“ભારતીય શિક્ષણ મંડળના સ્થાપના દિવસની ઉજવણી”

ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી રહ્યું છે: શિક્ષણમંત્રી પ્રફુલભાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય શિક્ષણ મંડળની સ્થાપના સન 1969માં રામનવમીના દિવસે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય શિક્ષણમાં ભારતીયતા લાવવાનો હતો. ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રાંત સ્તરીય સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભારતીય શિક્ષણ મંડળ શિક્ષણના ભારતીયકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેના આવા તમામ પ્રયાસોની સરાહના કરતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે “ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભા.શિ.મ. કરી રહ્યું છે તેના માટે હું સંગઠન અને તેના ઋષિતુલ્ય કાર્યકર્તાઓને વંદન કરું છુ.

વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 આપી છે તેમાં પણ ભારતીય શિક્ષણ મંડળનું અમુલ્ય યોગદાન રહ્યું છે. ખરા અર્થમાં ભારતીય શિક્ષણ મંડળ ભારતીય ઈતિહાસ, માતૃભાષામાં શિક્ષણ 64 કલાઓ અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા બાળકના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઇ રહ્યું છે. આજે વિશ્વના કેટલાય દેશોમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ઉપર કાર્ય શરુ કરવામાં આવ્યું છે જેનું શ્રેય પણ હું આ સંગઠનને આપું છુ.”

ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંત અધ્યક્ષ પ્રો. વી.કે. શ્રીવાસ્તવજીએ અધ્યક્ષીય ઉદ્દબોધનમાં ઉપસ્થિત સૌને આવકાર્ય હતા. તેમને ભારતીય શિક્ષણ મંડળનો ગૌરવમય ઈતિહાસ સૌ સમક્ષ રજૂ કર્યો હતો. સંગઠનના કાર્યને તેમણે પાંચ સૂત્રોમાં રજૂ કર્યું હતું જેમાં શિક્ષા સાથે દીક્ષા, પ્રકૃતિ સાથે સંસ્કૃતિ, ભવ્યતા સાથે સભ્યતા, ભારતીય જ્ઞાન સાથે વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન સાથે અનુસંધાન દ્વારા સમજાવ્યું હતું.

રામ શર્માજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે “ભારતીય જડોને મજબૂત કરવા તથા ભારતીય સંસ્કૃતિને શિક્ષણ સાથે જોડીને જ ખરા અર્થમા આઝાદીનો ઉત્સવ મનાવી શકાય છે. આજે ભારત પોતાના ત્યાગ, તપસ્યા અને પરિશ્રમથી જ આગળ આવ્યું છે. ભારતીય જ્ઞાન પરંપરાને સ્થાપિત કરવી એ આપણા સૌનું સહિયારું લક્ષ્ય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સરકાર્યવાહક માનનીય શૈલેશ પટેલજીએ પોતાના વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે “ ભારતીય જ્ઞાન પરંપરા જ્ઞાન અને વિજ્ઞાનથી બની છે તેને ભારતીય શિક્ષણ મંડળ આગળ લઇ જવાનું કાર્ય કરી રહી છે. તેમને ભારતને સુપર પાવરની પરંતુ વિશ્વગુરુ બનાવાવની વાત કરી હતી. કાર્યકર્તા ભાવ અને કર્મ ઉપર સારગર્ભિત વાત તેમણે કહી હતી. ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સહમંત્રી શ્રી સુનીલ શર્માજીએ પોતાના વિચાર રજૂ કરતા કહ્યું હતું કે “ભારતીય મૂલ્યો એ શિક્ષણનો એક ભાગ છે. આજે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો સમગ્ર વિશ્વમાં પોતાની કુશળતાનો ડંકો વગાડી રહ્યા છે તેની પાછળનું કારણ ભારતમાં નૈતિક મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ભારત કેન્દ્રિત શિક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું ઉત્તમ માધ્યમ છે. NEP તૈયાર કરવામાં ભારતીય શિક્ષણ મંડળનું અનેરું યોગદાન છે.

ઉપરાંત તેમણે સંગઠનની તમામ ગતિવિધિઓ અને પ્રકલ્પોની માહિતી, કાર્યપ્રણાલી વિષે સૌને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધ્યાપકો, શોધાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય ગુરુકુળ ગતિવિધિ પ્રમુખ આચાર્ય દીપ કોઈરાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો; ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે, ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છે, આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીનું આહવાન, લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદનો અભ્યાસ કરીને વૈદ્ય બનેલા સૌ વિદ્યાર્થીઓનું છે : મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા

જામનગર તા.21 એપ્રિલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું.

આયુર્વેદના ‘લાંઘન પરમોષધમ’ ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.

એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્ત ખોરાક, અવ્યવસ્થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરુપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્યું છે. ત્યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્ત કરી સ્વસ્થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્સા પદ્ધતિ થકી મેળવેલ સ્વસ્થતા વિશેના પોતાના અનુભવો રાજ્યપાલશ્રીએ વર્ણવ્યા હતા.

પદવી પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધો, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુક્ત બને તે દિશામાં કામગીરી કરજો.

આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આજે પદવી મેળવી વૈદ્ય બનનાર સૌ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવાર લઈ રહેલા લોકોમાં થઈ રહેલો વધારો સૂચવે છે કે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત સરકાર પણ અનેક પગલાં લઈ રહીછે.

