રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જી.જી. હોસ્પીટલની મુલાકાત લીધી.

મંત્રીશ્રી સાથે જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મુળુભાઈ બેરા સહિતના પદાધીકારીશ્રીઓની ઉપસ્થિતિ

હાલ ૧૭૦૦ બેડની સુવિધા વધીને ૨૨૦૦ બેડની થશે સાથે જ આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ અને યુરોલોજી વિભાગને પણ વિકસિત કરવાનું આયોજન-મંત્રીશ્રી

પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.ઍસ.હોસ્પિટલના તબીબ ડૉ.રાણાને ટર્મિનેટ અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા : મંત્રીશ્રી

જામનગર તા.૨૦ એપ્રિલ, ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તેઓએ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ, ૨૦૦ બેડ હોસ્પિટલ,શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ, ૭૦૦ બેડની હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ, આગામી સમયમાં પ્રગતિમાં આવનાર વિકાસ કામો અને પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી છે.

નાગરિકોની કોઈ ફરિયાદ હોય તો દૂર થાય, હોસ્પિટલમાં કોઈ સુવિધાનો અભાવ કે ખૂટતી કડી હોય તો તેને પૂરવા માટે સમગ્ર હેલ્થ ટીમ સાથે અહીં આવ્યા છીએ. સૌરાષ્ટ્રની મોટા ભાગની હોસ્પિટલની રૂબરુ મુલાકાત લેવામાં આવી છે અને તે ઉપક્રમમાં હવે માત્ર મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની સરકારી હોપિટલની મુલાકાત લેવાની બાકી છે.

અમદાવાદની વી.એસ. હોસ્પિટલના કથિત ક્લિનિકલ ટ્રાયલ ગેરરીતિ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ગેરરીતિના મીડિયા અહેવાલ બાદ ઉપયુક્ત ઘટનાની પ્રાથમિક તપાસના અહેવાલ પછી વી.ઍસ.હોસ્પિટલના તબીબ ડૉ.રાણાને ટર્મિનેટ કરાયા છે અને અન્ય આઠ કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે.તેમજ વધુ તપાસ બાદ દોષિતો સામે આગળના કાયદેસરના પગલા લેવામાં આવશે.

વધુમાં મેડિકલ કોલેજમાં રેગિંગને અટકાવવા સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક સરકારી મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં કોઈ ઘટના રેગિંગની બને છે તો આવું કૃત્ય કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે.

જી જી હોસ્પિટલમાં વ્યવસ્થાઓ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, હાલ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં OPD ચાલી રહી છે જેથી જૂની જગ્યા એ ઝડપથી નવી ઇમારત બનાવી શકાય. કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે. હાલ ૧૭૦૦ બેડની સુવિધા છે તે વધીને ૨૨૦૦ બેડની થશે. આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરવાની અને યુરોલોજી વિભાગ જે અહીં ખૂબ સારી રીતે ચાલે છે તેને પણ વિકસિત કરવાનું આયોજન છે.

આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, અર્બન હેલ્થ કમિશ્નરશ્રી હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશ્નરશ્રી રતન ગઢવી, મેડીકલ એજ્યુકેશનના અધિક નિયામકશ્રી રાઘવન દીક્ષિત, મેડીકલ સર્વિસીસના અધિક નિયામકશ્રી ડો.તૃપ્તિબેન, પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટરશ્રી ડો.ચેતન મહેતા, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીનશ્રી નંદિનીબેન દેસાઈ, જીજી હોસ્પીટલના તબીબી અધિક્ષકશ્રી ડો.દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે સતત ત્રીજા દિવસે પણ ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા’

મનપા ના વોર્ડ ૧૩ માં સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક અગ્રણીઓને સાથે રાખી ને પ્રજા ની વચ્ચે હાજર રહીને લોકોના પ્રશ્નો સાંભળ્યા


જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના ‘જનતાની સેવા માટે જનતા ના દરવાજે’ શીર્ષક હેઠળ ના પ્રકલ્પનો પરમદિવસ થી પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, અને સ્થાનિક નાગરિકોની વચ્ચે ઉપસ્થિત રહી તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયાસો કર્યા છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.


