શહેરા થી નાડા ગામ તરફનો રસ્તો અઢી વર્ષથી બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન

રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યા બાદ થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ જતા વાહન ચાલકો થયા પરેશાન.

40 ગામને જોડતો રસ્તો તૂટી ગયેલ હોવા છતાં મરામત કરવામાં પણ તંત્રનો કોઈ રસ નથી.

કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ કયા કારણથી બંધ કરી દેવામાં આવી તેની તપાસ કરવામાં આવે તે જરૂરી…

શહેરા થી નાડા ગામ તરફનો રસ્તો અઢી વર્ષથી બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થતા સંબંધિત તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.આ રસ્તો 40 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે ઉબડખાબડ બની જતા વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થઈ રહયો હોવાથી તાત્કાલિક રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી.

   શહેરા થી નાડા ગામ તરફનો 40 ગામને જોડતો ડામર રસ્તો અઢી વર્ષથી અનેક જગ્યાએથી તૂટી જવા સાથે વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બની રહયો છે,આ રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યા બાદ થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ જતા પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.  

       રસ્તો 40 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે રસ્તો અતિ બિસ્માર હોવાથી અહી થી પસાર થતા વાહન ચાલકોનો સમય વધારે જવા સાથે વાહનો નું મેન્ટેનિસ પણ વધી જતું હોય તો નવાઈ નહિ, દિવસ અને રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો ની અવર જવર રહેતી હોવા સાથે બાઈક જેવા નાના વાહન ચાલકો ને અહી થી પસાર થતી વેળાએ ગણી તકલીફ પડી રહી હતી,રસ્તા પરના મસ મોટા ખાડા ઓ ના કારણે વાહનો ને પણ નુકશાન જતુ હોવાથી વાહન ચાલકો નો આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો હોવા છતાં સબંધિત તંત્ર દ્વારા આ રસ્તાની મરામત કરવામાં પણ વિચાર્યું નથી.જ્યારે અનેક ગામોને જોડતો આ રસ્તો બિસ્માર હોવા છતાં ક્યા કારણ થી સબંધિત તંત્ર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરાઈ નથી એવા અનેક સવાલો હાલ વાહન ચાલકો સાથે જાગ્રુત નાગરીકો માંથી ઉઠી રહયા હતા. 

   જ્યારે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલક રમેશભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે અને વાહન લઈને નીકળવું પણ તકલીફ પડે છે, રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ આવવાના હોત તો આ રસ્તો તાત્કાલિક તંત્ર દ્વારા નવો બનાવી દેવામાં આવતો પણ અત્યારે આ રસ્તાના કારણે ઘણા બધા ગામના ગ્રામજનોને તકલીફ પડે છે તે કોઈને દેખાતું નથી, જોકે સંબંધિત તંત્ર દ્વારા શહેરા થી નાડા ગામ તરફનો ઉબડખાબડ બનેલ રસ્તાની મરામત કરવામાં કે નવીન બનાવવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યા હોવાનું લાગી રહયુ છે. આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ કયા કારણથી કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવી તેની તપાસ પણ સંબંધિત તંત્ર ના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહ્યું છે.

મહત્વનું છેકે ખરાબ રસ્તાના કારણે અમુક સમયે અકસ્માતો પણ થતા હોવા સાથે નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં ન આવતા આગામી દિવસોમાં આ વિસ્તારના જાગૃત ગ્રામજનો ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરનાર છે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદરાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

માર્ચ 10, 2025: મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી 16મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

શ્રી ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, જેણે ભારતીય રંગમંચના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવી તેને ભવ્યાતિભવ્ય બનાવ્યું છે. આ ગેમ-ચેન્જિંગ પ્રોડક્શન થકી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્યતા અને સોહામણાપણાનું અતુલ્ય શૈલીમાં કલાકારો દ્વારા મંચ પરથી સ્વમુખે ગવાયેલા ગીતો દ્વારા રોમાંચક નાટ્ય નિરૂપણ કરાયું છે.”

આ સંગીત મહાનાટિકાના મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (એન.એમ.એ.સી.સી.) ગ્રાન્ડ થિએટર તેમજ દિલ્હીના જવાહરલાલ નેહરૂ ઈન્ડોર ઓડિટોરિયમ ખાતેના પ્રયોગોમાં હકડેઠઠ દર્શકો ઉમટી પડ્યા હતા અને ઉપસ્થિત રહેલા સેલિબ્રિટીથી માંડીને સામાન્ય પ્રેક્ષકો તરફથી તેના મોંફાટ વખાણ કરાયા હતા. આના થકી જ તેને એક સાંસ્કૃતિક મહાપ્રસ્તુતિનું બિરૂદ મળ્યું, જેણે આબાલવૃદ્ધ સહુકોઈને મંત્રમુગ્ધ કરીને ભારતના થિએટર ઇતિહાસમાં તેની અમીટ છાપ છોડી હતી. ભારતીય રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં, આજદિન સુધી શ્રી કૃષ્ણના જીવનને આટલા વિશાળ ફલક પર અને ગહન ભાવના દર્શાવી શકે તેવું કોઈ સર્જન થયું જ નથી.

