“વિકાસ ભી, વિરાસત ભી” : જામનગરનો ભવ્ય ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ

જામ રણમલજીએ બંધાવેલ તે સમયની ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત : અગાઉ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો : ભુજીયા કોઠાના નિર્માણમાં ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો : હાલ અંદાજે રૂ.૨૩ કરોડના ખર્ચે ૧૭૩ વર્ષ જુના ભુજીયા કોઠાના રેસ્ટોરેશનનું કામ ચાલુ

ખંભાળિયાના દરવાજાથી ઉત્તરે ગઢની દીવાલ વચ્ચે તળાવના દક્ષિણ કિનારા પર વિરાટ અને ભવ્ય ભુજીયો કોઠો અતીતની યાદ સંઘરીને ઊભો છે. જામ રણમલજી બીજાના સમયમાં જામનગરમાં દુષ્કાળ પડયા હતા, તે દરમિયાન પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. ઇ.સ.૧૮૩૯ થી ૧૮૫૨ વચ્ચે ગોળ બાંધણી વાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાનું બાંધકામ થયેલ. આમ ભુજીયો કોઠો બંધાતા ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો.

એવું માનવામાં આવે છે કે જામનગર અને ભુજના રાજા ભાઈઓ હતા જેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. તેમણે શહેરોની રચના પણ એ જ રીતે કરી હતી. ભુજિયો કોઠો કદાચ જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજીયો કોઠો હોવાનું માનવામાં આવે છે.

બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનું ખર્ચ થયું હતું. આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ભુજીયો કોઠો પાંચ માળનો છે. ૬૬ પગથીયાઓ ચડ્યા બાદ પ્રથમ માળે પહોચી શકાય છે. ભુજીયાકોઠામાં સિંહદ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરા કૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.

આ ભવ્ય ઈમારતને ૧૭૩ જેટલા વર્ષો થયા છે. હાલ અંદાજીત રૂ.૨૩ કરોડના ખર્ચે તેનું રેસ્ટોરેશનનું કામ ચાલુ છે. જે વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી સુત્રને સાર્થક કરે છે. આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલ ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનુંરી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રેસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રેસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનુંરી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલ મુરતીઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સીસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક સુવીધા માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.

ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે. પ્રથમ તબ્બ્કાનું કામ જુન-૨૦૨૫ પહેલા પૂર્ણ થઇ જશે. તથા બીજા તબ્બ્કાનું કામ અંદાજે વર્ષ ૨૦૨૫ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી ભાવેશ જાનીએ જણાવ્યું છે.

જાણો શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેરીટેજ ડે ?

આપણી ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે. જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે લોકોને વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે.

પ્રથમ વખત ૧૯૬૮માં, એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તે સમયે, ૧૮ એપ્રિલ ૧૯૭૮ના રોજ, આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં ૧૮ એપ્રિલ ૧૯૮૨ના રોજ, ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ પછી, નવેમ્બર ૧૯૮૩માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુજરાતના ૪ સહીત ભારતમાં ૪૩ વિશ્વ ધરોહર સ્થળો છે, જેમાંથી ૩૫ સાંસ્કૃતિક છે, ૭ કુદરતી સ્થળો છે અને ૧ મિશ્રિત શ્રેણી છે.

ગુજરાત સરકારે હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨-૨૫ જાહેર કરી છે, જે નાના ગામો અને નગરોમાં હેરિટેજ ઇમારતો અને સુવિધાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. આ નીતિ રાજ્યના પ્રાચીન અને ઐતિહાસિક વારસાને વધુ સુરક્ષિત અને જાળવણી કરવાની યોજના છે. આ વર્ષે વિશ્વ વારસા દિવસ ૨૦૨૫ના અવસરે, ICOMOS (the International Council on Monuments and Sites )દ્વારા આપત્તિઓ અને સંઘર્ષોથી વારસાના સ્થળો સામે વધતા જોખમો પર ચિંતન કરવામાં આવશે. આ વર્ષની થીમ “Heritage under Threat from Disasters and Conflicts: Preparedness and Learning from 60 years of ICOMOS Actions” છે.


ખાસલેખ: પારુલ કાનગડ
ફોટો/વિડીઓ: ગજેન્દ્રસિંહ જાડેજા/ અમિત ચંદ્રવાડિયા

‘તેરા તુજ કો અર્પણ’: ગુજરાત પોલીસની નિષ્ઠા અને નૈતિકતાનું પ્રમાણ

માત્ર ત્રણ મહિનામાં ૨૧૦૮ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. ૫૫.૦૭ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં ૨૧૦૮ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. ૫૫.૦૭ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે.