જેઓની પ્રજા વચ્ચે અને પ્રજાની સાથે રહેવાની પહેલને આજે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને વોર્ડ નંબર ૧૩ ના નાગરિકોને સાંભળ્યા હતા.


આજે તેઓની સાથે વોર્ડ નંબર ૧૩ ના સ્થાનિક કોર્પોરેટર અને મનપા ના દંડક કેતનભાઇ નાખવા, તેમજ પ્રવિણાબેન રૂપડીયા અને બબીતાબેન લાલવાણી ઉપરાંત પૂર્વ કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ કનખરા, જામનગર શહેરના સ્થાનિક ભાજપના વોર્ડ નંબર ૧૩ના પ્રમુખ મોહિત મંગી, ઉપરાંત વોર્ડના મહામંત્રી અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો ને સાંભળી તેની વિશેષ નોંધ લીધી હતી.


આજે વોર્ડ નંબર ૧૩ ના નાગરિકો દ્વારા સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ખંભાળિયા નાકા બહાર આવેલી સોની સમાજની વાડીમાં ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી.


જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત અભિયાનને અહીં પણ વેગ અપાયો

આજના આ વિશેષ અભિયાન ની સાથે સાથે વડાપ્રધાનની પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પહેલને પણ આગળ ધપાવવામાં આવી હતી, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા વિશેષ પ્રકારની કાપડ બેગ નું વિના મૂલ્યે વિતરણ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાન ને પણ વેગવંતુ બનાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજીના મોટી મારડમાં સેવાસેતુ, આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યકમ યોજાયા.

જનપ્રતિનિધિઓ-અધિકારીઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે: ડૉ. મનસુખ માંડવીયા

મોટી મારડમાં લોકભાગીદારીથી ૩૫૦૦ વૃક્ષોનું વાવેતર કરી શાંતિવનનું નિર્માણ કરાશે

ગામ પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો શુભારંભ તથા નવનિર્મિત પેટા પશુ દવાખાનાનું લોકાર્પણ

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવાસેતુ, મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા.

આ તકે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરાને અનુસરતા આજે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ લોકોના દ્વારે જઈ રહ્યા છે. મોટી મારડમાં છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સરપંચ સાથે સંવાદ કરીને ગામના પ્રશ્નો જાણીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે.


સેવાસેતુની સાથે યોજાતા આરોગ્ય ચેકઅપ કેમ્પ થકી વહેલાસર નિદાન થકી અનેક લોકોની જિંદગી બચી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત કાર્ડ એ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની નાગરિકોને રૂ.૧૦ લાખના આરોગ્ય વીમા કવચની ગેરંટી છે. જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓ સમાજના લોકોની વચ્ચે જાય ત્યારે નાગરિકો અને ગામની સમસ્યાનું નિદાન થાય છે અને તેનો સરકાર દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે “સૌની યોજના” થકી નર્મદાના પાણી સૌરાષ્ટ્રના ૧૧૨ ડેમો સુધી પહોંચ્યા છે. નર્મદાના આ નીર પીવા ઉપરાંત સિંચાઈ માટે પણ ઉપયોગી બની રહ્યા છે.


તેમણે કહ્યું હતું કે, ઘેડ પંથકમાં પૂરથી ખેતરોમાં પાણી ભરાઈ જવા અંગે સર્વે કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેના પર ત્વરિત કામ કરતા રાજ્ય સરકાર દ્વારા ઘેડ પંથકના પૂરની સમસ્યાના નિકાલ માટે રૂપિયા ૧૫૦૦ કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ મોટી મારડમાં ૩૫૦૦ વૃક્ષોના વાવેતર માટે દાન આપનારા દાતાઓને બિરદાવ્યા હતા. અને વ્યસન મુક્તિ માટે ગોઠવેલી પ્રદર્શની માટે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.

આજે સેવાસેતુની સાથે પંચાયત, ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂ. ૬૩ લાખના ૨૩ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત તથા રૂ. ૬૨ લાખના ૨૩ કામોનું ઈ-લોકાર્પણ કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા.

