં “હાઈ એમ્બિશન” અને “પરિશ્રમ”ની ભાવના જાગૃત કરી.
જામનગરના ટ્રસ્ટી ઈનાયતભાઈ રાઠોડે સિપાઈ સમાજના ઈતિહાસ અને ઓળખ વિશે જણાવી હતું કે –
“સિપાઈ પેદા થાય છે, બનાવવામાં આવતો નથી.”
આ વાક્ય માટે હોલમાં તાળીઓ ગૂંજાઈ હતી.

ટ્રસ્ટની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ: આંકડાઓ ચોંકાવનારા
ઉપપ્રમુખ અને રાજકોટના રહીશ મુશર્રફભાઈ મોગલે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અંગે મહત્વપૂર્ણ આંકડાઓ રજૂ કર્યા.
તેમણે જણાવ્યું મુજબ:
-
₹1,25,00,000 (એક કરોડ પચ્ચીસ લાખ) – વિધાર્થીઓને ચેક દ્વારા સીધા બેંક ખાતામાં સ્કોલરશિપ
-
₹25,00,000 (પચ્ચીસ લાખ) – વિધવા બહેનો, વૃદ્ધો અને દિવ્યાંગોને સહાય
-
₹20,00,000 (વીસ લાખ) – સોશિયલ મીડિયા ક્રાઉડ–ફંડિંગ મારફતે ઉચ્ચ અભ્યાસકર્તા વિદ્યાર્થીઓને સહાય
આ આંકડાઓ સાંભળ્યા બાદ દર્શકગણમાં પ્રશંસા અને ગર્વની લાગણી સ્પષ્ટ જોવા મળી.
પ્રમુખ ડૉ. અવેશભાઈ ચૌહાણની અગત્યની અપીલ
સિપાઈ સમાજ ટ્રસ્ટ–ગુજરાતના પ્રમુખ ડૉ. અવેશભાઈ ચૌહાણે ટ્રસ્ટની વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું અને ખાસ અપીલ કરી:
“સ્કોલરશીપ અને અન્ય ફોર્મ માત્ર ટ્રસ્ટના અધિકૃત સરનામે અથવા ટ્રસ્ટના માન્ય કાર્યકરોને જ આપશો. અન્ય કોઈને સોંપશો નહીં.”
આ સૂચન ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ભૂલ અથવા ઠગાઈથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ ગણાયું.
યુવા પ્રતિનિધિનું પ્રોત્સાહક ભાષણ
ધોરણ 11માં અભ્યાસ કરતા રાજકોટના અર્શ પરવેજભાઈ ખોખરે પોતાના અનુભવો રજૂ કર્યા અને કહ્યું:
“ટ્રસ્ટના નેક કાર્યોનો લાભ દરેક વિદ્યાર્થીએ લેવાનો છે. આજનો સન્માન મારા માટે જીવનનો યાદગાર દિવસ છે.”
કાર્યક્રમનું સંચાલન અને લાઈવ કવરેજ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અઝીઝભાઈ ચૌહાણ, ડૉ. તૌસીફખાન પઠાણ, મોહસીનખાન પઠાણ, ફકરુદિનભાઈ કુરેશી અને અન્ય દ્વારા ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવ્યું.
કાર્યક્રમનું ફેસબુક લાઈવ પ્રસારણ યુસુફખાન પઠાણ, અશરફ મીરા સૈયદ, લતીફભાઈ કુરેશી, તોફીક મોગલ તથા ટીમે સંભાળ્યું.
217 પ્રતિભાઓનું ભવ્ય સન્માન
ટ્રસ્ટ દ્વારા નીચે મુજબ કુલ 217 યુવાઓને પ્રમાણ–પત્ર, વિશેષ ગિફ્ટ અને મોમેન્ટો આપવામાં આવ્યા:
-
5 – સરકારી નોકરી પ્રાપ્ત કરનાર
-
2 – દિવ્યાંગ વિદ્યાર્થી
-
6 – રમતમાં ઉત્તમ પ્રદર્શન કરનાર
-
204 – શૈક્ષણિક પ્રતિભાશાળી વિદ્યાર્થી
-
5 – સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ કરનાર
દરેક વિદ્યાર્થીના ચહેરા પર ઉત્સાહ, ગર્વ અને સન્માનની અનોખી ઝલક જોવા મળી.
વિશિષ્ટ મહેમાનોની ભવ્ય હાજરી
આ કાર્યક્રમમાં गुजरातભરના ટ્રસ્ટી, દાતાઓ, સમાજ આગેવાનો, સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદોની વિશાળ હાજરી રહી.
જામનગર, રાજકોટ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગોંડલ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ઉપલેટા, ધોળા જંકશન, ઉમરાળા અને અન્ય વિસ્તારોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા.
બે વખત રાષ્ટ્રપતિ પદક મેળવનારા ગફારભાઈ કુરેશી, અનેક દાતા સભ્યો, શિક્ષણવિદો, ડોક્ટરો, વકીલો અને સરકારી અધિકારીઓની હાજરીએ આ સમારોહને ભવ્યતા આપી.
કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોની વિશેષ ભૂમિકા
કાર્યક્રમ સફળ થાય એ માટે ડૉ. અવેશ ચૌહાણ, ઈમરાનખાન પઠાણ, અઝીઝભાઈ ચૌહાણ, આસિફભાઈ સિપાઈ, યુસુફખાન પઠાણ, મોહસીનખાન પઠાણ, જહાંગીરખાન પઠાણ અને 50થી વધુ કાર્યકરોએ દિવસ–રાત મહેનત કરી હતી.
સમાજ માટે માર્ગદર્શક ક્ષણ
આ સન્માન સમારોહ માત્ર સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ નહોતો, પરંતુ સિપાઈ સમાજના ગૌરવ, એકતા અને શૈક્ષણિક ઉન્નતિનો ઉજવણી દિવસ હતો.
આ કાર્યક્રમ દર્શાવે છે કે—
“જ્યારે સમાજ એક થાય છે, ત્યારે દરેક બાળક માટે વિકાસના દ્વાર ખુલે છે.”







