ગુજરાતની ખાનગી શાળાઓમાં ફી વધારાથી વાલીઓ ત્રાહિમામ, આ વર્ષે વધુ 5%નો વધારો ઝીંકાયો
*કોરોનાકાળની મંદિ અને હાલની મોંઘવારીથી વિદ્યાર્થીઓના વાલીઓનું બજેટ વિખેરાયું!
*દર વર્ષે ફીમાં સરેરાશ 5%નો વધારો, એફઆરસીમાં વાલીઓને સ્થાન આપવાની માગણી
*મોંઘવારી અને શિક્ષકોના પગારને કારણે સ્કૂલોની ફી વધી હોવાનું શાળા સંચાલકોનું નિવેદન
અમદાવાદ: ગુજરાતની ખાનગી શાળાઓમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ઝીંકાઇ રહેલા ફી વધારાથી વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અનુધ, આ વર્ષે વધુ 5%નો વધારો ઝીંકાયો છે. કોરોનાકાળમાં આવેલ મંદિર અને હાલની મોંઘવારીથી વિદ્યાર્થીઓના વાલીઓનું બજેટ વિખેરાઇ ગયું છે. હવે દર વર્ષે ફીમાં સરેરાશ 5%નો વધારો, એફઆરસીમાં વાલીઓને સ્થાન આપવાની માગણી ઉઠી છે.
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં ખાનગી સ્કૂલોની ફીમાં 20 ટકાનો વધારો થયો. જ્યારે 2022-23ના શૈક્ષણિક વર્ષ માટે પણ સ્કૂલો ફીમાં 5 ટકા સુધીનો વધારો કરશે. ખાનગી સ્કૂલોના સંચાલકોનું કહેવું છે કે કોરોના મહામારીને કારણે સરકારે વર્ષ 2020-21ની ફીમાં 25 ટકા રાહત આપી હોવાથી ખોટ ગઇ હતી. જોકે સામે એ દલીલ પણ કરવામાં આવે છે કે કોરોના વર્ષ દરમિયાન સ્કૂલોના ખર્ચમાં પણ ઘટાડો થયો હતો.
છેલ્લાં ચાર વર્ષ દરમિયાન સ્કૂલોની ફીમાં મોટો વધારો થયો છે. ફી રેગ્યુલેશન કમિટી આવ્યા બાદ પણ સ્કૂલોની ફી પર કોઇ કાબૂ મેળવી શકાયો નથી. જેને લઇને વાલીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. એફઆરસીની શરૂઆત જ સ્કૂલોની ફી પર કાબૂ મેળવવા માટે કરાઇ હતી, પરંતુ એફઆરસી લાગુ કરાયું તે પહેલાં પણ સ્કૂલો દર વર્ષે પોતાની ફીમાં 5થી 10 ટકાનો વધારો કરતી જ હતી.
પરંતુ એફઆરસી લાગુ થયા બાદ પણ સ્કૂલોની ફીમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો થાય છે. જેના કારણે વાલીમંડળ પણ આ પહેલાં આક્ષેપ કરી ચૂક્યું છે કે એફઆરસીમાં વાલીઓને પણ પ્રતિનિધિત્વ આપવું જોઇએ. પરંતુ સરકાર શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે સંચાલકોને સ્થાન આપ્યું પરંતુ વાલીઓને અત્યાર સુધી કોઇ પ્રતિનિધિત્વ આપ્યું નથી. જેના કારણે સંચાલકોના વાર્ષિક હિસાબોની માહિતી વાલીઓ સુધી પહોંચતી નથી. જેના આધારે વિદ્યાર્થીઓની ફી નક્કી થાય છે.
આ તકે અનેક સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે મોંઘવારીમાં વધારો થાય છે. આ ઉપરાંત દર વર્ષે શિક્ષકોને પગારવધારો આપવો પડે છે. જો પગાર ન વધે તો શિક્ષકો નોકરી છોડી દે છે. આ સ્થિતિમાં સ્કૂલો પાસે ફી વધારવા સિવાય અન્ય કોઇ ઉપાય રહેતો નથી. જેના કારણે દર વર્ષે ફીમાં વધારો થાય છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો શિક્ષણને લઇ મોટો નિર્ણય આવકારદાયક
*ખાનગી સ્કૂલોમાં ફી વધારવા પર લગાવ્યો પ્રતિબંધ
* કોઈપણ શાળા કોઈ ખાસ દુકાનને પુસ્તકો અને કપડાં ખરીદવા માટે કહી શકશે નહી.
* વાલીઓ તેમની અનુકૂળતા મુજબ કોઈપણ દુકાનમાંથી તેમના બાળક માટે બુક-ડ્રેસ ખરીદી શકશે.
ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે શિક્ષણ ક્ષેત્રે બે મોટા નિર્ણયો લીધા હતા. તેમણે ખાનગી શાળાઓને ફી વધારવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે આ સત્રમાં યોજાનાર એડમિશનમાં ફીમાં કોઈ વધારો મંજૂર કરવામાં આવશે નહીં. ઉપરાંત કોઈપણ શાળા કોઈ ખાસ દુકાનને પુસ્તકો અને કપડાં ખરીદવા માટે કહી શકશે નહી. વાલીઓ તેમની અનુકૂળતા મુજબ કોઈપણ દુકાનમાંથી તેમના બાળક માટે બુક-ડ્રેસ ખરીદી શકશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખાનગી શાળાઓ પર શાળાની ફી વધારવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંજાબ સરકાર એક પોલિસી લઈને આવશે જે માતા-પિતાની સહમતિથી તૈયાર કરવામાં આવશે. ખાનગી શાળાઓને પણ ભલામણ કરેલ પુસ્તકોની દુકાનમાંથી પુસ્તકો અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે માતાપિતાને દબાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વાલીઓ તેમની પસંદગીની દુકાનોમાંથી પાઠ્યપુસ્તકો અને અન્ય સ્ટેશનરી સામગ્રી ખરીદી શકશે.
ભગવંત માને ટ્વીટ કર્યું હતું કે પંજાબમાં શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે તે સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહ્યું છે, તેથી આજે અમે નિર્ણય લીધો છે કે આ સત્રમાં કોઈપણ ખાનગી શાળા ફીમાં વધારો કરી શકશે નહીં અને કોઈ એક દુકાનમાંથી પુસ્તકો ખરીદી શકશે નહીં. આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે ફરી એક મોટી જાહેરાત કરી હતી. તેમણે દિલ્હીની જેમ પંજાબમાં પણ ઘરે ઘરે રાશન પહોંચાડવાની જાહેરાત કરી હતી. એટલે કે હવે સરકાર ઘરે-ઘરે રાશનની ડિલિવરી કરશે.
સરકારે નિર્ણય લીધો છે કે રાશનની ઘરે-ઘરે ડિલિવરી કરવામાં આવશે. જોકે, આ પ્લાન વિકલ્પ તરીકે રહેશે. અમારા અધિકારીઓ ફોન કરીને ડિલિવરીનો સમય પૂછશે. સાથે જ રાશનની ડિલિવરી પણ કરવામાં આવશે.