આ અવસરે સેવાસેતુના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય સહાય, હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રામ પંચાયતોમાં ૮૦થી ૧૦૦ ટકા કર વસૂલાત કરનારા સરપંચો, તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોટી મારડમાં સદભાવના વૃદ્ધાશ્રમ અને દાતાઓના સહયોગથી ગામ પાસે શાંતિવનના નિર્માણ માટે ૩૫૦૦ વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી તથા મહાનુભાવોએ આજે વૃક્ષારોપણ કર્યું હતું.

આ ઉપરાંત “સુજલામ સુફલામ્ યોજના” હેઠળ ગામના સુખનાથ મહાદેવ મંદિર પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો શુભારંભ કરાવાયો હતો. ઉપરાંત “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ પી.જી.વી.સી.એલ.ના ફંડમાંથી બનાવાયેલો બોર તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટક- રાજકોટના નવનિર્મિત ઉપકેન્દ્ર (પેટા પશુ દવાખાના)નું કેન્દ્રીય મંત્રીએ લોકાર્પણ કર્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓમાં સામાન્ય માનવી કેન્દ્રસ્થાને છે. નાગરિકોને ઘરે આંગણે સ્થળ પર જ વિવિધ સેવાઓ મળી રહે તે હેતુથી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલા નિદાન થકી વહેલાસર સારવાર થઈ શકે તે માટે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ અહીં યોજવામાં આવ્યો છે.

ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, સેવાસેતુના માધ્યમ થકી હવે સરકાર લોકોના દ્વારા જઈ રહી છે. સરકારી સેવાઓનો લાભ લોકોને ઘરે આંગણે મળે એ સેવાસેતુનો મૂળ હેતુ છે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, સેવાસેતુ એ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા સામાજિક ઝુંબેશ બને તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. ગામના પાણીની ટાંકીના કનેક્શન પ્રશ્નનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ગામતળના પ્રશ્નનો ઉકેલ મહિનામાં આવી જશે એવી ખાતરી તેમણે આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગામની શાળામાં રમત-ગમતનું મેદાન વિકસાવવા માટે રૂ. ૧૫ લાખની ગ્રાન્ટની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આજે સેવાસેતુમાં વિવિધ ૧૩ વિભાગોની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. જેનો મોટી મારડ ઉપરાંત ભાદા જાળિયા, નાની મારડ, નાગલખડા, હડમતીયા, ભાડેર, ચિચોડ, જમનાવાડ, પીપળીયા, કલાણા, છત્રાસા, પાટણવાવ, વાડોદર, ઉદકિયા, વેલારિયા ગામોના બહોળી સંખ્યામાં ઉમટેલા લોકોએ લાભ લીધો હતો.

ઉપરાંત મેડિકલ ચેક અપ કેમ્પમાં ઇ.એન.ટી નિષ્ણાત, સ્કિન નિષ્ણાત, ફિઝિશિયન, બાળ રોગ તથા સ્ત્રી રોગ નિષ્ણાત, જનરલ સર્જન, આંખના નિષ્ણાત, ઓર્થોપેડીક ડોક્ટર્સ દ્વારા તપાસ ઉપરાંત દવાઓ અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે લોકોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.

આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબહેન બાબરીયા, સહિત, વિવિધ અધિકારીઓ અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી

જુનાગઢના મા.મ. વિભાગ સ્ટેટના ના.કા. ઇ.દ્વારા વડાપ્રધાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી વિશે બેફામ વાણી વિલાસ કરતા કોર્ટમાં ફરિયાદ.

ભાજપના કાર્યકર કેયુર અભાણી દ્વારા તેમના એડવોકેટ નયનભાઈ જોશી તથા યુવા ધારાશાસ્ત્રી ઉત્તમ જોશીમારફતેબદનક્ષીની ફરિયાદ કરતા કોર્ટ ફરિયાદ રજિસ્ટરે લઈ આરોપીને હાજર રહેવા નોટિસ કરતા ખળભળાટ

