Latest News
ઘરકામ કરતી મહિલાથી ધારાસભ્ય સુધીનો અદભૂત સફર પશ્ચિમ બંગાળમાં કલિતા માઝીની જીતે લખ્યો સંઘર્ષ, મહેનત અને જનવિશ્વાસનો નવો ઈતિહાસ. જામનગરના સાત રસ્તા સર્કલ નજીક ભયાનક અકસ્માત હ્યુન્ડાઇ i-20 કાર અને ઇલેક્ટ્રિક સ્કૂટર વચ્ચે જોરદાર ટક્કર, સ્કૂટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત; કારચાલક ઘટના બાદ ફરાર. ગુજરાતમાં વસ્તી ગણતરીની તૈયારીઓ તેજ: યુનાઇટેડ નેશન્સના રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટેફન પ્રિસ્નર પાટણના ઐતિહાસિક વૈભવથી અભિભૂત પટોળાની અદ્વિતીય કલા અને ‘રાણી ની વાવ’ની ભવ્ય શિલ્પસૃષ્ટિ નિહાળી સાંસ્કૃતિક વારસાના જતનની પ્રશંસા. અમદાવાદમાં સ્મશાનના કપડાંનો કાળો કારોબાર! મૃતદેહ પરથી ઉતારેલા વસ્ત્રો ધોઈ-ઇસ્ત્રી કરી બજારમાં ‘નવા’ તરીકે વેચાતાં હોવાનો ચોંકાવનારો ખુલાસો. બહેનનું હાડપિંજર લઈને બેંક પહોંચેલા જીતુ મુંડા કેસમાં મોટો ખુલાસો પ્રાથમિક તપાસમાં બેંક અધિકારીઓની બેદરકારી સામે આવી, જવાબદારો સામે થશે કડક કાર્યવાહી.

ઘરકામ કરતી મહિલાથી ધારાસભ્ય સુધીનો અદભૂત સફર પશ્ચિમ બંગાળમાં કલિતા માઝીની જીતે લખ્યો સંઘર્ષ, મહેનત અને જનવિશ્વાસનો નવો ઈતિહાસ.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ વખતે એક એવી જીત સામે આવી છે, જેને માત્ર ચૂંટણી પરિણામ કહી શકાય નહીં, પરંતુ સામાન્ય માણસના સપનાઓને નવી ઉડાન આપતી એક જીવંત પ્રેરણાગાથા કહી શકાય. લોકોનાં ઘરોમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી એક સામાન્ય મહિલા આજે વિધાનસભા સુધી પહોંચી છે. પશ્ચિમ બંગાળની ઔસગ્રામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી કલિતા માઝીએ સાબિત કરી દીધું છે કે સંઘર્ષ અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી.

કલિતા માઝીએ ટીએમસીના ઉમેદવાર શ્યામા પ્રસન્ના લોહારને 12,535 મતના માર્જિનથી હરાવીને ભવ્ય જીત નોંધાવી છે. ભાજપને રાજ્યમાં આ વખતે ઐતિહાસિક સફળતા મળી છે, જેમાં કુલ 207 બેઠકો પર કમળ ખીલ્યું છે, જ્યારે મમતા બેનરજીની ટીએમસીને માત્ર 80 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે. આ સમગ્ર ચૂંટણીમાં કલિતા માઝીની જીત સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ જીત પાછળ ગરીબી, સંઘર્ષ, મહેનત અને આત્મવિશ્વાસની લાંબી કહાની છુપાયેલી છે.

વર્ધમાન જિલ્લાના ગુસકુરા માછપુર પારા વિસ્તારમાં એક સાંકડી ગલીમાં આવેલું નાનકડું ઘર આજે સમગ્ર પશ્ચિમ બંગાળ માટે પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે. થોડા સમય પહેલાં સુધી કલિતા માઝી લોકોનાં ઘરોમાં વાસણ સાફ કરવાથી લઈને ઝાડૂ-પોચાં અને ઘરકામ કરીને પરિવાર ચલાવતા હતાં. આજે એ જ મહિલા ધારાસભ્ય બનીને વિધાનસભામાં પહોંચવા જઈ રહી છે.

કલિતા માઝી પોતાના નાનકડા ઘરની વાત કરતાં કહે છે કે, “આ ઘરમાં હું, મારા પતિ, બે દિયર અને મારી સાસુ સાથે રહેતા હતાં. અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. ઘરમાં આવકનો કોઈ મોટો સ્ત્રોત ન હતો. પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે મને ઘરેલુ કામદારી કરવી પડતી હતી.”