આ સંગીત મહાનાટિકાની ભવ્યતાની અનુભૂતિ માટે દર્શકોને આમંત્રિત કરતા શ્રી ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “અમારા માટે ‘રાજાધિરાજઃ લવ લાઈફ લીલા’નું સર્જન કરવું એ ભક્તિ અને અંતરતમ લાગણીની સફર રહી છે. મારું તો દૃઢપણે માનવું છે કે, તમામ પેઢીના દર્શકોને એકતાંતણે જોડવા હોય તો સંગીત જ શ્રેષ્ઠ ઉપાય છે અને આ સંગીત મહાનાટિકા દ્વારા અમારો ઉદ્દેશ સાહસ, વિચક્ષણતા અને પ્રેમના વૈશ્વિક મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો રહ્યો છે. રાજાધિરાજ એક એવી કથા છે જે ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ સ્વરૂપોને દર્શાવે છે, જેમાં સૌથી પહેલું છે રમતિયાળ બાળસ્વરૂપ, બીજું છે રાજાધિરાજ દ્વારકાધીશ અને ત્રીજું છે દયાસાગર શ્રીનાથજીનું સ્વરૂપ. અગાઉ કદી જોવા મળ્યું ન હોય તેવા સ્વરૂપમાં આ અનંતકાલીન કથાઓની પ્રસ્તુતિ કરતા હું રોમાંચ અનુભવું છું, કારણ કે તેનાથી પ્રેક્ષકોને એક અવિસ્મરણીય યાત્રાની અનુભૂતિ થાય છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમે રાજાધિરાજ- ધ મ્યુઝિકલને દુબઈ લઈ જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ અને વિચક્ષણતાના સંદેશને વૈશ્વિક પ્રેક્ષકગણ સમક્ષ રજૂ કરવાનો અમને રોમાંચ છે, જેના થકી આ અતુલ્ય કથાને વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરવાની અમારી યાત્રામાં અમે એક મોટું સીમાચિહ્ન પાર કર્યું છે.”

આ સંગીત મહાનાટિકાનું નિર્માણ ભવ્યાતિભવ્ય સ્તરે કરાયું છે, જેમાં 20 મૌલિક ગીતો, 180થી વધુ કલાકારો અને 60થી વધુ નર્તકો સામેલ છે. આ પ્રસ્તુતિમાં ઉડીને આંખે વળગે તેવી પ્રોડક્શન ડિઝાઈન, મંત્રમુગ્ધ કરી દેનારી કોરિયોગ્રાફી, અને 1,800 ખાસ તૈયાર કરાયેલી ઉચ્ચકોટિની વેશભૂષા સહિતની દરેક વિશેષતાઓ રસતરબોળ કરી દેનારી અનુભૂતિનું સર્જન કરે છે.

રાજાધિરાજ શ્રેષ્ઠતમ કથા પ્રસ્તુતિ, સંગીત અને નાટ્યનો સંગમ છે. પદ્મશ્રી પ્રસૂન જોશી દ્વારા લિખિત, આ સંગીત મહાનાટિકાનું દિગ્દર્શન શ્રુતિ શર્માએ કર્યું છે અને તેમાં સંગીતની સુરાવલીઓ સચિન-જીગરની બેલડીએ રેલાવી છે. આ સંગીત મહાનાટિકાની કોરિયોગ્રાફી બર્ટવિન ડિ’સોઝા અને શમ્પા ગોપીક્રિશ્નાએ કરી છે. જ્યારે ઓમંગ કુમારની શ્વાસ થંભાવી દેનારી સેટ ડિઝાઈને પ્રોડક્શનના સ્તરને ઉન્નત કર્યું છે અને પાર્થિવ ગોહિલ તથા વિરલ રાચ્છે ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામગીરી અદા કરી છે. આ ટીમને રામ મોરીના સચોટ કથા સંશોધન તેમજ નીતા લુલ્લાની ભવ્ય કોસ્ચ્યુમ ડિઝાઈન દ્વારા પ્રેરકબળ પ્રાપ્ત થયું છે. અદ્દભુત કથાવર્ણન, ચકાચૌંધ કરી દેનારાં દૃશ્યો અને આત્માના તારને ઝણઝણાવી દેતા જીવંત સંગીત થકી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણી એક અવિસ્મરણીય રંગભૂમિની અનુભૂતિ કરાવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપની પ્રસ્તુતિ કરતી આ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા દ્વારા દર્શકગણને છેક સુધી જકડી રાખશે તે નિશ્ચિત છે. શો માટેની ટિકિટ્સ dubaiopera.com અને Platinumlist પર હવે ઉપલબ્ધ છે.

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહનજામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળું

જામનગર ખાતે આવનાર તારીખ 13-3-2025 ને ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ.

શ્રી ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહીયું છે,જેના કન્વિનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા, તેમજ સહ કન્વિનર તેમના મોટા ભાઈ અક્ષય અરવિંદભાઈ મહેતા તેમજ માર્ગે દર્શક પ્રિતેશ પ્રભુલાલ મહેતા ના સમગ્ર ગ્રુપ ને જવાબદારી સોંપવામાં આવી છે.

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 69 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.

એક તરફ ભગવન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદ ને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો એક તર્ક એટલે કે હોલિકા ફઈબા નું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ.

ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ,લાકડું,કોથરા,કાગળ,કલર,આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડી થી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકો ને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.
તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે.
સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે.હોલિકા નું દહન કરવામાં આવે છે.
તારીખ 13-3-2025 ને ગુરુવાર ના રોજ સાંજ ના સમયે હોલિકા નું દહન કરવાં માં આવનારા છે જેને હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતા દહન ને નિહાળવા પોહચે છે.અને અસત્ય ઉપર સત્યની જીત ના લોકો સાક્ષી બને છે.
આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે