મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેલવે સ્ટેશન રોડ, મોરબી શહેર ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારશ્રી તરફથી મળતી મદદ અને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુંક થયેલ શ્રી સિધ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે.
ગત તારીખ ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે તથા નાયબ કમિશનરશ્રી કુલદીપસિંહ વાળાની આગેવાની હેઠળ કોર્પોરેશન ટીમના સિનિયર પ્રતિનિધિઓ સાથે સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત સ્થાનિક વિસ્તારોના ઘર-વિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તેમને આશ્રય ગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબી શહેરના જુદા-જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રિ દરમ્યાન આશ્રય લઈ રહેલા લોકોને તાત્કાલિક સમજાવટ દ્વારા સંસ્થાના વાહન મારફતે આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેરમાં રસ્તા પર સુવાને બદલે આશ્રયગૃહનો લાભ લેવા અંગે તેઓને સહમત કર્યા હતા. ઉપરોક્ત ડ્રાઇવ દ્વારા ૩૯ ઘર વિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રય ગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંસ્થાના સંચાલકશ્રી દ્વારા નિયમિત રીતે આ પ્રકારની નાઈટ ડ્રાઇવ દ્વારા લાભાર્થીઓને સમજાવીને સંસ્થાના વાહન મારફતે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા આશ્રયગૃહમાં મહતમ ઘર વિહોણા વ્યક્તિઓ લાભાન્વિત બને, સમાજમાં તેમના પ્રત્યે લાગણી વધે, તેમના પ્રત્યે હકારાત્મક વલણ બને અને તેમને જરૂરી સહારો મળે તે માટે તમામ મોરબી નગરવાસીઓના પ્રયાસ આવકાર્ય છે. તેમ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.