રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો ભારતની સાંસ્કૃતિક એકતા પ્રદર્શિત કરે છે: સાંસદશ્રી પૂનમબેન મેડમ દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં ૨૫૦ જેટલા કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રુકમણીજીના જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો.

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ બન્યા સહભાગી માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.
આ સત્કાર સમારોહમાં પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે. માધવપુરથી નીકળેલી ભગવાનની જાનને સત્કારવા માટે ગાંધવી(હર્ષદ) થી રુક્મણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરમાં યોજાતી વર્ષો જૂની મેળાની પરંપરા જાળવી રાખનાર સૌ કોઈ અભિનંદનને પાત્ર છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ – દેવી રુક્મણીજી વિવાહના પ્રસંગમાં ઉજવાતો પાંચ દિવસીય માધવપુરનો મેળો. આ વારસાને ઉજાગર રાખવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાત સરકાર દ્વારા વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે. લોકો આધુનિકતા સાથે પરંપરાઓ અને વારસાનું મહત્વ સમજે અને વિવિધતામાં એકતાની ભાવના ઉજાગર થાય તે હેતુથી આ વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
માધવપુરનો મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે. મેળા દ્વારા લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને આપણા વારસા, સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને પરંપરાગત ભોજન વિશે જ્ઞાન મેળવવાની તક મળે છે. મેળો પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. ગુજરાતના માધવપુરનો મેળો એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઈ રહ્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણી સત્કાર સમારોહ પ્રસંગે જનમેદનીને સંબોધતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, ઉત્તર-પૂર્વ તથા પશ્ચિમની સાંસ્કૃતિક તેમજ ભાવનાત્મક જોડાણને એક તાંતણે બાંધવાનું કામ દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સ્થાનિક સ્તરે એક નાનકડા આયોજનથી શરૂ થયેલો માધવપુરનો મેળો આજે ઉત્તર–પૂર્વ અને પશ્ચિમ ભારતને સાંસ્કૃતિક એકતા સાથે જોડતો લોકપ્રિય ઉત્સવ બન્યો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, માધવપુર ઘેડ મેળો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝનને સાકાર કરે છે. આ વિઝનનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ દ્રઢ બનાવીને તેને પ્રોત્સાહિત કરવાનો છે.
ભારતની બે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી વિરાસત સોમનાથ અને દ્વારકા વચ્ચેનો આ ગુજરાતનો દરિયાઈ પટ્ટીનો પ્રદેશ માધવપુર મેળાના વિશેષ આયોજનને લીધે ઉત્સવનો પ્રદેશ બન્યો છે. માધવપુરનું દ્વારકા સાથેના ભાવનાત્મક જોડાણને વધુ ગાઢ બનાવવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩થી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ- રુક્મણી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને દર્શાવતો માધવપુરનો મેળો એ માત્ર ઉજવણી નથી પરંતુ સૌ નાગરિકોને સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો જાળવવાની પ્રેરણા આપતો ઉત્સવ છે. વધુમાં તેઓશ્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધાર્મિક ધરોહરને ઉજાગર કરતા અને સાંસ્કૃતિક એકતા પ્રેરતા આ ઉત્સવના આયોજન માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના ૨૫૦ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીના જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, નોર્થ ઈસ્ટ કાઉન્સિલના મેમ્બરશ્રી લોંગકી ફાંગ્ચો, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલના ડાયરેક્ટર શ્રી પલ્લવી હોલ્કર, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી.ધાનાણી, જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર શ્રી ભૂપેશ જોટાણીયા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દેવીસીંગભા હાથલ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કોમલબેન ડાભી, અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.