સોશિયલ મીડિયા પર પ્રેમની પોસ્ટો, પરંતુ વૃદ્ધાશ્રમોમાં વધતી માતાઓની સંખ્યા ચિંતાજનક
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર માતા પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરતી પોસ્ટોનું પૂર આવી જાય છે. કોઈ પોતાની માતા સાથેનો બાળપણનો ફોટો શેર કરે છે, તો કોઈ ભાવુક શબ્દોમાં ‘મમ્મી’ માટે લાગણી વ્યક્ત કરે છે. “માય વર્લ્ડ”, “માય સ્ટ્રેન્થ”, “માય સુપરમોમ” જેવા સંદેશાઓથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ભરાઈ જાય છે. પરંતુ આ ડિજિટલ લાગણીઓની પાછળ એક કડવી અને કરૂણ હકીકત પણ છુપાયેલી છે — એ હકીકત એવી છે કે હજારો માતાઓ પોતાના સંતાનોના ઘરેથી દૂર વૃદ્ધાશ્રમોમાં જીવન જીવવા મજબૂર બની રહી છે.
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં હાલ 50થી 60 જેટલા વૃદ્ધાશ્રમ કાર્યરત છે. આ વૃદ્ધાશ્રમ હવે માત્ર આશ્રયસ્થાન નથી રહ્યાં, પરંતુ હજારો વડીલોનું કાયમી સરનામું બની ગયા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અહીં રહેતા વડીલોમાંથી અંદાજે 55થી 60 ટકા મહિલાઓ છે. એટલે કે, જીવનભર સંતાનો માટે ત્યાગ કરનાર અનેક માતાઓ હવે વૃદ્ધાવસ્થામાં એકલતા, ઉપેક્ષા અને સંવેદનહીનતાનો સામનો કરી રહી છે.
‘મા’ માટેની પોસ્ટો અને વાસ્તવિકતાની વચ્ચેનું અંતર
મધર્સ ડેના દિવસે સંતાનો દ્વારા સોશિયલ મીડિયા પર માતા માટે પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ વાસ્તવિક જીવનમાં ઘણી માતાઓને પોતાના સંતાનોનો સાથ મળતો નથી. સમાજમાં ટેકનોલોજી અને આધુનિકતાનો વિકાસ થયો છે, પરંતુ પરિવારિક સંબંધોમાં સંવેદના અને લાગણીઓનું ક્ષય થતું જાય છે.
ઘણા વૃદ્ધાશ્રમોમાં એવી માતાઓ રહે છે જેઓ પોતાના સંતાનોને ભણાવવા, ઉછેરવા અને જીવનમાં આગળ વધારવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે. પરંતુ જ્યારે તેઓને વૃદ્ધાવસ્થામાં સહારા અને લાગણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે એ જ સંતાનો તેમને એકલતા તરફ ધકેલી દે છે.
વૃદ્ધાશ્રમમાં રહેતી અનેક મહિલાઓ માટે મધર્સ ડે માત્ર એક સામાન્ય દિવસ બની ગયો છે. કારણ કે વર્ષમાં એક દિવસની શુભેચ્છા કરતાં તેમને રોજિંદા જીવનમાં સંતાનોના પ્રેમ અને સન્માનની જરૂર છે.
અમદાવાદમાં વધી રહેલા વૃદ્ધાશ્રમો
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા સતત વધી રહી છે. અગાઉ વૃદ્ધાશ્રમને સમાજમાં અંતિમ વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ હવે તે સામાન્ય વ્યવસ્થા બની રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ખાનગી, ટ્રસ્ટ સંચાલિત અને દાન આધારિત વૃદ્ધાશ્રમો કાર્યરત છે.
આશરે 3500થી 3700 જેટલા વડીલો હાલ આ વૃદ્ધાશ્રમોમાં રહે છે. તેમાં મોટી સંખ્યામાં એવી માતાઓનો સમાવેશ થાય છે જેઓ ક્યારેક પોતાના પરિવારનું કેન્દ્રબિંદુ હતી. પરંતુ સમય બદલાતા હવે તેઓ પરિવાર માટે “જવાબદારી” અથવા “બોજ” બની ગઈ છે.
સામાજિક કાર્યકરોના જણાવ્યા મુજબ, પહેલાં વૃદ્ધાશ્રમમાં એવા લોકો આવતા હતા જેમના સંતાનો વિદેશમાં રહેતા હોય અથવા પરિવાર ન હોય. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે મોટા ભાગના કિસ્સાઓમાં સંતાનો શહેરમાં કે એ જ ઘરમાં હોવા છતાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે.
સંતાનો પાસે તૈયાર હોય છે કારણોની યાદી
વૃદ્ધાશ્રમના સંચાલકો કહે છે કે જ્યારે કોઈ સંતાન પોતાના માતા-પિતાને અહીં મૂકવા આવે છે ત્યારે તેમની પાસે કારણોની એક લાંબી યાદી તૈયાર હોય છે. કોઈ કહે છે કે “ઘરમાં સતત ઝઘડા થાય છે”, તો કોઈ “જગ્યાની તંગી”નું કારણ આપે છે. ઘણા લોકો કહે છે કે “ઓફિસ અને બાળકો વચ્ચે સમય મળતો નથી”, જ્યારે કેટલાક લોકો આર્થિક સંકડામણનો મુદ્દો આગળ ધરે છે.
પરંતુ વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે મોટાભાગના કિસ્સાઓમાં મૂળ કારણ સંવેદનાની અછત અને પરિવારિક મૂલ્યોનું ઘટતું મહત્વ છે. આજની નવી પેઢી પોતાના જીવનમાં એટલી વ્યસ્ત બની ગઈ છે કે વૃદ્ધ માતા-પિતાની લાગણીઓ સમજવા માટે સમય જ નથી.
શિક્ષિત અને આધુનિક ગણાતા પરિવારોમાં પણ ઘણીવાર વડીલોની સલાહને “દખલગીરી” તરીકે જોવામાં આવે છે. ઘરમાં જીવનશૈલી, બાળકોના ઉછેર અથવા ખર્ચ અંગે માતા-પિતાની ટિપ્પણી યુવાપેઢીને પસંદ પડતી નથી. પરિણામે ઘરમાં તણાવ વધે છે અને અંતે વૃદ્ધાશ્રમનો રસ્તો અપનાવવામાં આવે છે.
મિલકત હસ્તાંતરણ બાદ બદલાઈ જાય છે વ્યવહાર
સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક કિસ્સાઓ અત્યંત દુઃખદ હોય છે. અનેક માતા-પિતા પોતાની મિલકત, ઘર અથવા બચત સંતાનોના નામે કરી દે છે. જીવનભરનો પરિશ્રમ અને કમાણી સંતાનોના ભવિષ્ય માટે સમર્પિત કર્યા બાદ તેઓ આશા રાખે છે કે વૃદ્ધાવસ્થામાં સંતાનો તેમનો સહારો બનશે.
પરંતુ ઘણા કિસ્સાઓમાં મિલકત પોતાના નામે થયા બાદ સંતાનોનો વ્યવહાર બદલાઈ જાય છે. માતા-પિતા ધીમે ધીમે “અનાવશ્યક” લાગવા લાગે છે. કેટલાકને ઘરમાં અલગ રૂમમાં મર્યાદિત કરી દેવામાં આવે છે, તો કેટલાકને સીધા વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે.
વૃદ્ધાશ્રમના સંચાલકો કહે છે કે ઘણી માતાઓ અહીં આવીને દિવસો સુધી રડતી રહે છે. તેમને સૌથી વધુ દુઃખ વૃદ્ધાશ્રમમાં રહેવાનું નથી, પરંતુ એ વાતનું હોય છે કે જેમને માટે આખું જીવન જીવ્યા, એ જ સંતાનો આજે તેમને છોડીને ચાલ્યા ગયા.
વૃદ્ધાશ્રમોમાં ‘વેઈટિંગ લિસ્ટ’ની ચોંકાવનારી સ્થિતિ
એક સમય હતો જ્યારે વેઈટિંગ લિસ્ટ અને એડવાન્સ બુકિંગ જેવા શબ્દો માત્ર બસ, રેલવે અથવા સિનેમાની ટિકિટ માટે સાંભળવા મળતા હતા. પરંતુ હવે અમદાવાદના અનેક વૃદ્ધાશ્રમોમાં પણ આ સ્થિતિ સર્જાઈ છે.
ઘણા વૃદ્ધાશ્રમોમાં હાલ છથી આઠ મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે. એટલે કે, જગ્યા ખાલી ન હોવાથી તરત પ્રવેશ મળતો નથી. ફોન પર માહિતી માંગતા લોકોને “હાલ વેઈટિંગ છે” એવો જવાબ મળે છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે કેટલાક પરિવારો અગાઉથી જ “એડવાન્સ બુકિંગ” પણ કરાવી રહ્યા છે. એટલે કે, ભવિષ્યમાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આ પરિસ્થિતિ સમાજમાં બદલાતી માનસિકતાનું ગંભીર પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.