તેઓ કહે છે કે વર્ષ 2006માં તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ બે વર્ષ સુધી તેમણે પરિવાર અને બાળકોની જવાબદારી સંભાળી. પરંતુ ધીમે ધીમે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી થતી ગઈ. જેના કારણે વર્ષ 2008માં તેમણે ઘરકામ શરૂ કર્યું. સવારથી સાંજ સુધી લોકોનાં ઘરોમાં મહેનત કરીને તેઓ પરિવાર માટે કમાણી કરતા હતાં.

કલિતા કહે છે કે, “મારો દીકરો નાનો હતો ત્યારે મેં ઘરેલુ સહાયક તરીકે કામ શરૂ કર્યું. ઘણી વખત એવી પરિસ્થિતિ આવતી કે ઘરમાં ખાવાનું ચલાવવું મુશ્કેલ બનતું. પરંતુ મેં ક્યારેય હાર માની નહીં.”

આ દરમિયાન તેમની રાજકીય સફરની શરૂઆત પણ થઈ. વર્ષ 2014માં તેઓ ભાજપના બૂથ એજન્ટ તરીકે જોડાયા. શરૂઆતમાં તેઓ માત્ર સામાન્ય કાર્યકર તરીકે પક્ષ માટે કામ કરતા હતાં. લોકોને મળવું, પાર્ટીની વિચારધારા સમજાવવી અને સંગઠન માટે મહેનત કરવી – એ જ તેમનું મુખ્ય કાર્ય હતું.

વર્ષ 2019માં તેમને ઘુસ્કુરા નગર વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ તેમની મહેનત અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભાજપે વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવ્યા. એ સમયે કલિતા માઝી માટે આ નિર્ણય આશ્ચર્યજનક હતો.

તેઓ કહે છે, “જ્યારે પક્ષે મને ટિકિટ આપી ત્યારે હું રડી પડી હતી. મને વિશ્વાસ જ નહોતો થતો કે મારી જેવી સામાન્ય મહિલા ચૂંટણી લડી શકે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું ધારાસભ્ય બની શકું.”

2021ની ચૂંટણીમાં તેઓ ટીએમસીના ઉમેદવાર સામે 11,815 મતથી હારી ગયા હતાં. પરંતુ આ હાર પછી પણ તેમણે હિંમત હારી નહોતી. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને મેદાનમાં સતત કામગીરીને કારણે વર્ષ 2022માં તેમને વર્ધમાન જિલ્લાના પાર્ટી સચિવ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 2025માં બોલપુર જિલ્લા માટે મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી.

આખરે 2026ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂક્યો અને આ વખતે કલિતા માઝીએ ઇતિહાસ રચી દીધો.

કલિતા માઝી કહે છે કે, “મારે ક્યારેય ટિકિટ માગી નહોતી. હું માત્ર પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરતી હતી. પક્ષે મારી મહેનત જોઈ અને મને તક આપી.”

તેઓ પોતાના સસરાની યાદ કરતાં ભાવુક બની જાય છે. કલિતા કહે છે કે રાજકારણમાં આગળ વધવા માટે તેમને સૌથી મોટો આધાર તેમના સસરાનો મળ્યો હતો.

“2021માં જ્યારે પક્ષ મને ટિકિટ આપવા વિચારી રહ્યો હતો ત્યારે મારા સસરાએ મને કહ્યું હતું કે, ‘તું આખી જિંદગી માત્ર ઘરકામ જ કરતી રહેશે કે સમાજ માટે પણ કંઈક કરશે?’ તેમના શબ્દોએ મને નવી દિશા આપી,” કલિતા કહે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “મેં સસરાને કહ્યું હતું કે રાજકારણમાં સમય આપવો પડશે અને પરિવાર માટે સમય ઓછો મળશે. પરંતુ તેમણે કહ્યું કે ઘરની ચિંતા ન કર. અમે બધું સંભાળી લઈશું.”

પરિવારના આ સહકારને કારણે જ તેઓ રાજકારણમાં સક્રિય બની શક્યા. તેમના સાસુ, દિયર અને નણંદોએ પણ દરેક પગલે તેમનો સાથ આપ્યો.

કલિતા માઝીની ચૂંટણી ઝુંબેશ પણ અત્યંત સાદગીપૂર્ણ રહી હતી. તેઓ કહે છે કે વિધાનસભાની ટિકિટ મળ્યા પછી પણ તેઓ સાત દિવસ સુધી લોકોનાં ઘરોમાં કામ કરવા જતા રહ્યાં.