આ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યો સર્વશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, આયુષ નિયામકશ્રી વૈદ્યશ્રી જયેશ પરમાર, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવશ્રી ડૉ.અશોક ચાવડા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવશ્રી મયંક સોની, આઈ.ટી.આર.એના નિયામકશ્રી તનુજા નેસરી, સિનિયર પ્રોફેસરશ્રી અનુપ ઇન્દોર્ય, અગ્રણીઓશ્રી, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે।

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.૧૦ થી ૧૧ અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.

ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ:-

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.

મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે, તેમ ગીર ફોરેસ્ટ, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.

સિંહનો ઇતિહાસ:-

હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ ૫૫ હજાર અને ૧ લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.

નિષણતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. ૬ હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના ૩૦ લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના ૬૦૦ વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.

ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો પ્રબુદ્ધ સંમેલન

બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીના જીવન કવન પર અને તેમના સમર્પણ અન્વયે સંમેલન નું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા કરવામાં આવેલ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બાબાસાહેબ આંબેડકર જઈને વિશેષ સ્થાન આપવામાં આવેલ છે તેઓના જીવન તેઓના સમર્પણ ને વિશે સન્માન પ્રદાન કરવામાં આવેલ છે તેઓએ દેશના વડતરમાં જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પ્રવર્તમાન ભારતના બંધારણ ના ઘડતરમાં તેઓનું સમર્પણ સહિત બાબત મુદ્દે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.


આ તબક્કે સંસદ શ્રી પૂનમબેન માડમ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત મુખ્ય વક્તા કશ્યપભાઈ શુક્લ તથા ગોવિંદભાઈ પટેલ દ્વારા ઉદબોદન કરવામાં આવેલ.


આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રિવાબા જાડેજા, મુખ્ય વક્તા કશ્યપભાઈ શુક્લ તથા ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર વિનોદભાઈ ખીમસુરીયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા શાસક પક્ષ નેતા આશિષ જોષી દંડક કેતન નાખવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિત પૂર્વ ધારાસભ્યો પૂર્વ મેયર પૂર્વ પ્રમુખો કોર્પોરેટર શ્રી વોર્ડ પ્રમુખ સિનિયર આગેવાનો પેજ પ્રમુખો સમિતિના સભ્યો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી.

મંત્રીશ્રી સાથે જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરા સહિતના પદાધીકારીશ્રીઓની ઉપસ્થિતિ

હાલ ૧૭૦૦ બેડની સુવિધા વધીને ૨૨૦૦ બેડની થશે સાથે જ આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ અને યુરોલોજી વિભાગને પણ વિકસિત કરવાનું આયોજન-મંત્રીશ્રી

પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.ઍસ.હોસ્પિટલના તબીબ ડૉ.રાણાને ટર્મિનેટ અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા : મંત્રીશ્રી

જામનગર તા.૨૦ એપ્રિલ, ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ,શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ, આગામી સમયમાં પ્રગતિમાં આવનાર વિકાસ કામો અને પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી છે.

નાગરિકોની કોઈ ફરિયાદ હોય તો દૂર થાય, હોસ્પિટલમાં કોઈ સુવિધાનો અભાવ કે ખૂટતી કડી હોય તો તેને પૂરવા માટે સમગ્ર હેલ્થ ટીમ સાથે અહીં આવ્યા છીએ. સૌરાષ્ટ્રની મોટા ભાગની હોસ્પિટલની રૂબરુ મુલાકાત લેવામાં આવી છે અને તે ઉપક્રમમાં હવે માત્ર મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની સરકારી હોપિટલની મુલાકાત લેવાની બાકી છે.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલના કથિત ક્લિનિકલ ટ્રાયલ ગેરરીતિ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ગેરરીતિના મીડિયા અહેવાલ બાદ ઉપયુક્ત ઘટનાની પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.ઍસ.હોસ્પિટલના તબીબ ડૉ.રાણાને ટર્મિનેટ કરાયા છે અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે.તેમજ વધુ તપાસ બાદ દોષિતો સામે આગળના કાયદેસરના પગલા લેવામાં આવશે.

વધુમાં મેડિકલ કોલેજમાં રેગિંગને અટકાવવા સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક સરકારી મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કોઈ ઘટના રેગિંગની બને છે તો આવું કૃત્ય કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે.

જી જી હોસ્પિટલમાં વ્યવસ્થાઓ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, હાલ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં OPD ચાલી રહી છે જેથી જૂની જગ્યા એ ઝડપથી નવી ઇમારત બનાવી શકાય. કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે. હાલ ૧૭૦૦ બેડની સુવિધા છે તે વધીને ૨૨૦૦ બેડની થશે. આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરવાની અને યુરોલોજી વિભાગ જે અહીં ખૂબ સારી રીતે ચાલે છે તેને પણ વિકસિત કરવાનું આયોજન છે.

આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, અર્બન હેલ્થ કમિશ્નરશ્રી હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશ્નરશ્રી રતન ગઢવી, મેડીકલ એજ્યુકેશનના અધિક નિયામકશ્રી રાઘવન દીક્ષિત, મેડીકલ સર્વિસીસના અધિક નિયામકશ્રી ડો.તૃપ્તિબેન, પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ડો.ચેતન મહેતા, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીનશ્રી નંદિનીબેન દેસાઈ, જીજી હોસ્પીટલના તબીબી અધિક્ષકશ્રી ડો.દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.