નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડૉ. ઈન્દુદયાલ મેશરી કોલેજ ઓફ સાયન્સ & ટેકનોલોજી ખાતે ‘વ્યસન નિષેધ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી નિયામકશ્રી સુનિલકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે નશાબંધી અને આબકારી નિયામકશ્રી સુનિલકુમારે કોલેજના યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા દેશને વિશ્વગુરુ બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા અપીલ કરી હતી.
વ્યસન નિષેધ વિષય પર યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૉલેજના પ્રિન્સીપાલશ્રી એચ.કે.પરમારે નશાબંધી સમાજને નશામુક્ત કરવા વ્યસનથી થતાં નુકશાન અંગે અવગત કરાવી ઉત્કૃષ્ટ સમાજના નિર્માણમાં યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી એસ.કે.દવે, એમ.એન.સાયન્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી ડૉ. પી.જે.વ્યાસ તથા સાયન્સ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.