“નૉમિનેશન ભર્યા પછી પણ મેં ઘરકામ ચાલુ રાખ્યું હતું. કારણ કે હું મારી જવાબદારી છોડવા માંગતી નહોતી. જે ઘરોમાં હું કામ કરતી હતી, ત્યાંના લોકોએ મને કહ્યું કે હવે તું ચૂંટણી લડ અને સમાજ માટે કામ કર,” તેઓ કહે છે.

તેઓ વધુમાં કહે છે કે લોકો હંમેશા તેમને દીકરી અથવા બહેન જેવો સ્નેહ આપતા હતાં. કદાચ એ જ લોકોનો આશીર્વાદ આજે તેમને આ સ્થાન સુધી લઈ આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન રાજકીય હિંસાની ચર્ચા સામાન્ય બની ગઈ છે. છતાં કલિતા માઝી ક્યારેય ડરી નહોતા. તેઓ કહે છે કે 2021ની ચૂંટણી બાદ તેમના વિસ્તારમાં હિંસા થઈ હતી, સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, છતાં તેમણે હિંમત હારી નહોતી.

“મને ક્યારેય ડર લાગ્યો નહીં. લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ મારી સૌથી મોટી શક્તિ હતી,” તેઓ કહે છે.

કલિતા માઝીનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. સવારે 5:30 વાગ્યે ઊઠીને ઘરનું કામ પૂરું કરવું, પછી લોકોનાં ઘરોમાં કામ કરવા જવું અને સાંજે પાછા આવીને પક્ષ માટે કામ કરવું – આ તેમનો દૈનિક ક્રમ હતો.

તેઓ કહે છે કે, “ઘરમાં પણ ઘણી જવાબદારીઓ હોય છે. છતાં સમાજ માટે કંઈક કરવું હોય તો સમય કાઢવો જ પડે.”

આજે ધારાસભ્ય બન્યા પછી પણ કલિતા માઝી પોતાની મૂળ ઓળખ ભૂલવા તૈયાર નથી. તેઓ કહે છે કે સામાન્ય લોકોના પ્રશ્નો ઉકેલવા માટે જ તેઓ રાજકારણમાં આવ્યા છે.

તેઓ ખાસ કરીને આરોગ્ય અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. કલિતા કહે છે કે તેમના વિસ્તારમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.

“અમારા હેલ્થ સેન્ટરમાં પૂરતા ડૉક્ટર નથી. વીજળી જતી રહે તો દર્દીઓને મોબાઇલની લાઇટમાં સારવાર આપવી પડે છે. લોકો માટે આ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે,” તેઓ કહે છે.

મહિલાઓની સુરક્ષા અંગે તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “મહિલાઓને સુરક્ષા આપવી અમારી જવાબદારી છે. લોકોના આશીર્વાદથી હું ધારાસભ્ય બની છું અને હવે લોકો માટે કામ કરવું જ મારી પ્રાથમિકતા છે.”

કલિતા માઝીની જીત માત્ર એક રાજકીય જીત નથી, પરંતુ તે એ સંદેશ આપે છે કે લોકશાહી હજુ પણ સામાન્ય માણસ માટે આશાનું દ્વાર ખુલ્લું રાખે છે. એક ઘરકામ કરતી મહિલા આજે રાજ્યની રાજનીતિમાં મહત્વનું સ્થાન મેળવી શકે છે – આ વાત દેશભરના લાખો ગરીબ અને સંઘર્ષશીલ લોકો માટે પ્રેરણારૂપ છે.

તેમની કહાની એ સાબિત કરે છે કે મહેનત, નિષ્ઠા અને લોકોનો વિશ્વાસ હોય તો કોઈપણ વ્યક્તિ જીવનમાં ઊંચાઈ હાંસલ કરી શકે છે. આજે કલિતા માઝી માત્ર પશ્ચિમ બંગાળની ધારાસભ્ય નથી, પરંતુ લાખો મહિલાઓ માટે આશા, હિંમત અને સંઘર્ષનું જીવંત પ્રતિક બની ગઈ છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

યુનાઇટેડ નેશન્સના રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટેફન પ્રિસ્નર પાટણના ઐતિહાસિક વૈભવથી અભિભૂત પટોળાની અદ્વિતીય કલા અને ‘રાણી ની વાવ’ની ભવ્ય શિલ્પસૃષ્ટિ નિહાળી સાંસ્કૃતિક વારસાના જતનની પ્રશંસા.

શું તમે સમયસંદેશ ન્યુસ ચેનલ સાથે સંતુષ્ટ છો ?
Only registered users can vote. Login to vote.