વિસાવદરતા.તાજેતરમાં વિસાવદર તાલુકાના ચાપરડા ગામે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ આવેલ હતા ત્યારે સરકારની સૂચના મુજબ આર એન્ડ બીડિપાર્ટમેન્ટ સ્ટેટના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા રોડ રસ્તામાં રી સરફેસિંગ કરી અમિત શાહ પસાર થવાના હતા તે રસ્તો રીપેરીંગ કરાવેલ તેના ટૂંકા ગાળામાંગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે આવવાના હોય તે બાબતે એક જાગૃત પત્રકાર કેયુરભાઈ અભાણી દ્વારા તારીખ ૭/૪/૨૫ ના રોજ સવારના ૧૧/૧૫ મિનિટ નાયબ કાર્યપાલક ઇજનેર આબેદાબેન દરવાનને તેના મોબાઈલ ઉપર ફોન કરી જણાવેલ કે,સાહેબ તમે ઓફિસે છો તો હું તમને મળવા આવું તેમ કહી સમય માગતા આ નાયબ કાર્યપાલક ઇજનેર આબેદાબેન દરવાને કહેલ કે તમેં આવો હું ઓફિસમાં છું તેમ કહેતા આ પત્રકાર ત્યાં ગયા અને પૂછેલ કે મુખ્યમંત્રી વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પધારવાના હોય આ બાબતે આજે માર્ગ મકાન વિભાગ સ્ટેટ તરફથી ત્યાં પેચ વર્કનું કામ કરવામાં આવે છે તેમાં માંડાવડ વિસાવદર આવતા ધાફડ નદીના પુલ ઉપર ખૂબ જ મોટા ગાબડા હોય ત્યાં પણ પેચવર્ક કરી આ પુલના રસ્તાનું કામ રીપેરીંગ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી અને ત્યારે આ આબેદાબેન દરવાને જણાવેલ કે આ તમારા પક્ષના નેતાઓને જૂનાગઢ શુ છે તેઓ જૂનાગઢ જ કેમ આવે છે અગાઉ પણ વડાપ્રધાન આવેલ હતા અને ત્યારબાદ ગૃહમંત્રી ચાપરડાઆવેલા અને હવે મુખ્યમંત્રી વિસાવદરના માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે.

આ લોકોને કંઈ કામ ધંધો નથી શું કામ જૂનાગઢ જિલ્લામાં જ આવી અમોને હેરાન કરે છે તેમ કહેતા અમોએ તેઓને વિનંતી કરે કે સાહેબ અમારા પક્ષના નેતાઓ વિશે આવા શબ્દો કેમ બોલો છો તેમ કહી અમોએ રજૂઆત કરેલ અને કહેલ કે યાર્ડમાં જે ડોમ નાખવાના છે તે ડોમની આપ સાહેબ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કેમ તો તેઓએ જણાવેલ કે આ ડોમની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરશે મારે કાંઈ કરવાનું રહેતું નથી તેમ કહેતા આ પત્રકારે તુરંત જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ અપાણી ને ફોન કરી આ બાબતે પૂછતાં તેઓએ કહેલ કે મારે ખાલી જગ્યા આપવાની છે આ કામ સરકારી તંત્ર કરશે. ત્યારબાદ ફરિયાદીએ આબેદાબેન પુછેલ કે આટલા બધા માણસો આવતા હોય જમવાની શુ વ્યવસ્થા કરવાની છે તો આરોપીએ કહેલ કે અમારે કોઈ વ્યવસ્થા કરવાની નથી આ બાબતે તમો પ્રાંત અધિકારી વિસાવદર સાથે વાત કરો તેમ કહેતા ફરિયાદીએ ત્યાંથી જ તેમની ઓફિસમાંથી પ્રાંત અધિકારી વિસાવદરને વાત કરતા તેઓએ કહ્યું કે આ બાબતે મને કોઈ ઉપરથી સૂચના નથી અને સૂચના મળસે તેમ કાર્યવાહી કરીશું તેમ જણાવેલ ત્યારબાદ આ આબેદાબેન દરવાને જણાવેલ કે આયોજન વગરનાવ શું દોડ્યા આવતા હશે આ કચેરીના અધિકારી ના આવા વર્તનથી ફરયાદીની લાગણીને ઠેસ પહોંચેલ હોય તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હોય દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી તેઓના પક્ષના હોય અને સરકારી અધિકારી દ્વારા તેઓની બદનક્ષી થાય તે રિતે અપમાન કરી બદનક્ષી કરતા અને ફરિયાદીનું પણ અપમાન તથા બદનક્ષી કરતા ફરિયાદીએ વિસાવદર કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરતા ખળભળાટ મચી ગયેલ છે.