તેરા તુજકો અર્પણ અંતર્ગત વર્ષ ૨૦૨૫ના ગુજરાત પોલીસે રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં ૬૮૬ કાર્યક્રમો યોજીને રૂ.૨૦.૧૮ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ, ફેબ્રુઆરી મહિનામાં ૬૧૨ કાર્યક્રમો યોજીને રૂ.૧૩.૮૪ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ અને માર્ચ મહિનામાં ૮૧૦ કાર્યક્રમો યોજીને રૂ.૨૧.૦૪ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે.

પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરીયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય એ ‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.

‘તેરા તુજ કો અર્પણ’ ગુજરાત પોલીસની નિષ્ઠા અને નૈતિકતાનું પ્રમાણ છે અને આ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મળી રહે તેવા પ્રયત્નની ફલશ્રૃતિ છે.

૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: “મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!” આ શબ્દો છે 82 વર્ષની ઉંમરે પણ યુવાન મનોવસ્થા ધરાવતાં રમીલાબહેન શુક્લાના, જેમણે તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે. આટલી જૈફ વયે અભ્યાસ કરીને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા રમીલાબહેનને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને આનંદિત થયા હતા. આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરનારાઓમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ સામેલ હતા!

ભારતની આઝાદી પહેલા એટલે કે, વર્ષ 1943માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા રમીલાબહેન સ્વભાવે પહેલેથી જ ખૂબ મહેનતુ હતા. લગ્ન પહેલા વર્ષ 1965માં તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાની જિંદગીના 70 દાયકા પસાર કર્યા પછી રમીલાબહેને પોતાની આગળ વધારે ભણવાની ઈચ્છાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2016માં ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સ માટે એડમિશન લીધું. જે ઉંમરમાં લોકો જિંદગીથી થાકીને આરામ અને કામ વગર રહેવાનું પસંદ કરે છે તે ઉંમરમાં રમીલાબહેને ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઝંપલાવી દીધું.

રમીલાબહેનનું કિશોરાવસ્થાનું સ્વપ્ન હતું કે તેઓ ખૂબ જ ભણે. ભણવું વાંચવું અને વિચારવું એ રમીલાબહેનની ગમતી પ્રવૃત્તિઓ છે. 71 વર્ષની ઉંમરે તેમને એવું લાગ્યું કે હવે સંસારની બધી જવાબદારી તેમણે નિભાવી લીધી છે અને તેમની સહ ઉંમરના લોકો જોડેથી જિંદગી માટે જેવી નકારાત્મક વાતો તેઓ સાંભળે છે, તેવી જિંદગી તેમને નથી જીવવી. આ જ ધગશ સાથે વર્ષ 2016માં મહેનત કરીને તેઓએ 73 વર્ષની ઉંમરે MAની ડિગ્રી પ્રાપ્ત કરી. રમીલાબહેન અને તેમના કુટુંબ માટે આ એક ગર્વની વાત હતી.

રમીલાબહેન આટલાથી સંતોષ માનવામાં રાજી નહોતા. તેમણે વધુ અભ્યાસ કરવા માટે નિશ્ચય કરી લીધો હતો. આમ કરતા તેમણે PhD એટલે કે, ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. આ ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવી એ નાની વાત ન હતી. રમીલાબહેને જોયું કે PhDની પરીક્ષા આપવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે; તેમ છતાં તેમણે પીછેહટ ના કરી.

PhDના કોર્સમાં એડમિશન લેવા માટે તેમણે પહેલો પડાવ પાર કરવાનો હતો. PhDની પ્રવેશ પરીક્ષા માટે રમીલાબહેને ટ્યુશનનો સહારો લીધો. આ પરીક્ષા પાસ કરીને તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના PhD કોર્સમાં એડમિશન લીધું. ગુજરાતી વિષયમાં ખૂબ જ રસ હોવાથી PhD માટે રમીલાબહેને ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ વિષય પસંદ કર્યો.

