
જનપ્રતિનિધિઓ-અધિકારીઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે: ડૉ. મનસુખ માંડવીયા
મોટી મારડમાં લોકભાગીદારીથી ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી શાંતિવનનું નિર્માણ કરાશે
ગામ પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો શુભારંભ તથા નવનિર્મિત પેટા પશુ દવાખાનાનું લોકાર્પણ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવાસેતુ, મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા.
આ તકે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરાને અનુસરતા આજે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ લોકોના દ્વારે જઈ રહ્યા છે. મોટી મારડમાં છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સરપંચ સાથે સંવાદ કરીને ગામના પ્રશ્નો જાણીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે.
સેવાસેતુની સાથે યોજાતા આરોગ્ય ચેકઅપ કેમ્પ થકી વહેલાસર નિદાન થકી અનેક લોકોની જિંદગી બચી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત કાર્ડ એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની નાગરિકોને રૂ.૧૦ લાખના આરોગ્ય વીમા કવચની ગેરંટી છે. જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓ સમાજના લોકોની વચ્ચે જાય ત્યારે નાગરિકો અને ગામની સમસ્યાનું નિદાન થાય છે અને તેનો સરકાર દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે “સૌની યોજના” થકી નર્મદાના પાણી સૌરાષ્ટ્રના ૧૧૨ ડેમો સુધી પહોંચ્યા છે. નર્મદાના આ નીર પીવા ઉપરાંત સિંચાઈ માટે પણ ઉપયોગી બની રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ઘેડ પંથકમાં પૂરથી ખેતરોમાં પાણી ભરાઈ જવા અંગે સર્વે કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેના પર ત્વરિત કામ કરતા રાજ્ય સરકાર દ્વારા ઘેડ પંથકના પૂરની સમસ્યાના નિકાલ માટે રૂપિયા ૧૫૦૦ કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ મોટી મારડમાં ૩૫૦૦ વૃક્ષોના વાવેતર માટે દાન આપનારા દાતાઓને બિરદાવ્યા હતા. અને વ્યસન મુક્તિ માટે ગોઠવેલી પ્રદર્શની માટે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.
આજે સેવાસેતુની સાથે પંચાયત, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂ. ૬૩ લાખના ૨૩ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત તથા રૂ. ૬૨ લાખના ૨૩ કામોનું ઈ-લોકાર્પણ કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા.
આ અવસરે સેવાસેતુના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય સહાય, હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રામ પંચાયતોમાં ૮૦થી ૧૦૦ ટકા કર વસૂલાત કરનારા સરપંચો, તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોટી મારડમાં સદભાવના વૃદ્ધાશ્રમ અને દાતાઓના સહયોગથી ગામ પાસે શાંતિવનના નિર્માણ માટે ૩૫૦૦ વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી તથા મહાનુભાવોએ આજે વૃક્ષારોપણ કર્યું હતું.
આ ઉપરાંત “સુજલામ સુફલામ્ યોજના” હેઠળ ગામના સુખનાથ મહાદેવ મંદિર પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો શુભારંભ કરાવાયો હતો. ઉપરાંત “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ પી.જી.વી.સી.એલ.ના ફંડમાંથી બનાવાયેલો બોર તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટક- રાજકોટના નવનિર્મિત ઉપકેન્દ્ર (પેટા પશુ દવાખાના)નું કેન્દ્રીય મંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓમાં સામાન્ય માનવી કેન્દ્રસ્થાને છે. નાગરિકોને ઘરે આંગણે સ્થળ પર જ વિવિધ સેવાઓ મળી રહે તે હેતુથી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલા નિદાન થકી વહેલાસર સારવાર થઈ શકે તે માટે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ અહીં યોજવામાં આવ્યો છે.
ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, સેવાસેતુના માધ્યમ થકી હવે સરકાર લોકોના દ્વારા જઈ રહી છે. સરકારી સેવાઓનો લાભ લોકોને ઘરે આંગણે મળે એ સેવાસેતુનો મૂળ હેતુ છે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, સેવાસેતુ એ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા સામાજિક ઝુંબેશ બને તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. ગામના પાણીની ટાંકીના કનેક્શન પ્રશ્નનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ગામતળના પ્રશ્નનો ઉકેલ મહિનામાં આવી જશે એવી ખાતરી તેમણે આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગામની શાળામાં રમત-ગમતનું મેદાન વિકસાવવા માટે રૂ. ૧૫ લાખની ગ્રાન્ટની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સેવાસેતુમાં વિવિધ ૧૩ વિભાગોની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. જેનો મોટી મારડ ઉપરાંત ભાદા જાળિયા, નાની મારડ, નાગલખડા, હડમતીયા, ભાડેર, ચિચોડ, જમનાવાડ, પીપળીયા, કલાણા, છત્રાસા, પાટણવાવ, વાડોદર, ઉદકિયા, વેલારિયા ગામોના બહોળી સંખ્યામાં ઉમટેલા લોકોએ લાભ લીધો હતો.
ઉપરાંત મેડિકલ ચેક અપ કેમ્પમાં ઇ.એન.ટી નિષ્ણાત, સ્કિન નિષ્ણાત, ફિઝિશિયન, બાળ રોગ તથા સ્ત્રી રોગ નિષ્ણાત, જનરલ સર્જન, આંખના નિષ્ણાત, ઓર્થોપેડીક ડોક્ટર્સ દ્વારા તપાસ ઉપરાંત દવાઓ અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.
આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબહેન બાબરીયા, સહિત, વિવિધ અધિકારીઓ અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી