સ્માર્ટ સિટી કોન્ફરન્સનાં પેવેલિયન પાસે મૂકવામાં આવેલા મશીનમાં કુદરતી હવાનો ઉપયોગ કરી પીવાનું પાણી બનાવવામાં આવ્યું હતું. હવાનો ઉપયોગ કરી આ મશીને ચાર હજાર લિટર પાણી પેદા કર્યુ હતું.સ્માર્ટ સિટી કોન્ફરન્સના ઇનોવેશન સેક્શનમાં એક એકથી ચઢિયાતા સ્ટાર્ટ અપ મૂકવામાં આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાથી પ્રેરિત થઇને તૈયાર કરવામાં આવેલા વિવિધ ઇનોવેશન આ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા છે. તેલંગણાની એક કંપનીએ હવામાંથી પાણી તૈયાર કરવાનું મશીન બનાવ્યું છે. આ કંપનીના મશીનને સ્માર્ટ સિટી કોન્ફરન્સનાં પેવેલિયન ડોમની બહાર મૂકવામાં આવ્યું છે. આખા દિવસમાં આ મશીનની મદદથી હવામાંથી પાણી તૈયાર કરવામાં આવે છે. આ મશીન હવાને પોતાની અંદર ખેંચે છે. મશીનમાં હવા ગયાં બાદ ધૂળ સહિતના તત્ત્વો ફિલ્ટર કરવામા આવે છે.હવા ફિલ્ટર થયા બાદ કૂલિંગ ચેમ્બરમાં હવાં પહોંચે છે જ્યાં હવામાંથી પાણીના ટીપાં બને છે. આ ટીપા પાઇપ વડે એક ટેન્કમાં જમા થાય છે. ટેન્કમાં બીજી વખત પાણી ફિલ્ટર થાય છે. પીવાલાયક શુદ્ધ પાણી તૈયાર થયા બાદ મોટી ટેન્કમાં જાય છે જ્યાંથી પીવા માટે તેનો વપરાશ થાય છે.સ્માર્ટ સિટી કોન્ફરન્સનાં સ્થળે છેલ્લા બે દિવસથી હવામાંથી તૈયાર કરવામાં આવેલું પાણી મુલાકાતીઓને પીવડાવવામાં આવ્યું હતું. આ પાણી મિનરલ વોટર કરતાં પણ ચોખ્ખું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.