વૃદ્ધાશ્રમમાં માતાઓનું જીવન
વૃદ્ધાશ્રમમાં રહેતી મહિલાઓનું જીવન બહારથી શાંત દેખાતું હોય છે, પરંતુ અંદરથી તે અનેક લાગણીઓ અને પીડાથી ભરેલું હોય છે. ઘણી માતાઓ દરરોજ પોતાના સંતાનોના ફોનની રાહ જોતી રહે છે. કેટલાકના સંતાનો વર્ષમાં એકાદ વખત મુલાકાતે આવે છે, જ્યારે કેટલાકને તો મહિનાઓ સુધી કોઈ મળવા આવતું નથી.
ઘણી મહિલાઓ માટે સૌથી મુશ્કેલ સમય તહેવારો અને પરિવારિક પ્રસંગોનો હોય છે. દિવાળી, નવરાત્રી, જન્મદિવસ અથવા મધર્સ ડે જેવા દિવસોમાં તેમને પોતાના ઘરની અને પરિવારની વધુ યાદ આવે છે.
વૃદ્ધાશ્રમના સંચાલકો અને કર્મચારીઓ આ વડીલોને પરિવાર જેવી લાગણી આપવા પ્રયત્ન કરે છે, પરંતુ માતૃત્વના સંબંધની ખાલી જગ્યા કોઈ ભરી શકતું નથી.
બદલાતું સમાજ અને તૂટતા સંયુક્ત પરિવારો
સામાજિક વિશ્લેષકો માને છે કે વૃદ્ધાશ્રમોમાં વધતી સંખ્યા પાછળ સંયુક્ત પરિવાર વ્યવસ્થાનું તૂટવું પણ મોટું કારણ છે. પહેલાં એક જ ઘરમાં ત્રણ પેઢીઓ સાથે રહેતી હતી. વડીલોને પરિવારનું માર્ગદર્શન અને સંસ્કારનું કેન્દ્ર માનવામાં આવતું હતું.
પરંતુ હવે ન્યુક્લિયર ફેમિલીનો ટ્રેન્ડ વધ્યો છે. નાના ઘરો, વ્યસ્ત જીવનશૈલી, નોકરીની દોડધામ અને વ્યક્તિવાદી વિચારસરણીના કારણે વડીલો માટે ઘરમાં જગ્યા અને સમય બંને ઘટતા ગયા છે.
ટેકનોલોજીએ લોકોને દુનિયા સાથે જોડ્યા છે, પરંતુ પોતાના પરિવારથી દૂર પણ કર્યા છે. સોશિયલ મીડિયા પર “હેપ્પી મધર્સ ડે” લખવું સરળ છે, પરંતુ રોજિંદા જીવનમાં માતા સાથે થોડો સમય પસાર કરવો ઘણા લોકો માટે મુશ્કેલ બની ગયો છે.
સમાજ માટે ચેતવણીરૂપ પરિસ્થિતિ
વૃદ્ધાશ્રમોમાં વધતી માતાઓની સંખ્યા માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની ચિંતાનો વિષય છે. કારણ કે જે સમાજ પોતાના વડીલો અને માતા-પિતાને સન્માન આપતો નથી, તે સમાજના નૈતિક મૂલ્યો ધીમે ધીમે નબળા પડતા જાય છે.
વિશ્વમાં ભારતને પરિવારિક મૂલ્યો અને સંસ્કારો માટે ઓળખવામાં આવે છે. પરંતુ જો આવી જ પરિસ્થિતિ આગળ વધતી રહેશે તો આવનારી પેઢી માટે સંબંધોની વ્યાખ્યા બદલાઈ જશે.
મધર્સ ડેનો સાચો અર્થ
મધર્સ ડે માત્ર એક દિવસ માટે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરવાનો દિવસ નથી. માતા માટે સાચો સન્માન એ છે કે તેમની લાગણીઓને સમજવી, તેમને સમય આપવો અને વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બનવો.
માતાએ આખું જીવન સંતાનો માટે જીવ્યું હોય છે. તેથી વૃદ્ધાવસ્થામાં તેમને માત્ર સુવિધાઓ નહીં પરંતુ પ્રેમ, લાગણી અને આત્મિયતાની જરૂર હોય છે. સમાજે હવે આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ટેકનોલોજી અને આધુનિકતાની દોડમાં ક્યાંક આપણે આપણા સૌથી કિંમતી સંબંધોને ગુમાવી રહ્યા નથી ને?
આ મધર્સ ડે પર સોશિયલ મીડિયા પોસ્ટ સાથે એટલું પણ યાદ રાખવું જરૂરી છે કે માતા માટે સૌથી મોટું ગિફ્ટ કોઈ મોંઘી વસ્તુ નહીં, પરંતુ સંતાનોનો સાથ અને સન્માન છે.
2