રમીલાબહેન પાસે કમ્પ્યૂટરનું જ્ઞાન ન હતું અને તેમણે ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ગુજરાતી ટાઈપિંગ કરવું જરૂરી હતું. કેમ કે, PhD માટેના થીસીસ લખવા માટે કમ્પ્યૂટરનો સહારો લેવો અનિવાર્ય હતો, તેઓએ આ માટે કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાન લીધું અને કમ્પ્યૂટર ઉપર જરૂરિયાત પૂરતું કામ કરી શકે તેટલું તેઓ શીખી ગયા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર યોગેન્દ્રભાઈ પારેખ રમીલાબહેનની PhD ડિગ્રી માટે તેમના પ્રોફેસર અને ગાઇડ હતા. પ્રો. યોગેન્દ્રભાઈ તેમને દરેક પડાવ ઉપર માર્ગદર્શન – મદદ કરતા હતા. રમીલાબહેન કુતુહલવશ પ્રો. યોગેન્દ્રભાઈને પૂછતા કે, PhD કરવા માટે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચવા પડે? પ્રો. યોગેન્દ્રભાઈ કહેતા કે, પોતાના વિષયના ઓછામાં ઓછા 100 પુસ્તકો વાંચવા પડે. રમીલાબહેને પોતાની વાંચનશક્તિનો ભરપૂર ઉપયોગ કરીને 135 જેટલા પુસ્તકો વાંચી પોતાના વિષય માટે થીસીસ લખ્યો.

પોતાના ભણતર દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી તેમને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો. યુનિવર્સિટીએ તેમના જેવા વિદ્યાર્થી પ્રત્યે સમજણ દાખવી ભણતરમાં તેમને ખૂબ સાથ સહકાર આપ્યો. યુનિવર્સિટી તરફથી મળેલા આ સાથ સહકાર બદલ તેવો યુનિવર્સિટી માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. સુશ્રી અમીબહેન ઉપાધ્યાય કહે છે કે, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે કોઈપણ ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો છો. ભારતીય સંસ્કૃતિ હંમેશાં જ્ઞાનકેન્દ્રિત રહી છે ત્યારે 82 વર્ષની ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવા માટે હું રમીલાબહેનને ખૂબ જ શુભેચ્છાઓ આપું છું. તેઓ આ ઉંમરે બીજી મહિલાઓ અને મોટી ઉંમરના વ્યક્તિઓને જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે જોડાઈને રમીલાબહેનની જેમ સૌ કોઈ જ્ઞાન મેળવીને સફળતા પ્રાપ્ત કરી શકે છે.”

રમીલાબહેન પોતાના પરિવારે આપેલા સાથ સહકાર બદલ ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરે છે. રમીલાબહેન પોતાના જીવનસાથી ગુજરી ગયાના 30 વર્ષ બાદ પણ આ રીતે ભણી શક્યા તે માટે તેઓ ખૂબ જ આનંદિત છે.

પોતાના વિષય ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ માટે તેઓને દિલથી પ્રેમ છે. ગઝલ પ્રત્યે રમીલાબહેન અંદરથી જ રસ ધરાવે છે. ‘જીવું છુ ત્યાં સુધી જીવતી રહું’ એવો વિશ્વાસ ધરાવનાર રમીલાબહેન શૂન્ય પાલનપુરીની ગઝલ પ્રત્યે ખૂબ જ ઊંડો પ્રેમ ધરાવે છે. શૂન્ય પાલનપુરીની ગઝલમાં તેમને ખૂબ જ વિષય વૈવિધ્યતા દેખાય છે. વિવિધ વિષયો ઉપરના શેર જેમ કે, પ્રણય, ઈશ્વર અને ધર્મને ભેગા કરીને તેનું કલેક્શન કરી લખવાનું તેઓ પસંદ કરતા હતા. રમીલાબહેન કહે છે કે, તેઓ શૂન્ય પાલનપુરીના વિષયને પસંદ કરીને ડિગ્રી મેળવવા ઉપરાંત દિલથી પણ સમૃદ્ધ થયા છે. પોતાના રસનો વિષય જ્યારે ભણવા મળી જાય ત્યારે ભણવાની કેવી મજા આવે તે એક વિદ્યાર્થી જ સમજી શકે છે!

“સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી, ખમ્મા ખમ્મા’! હિંમત બોલી, અલ્લા બેલી’!”

શૂન્ય પાલનપુરીની આ ગઝલની જેમ જ ઠોસ મનોબળ ધરાવતા રમીલાબહેન કોઈપણ ડગલું ભરતા પહેલા તેના ઉપર પૂરેપૂરું મનોમંથન કરીને પછી જ તેમાં આગળ વધે છે અને ત્યારબાદ તેઓ તેમાં પીછેહટ નથી કરતા. જીવન જીવવાની ધગશથી ભરેલા રમીલાબહેન મહિલાઓ અને મોટી ઉંમરના લોકો માટે ઉદાહરણ સમાન છે. રમીલાબહેનમાંથી ડૉ. રમીલાબહેન શુક્લા બનવાની સફરમાં તેમની આખી જિંદગીનો સાર છે. મહેનત અને પરિશ્રમના સહારે આ ઉંમરે પોતાના સ્વપ્ન પૂરા કરતાં 82 વર્ષના આ મહિલા સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે.

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય

ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે 2047 સુધીમાં એક વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિઝનને સાકાર કરવામાં ગુજરાત અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. આ પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અનંત અનાદિ વડનગરમાં આવેલું આર્કિયોલોજીકલ એક્સપિરીયન્સ મ્યુઝિયમ (પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય) છે.

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે વિશ્વ વારસા દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે.

75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી
આજે ગુજરાતનું વડનગર તેના ઐતિહાસિક વારસાને પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયના રૂપમાં સાચવીને બેઠું છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરતું ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં સ્થિત આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી મ્યુઝિયમ ખૂલતાં જ માત્ર 75 દિવસમાં કુલ 32,000 લોકોએ તેની મુલાકાત લીધી હતી, જે સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે. આ મુલાકાતીઓમાં લગભગ 28% વિદ્યાર્થીઓ અને વિદેશી પ્રવાસીઓ છે. બાકીના મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિ માટે સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે.

પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય: વડનગરની 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
આ સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે જેમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન અને શાસનનું મિશ્રણ છે. મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે વડનગર હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ તમામ ઐતિહાસિક ખાસિયતોને ધ્યાનમાં રાખીને આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ₹298 કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.

વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય એ આંતરરાષ્ટ્રીય વારસા દિવસની ભાવના સાથે સુસંગત છે, જે ભારતના સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. ટેક્નોલૉજી, વારસા અને શિક્ષણનો સમન્વય ધરાવતું આ સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ સાથે ભાવિ પેઢીઓને શિક્ષિત પણ કરશે.

“વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા”

‌ દ્વારકાનાં વાચ્છુ ગામે શ્રી પંચમુખી હનુમાનજી નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, હનુમાન ચરિત્ર કથા, મહા પ્રસાદ અને સાહિત્ય લોક ડાયરા‌ જેવા વિવિધ ધાર્મિક આયોજનો કરાયા.

ધારાસભ્ય પબુભા માણેક અને માણેક પરિવારનાં આ ધાર્મિક આયોજનને ઓખામંડળ બારાડી ની ધર્મ પ્રેમી જનતાએ મનભરીને માણ્યો. શ્રી હનુમાન જન્મ જયંતિ નાં પાવન અવસરે વાચ્છુ ગામે બદ્રિનાથધામના સંત બાલક યોગેશ્વર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં ૪ દિવસ સુધી ધાર્મિક પ્રસંગો ઉજવાયા.


શ્રી પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિની બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ પ્રસંગે સંતો,મહંતો, રાજકીય આગેવાનો, વિવિધ જ્ઞાતિના વડીલો, ક્ષત્રિય વાઘેર સમાજ અને ઓખા મંડળની અબાલ વૃદ્ધ સૌ કોઈ એ પોતાની હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો હતો.


પ્રથમ દિવસે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હનુમાન ચરિત્ર કથાનું દરરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ચરિત્ર કથાનાં વિરામનાં દિવસે રાત્રે ૧૦ વાગે હનુમાનજી મંદિરનાં વિશાળ પટાંગણમાં ભવ્ય અને સુંદર સાહિત્ય લોક ડાયરા નું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં ઓખા મંડળનાં પસંદિદા લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને અનુભા ગઢવી ની જોડીએ દર્શકોને પોતાની આગવી શૈલી અને સંગીતનાં તાલે સાહિત્ય અને વીર રસની વાતોથી મંત્ર મુગ્ધ કર્યા હતા.


આ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો, ખાસ કરીને આમંત્રિત મહેમાનો અને પબુભા ના પુત્રો ઉપરાંત પબુભા પોતે પણ સાહિત્ય કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. વિશેષમાં આ લોક ડાયરામાં ડોલરનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો.
આ લોક ડાયરામાં ઓખા મંડળ અને બારાડી પંથકના સંગીત સાહિત્યનાં શોખીનો ઉમટી પડ્યા હતા.