આ બાબતે ફરિયાદીએ તેમની સામે ખાતાકીય તપાસ કરી ફરીયાદીના મોબાઈલનું લોકેશન મેળવી અને આ બાબતે ફરિયાદી તથા આરોપી આબેદાબેન દરબારની નારકોટેસ્ટ કરાવવામાં પણ ફરિયાદ માં જણાવેલ છે.આ ઉપરાંત ફરિયાદી એ તેમબી ફરિયાદમાં આ આરોપી આબેદાબેન દરવાનના પતિ અનવર બોધરા આમ આદમી પાર્ટીના કાર્યકર હોય તેથી રાજકિય રીતે રાજકીય પાર્ટી નો હાથો બની કામગીરી કરતા તેઓના સાક્ષી તરીકે વિનુભાઈ સમજુભાઈ હપાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વિસાવદરના પ્રાંત અધિકારી ને પણ સાક્ષી તરીકે દર્શાવેલ છે.

રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય

ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ રૂ. ૧,૫૩૪ કરોડમાંથી
પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૯ કરોડના ટેન્ડર મંજૂર કરાયા : જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા


…………………..મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેડ વિસ્તારની મુલાકાત બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

ત્રણ તબક્કામાં ઘેડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
આ બે તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન



સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧,૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂ. ૧૩૯.૪૨ કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઈએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ જટીલ પરિસ્થિતિઓના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા કન્સલટન્ટની નિમણૂક કરી, સમગ્ર વિસ્તારના સુક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ઘેડ વિસ્તારના ગામોમાં ખાસ ગ્રામસભાના આયોજનો અને વિવિધ અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘેડ વિસ્તારના અનુભવી સ્થાનિકોના સૂચનો-મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ટૂંકા, મધ્યમ અને લાંબા ગળાના ઉકેલ સૂચવામાં આવ્યા છે. અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણ તબક્કાઓમાં કુલ ૧૧ પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ, મંત્રી શ્રી કુંવરજીએ ઉમેર્યું હતું.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે કામગીરીની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં વિવિધ નદીઓ, કેનાલો અને વોંકળાઓની વહનક્ષમતા અસરકારક રીતે વધારવા માટે વિવિધ અવરોધોને દુર કરવા તથા નદીઓ, કેનાલો, વોંકળાઓની સાફ-સફાઇ અને ડિસીલ્ટિંગના કામો, મીઠા પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ હયાત તળાવોને ઉંડા કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની આ કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રકમ રૂ. ૧૩૯.૪૨ કરોડના કામોના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, બીજા તબક્કાના કામોમાં મુખ્ય નદીઓ અને વોંકળાઓ પર કાંઠા સંરક્ષણના કામો,નદી/વોંકળા પરના હયાત સ્ટ્રક્ચરોના નવીનીકરણના કામો, મુખ્ય નદીઓના ડાયવર્ઝનના કામો, નદીઓના મુખ પર પાણીના અસરકારક નિકાલ માટેના સ્ટ્રક્ચરોના બાંધકામના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ દ્વારા અંદાજીત રૂ.૧,૫૩૪.૧૯ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બીજા તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જ્યારે આ વિસ્તારમાં ત્રીજા તબક્કામાં નદીઓના મુખો પર નવા બાંધકામો, મુખ્ય નદીઓના આંતરીક જોડાણો અને ઘેડ વિસ્તારની ઉપરવાસમાં પાણી સંગ્રહના બાંધકામો જેવા કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે.

આ ત્રણ તબક્કાના કામો પૂર્ણ થવાથી ઘેડ વિસ્તારમાં ભરાતા વિવિધ નદીઓના પૂરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે તેમ, મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી.

જામનગર તા.૧૯ એપ્રિલ, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો શરુ કરવા, બ્રાંચ મર્જ કરવા બાબતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મામલતદારશ્રીની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મહાપ્રભુજીની બેઠક, જામનગર ગ્રામ્યમાં ઠેબા,જીવાપર,મોરકંડા, જોડીયામાં જોડિયા-૧ અને નંદાણા, જામજોધપુરમાં શેઠવડાળા અને ઈશ્વરીયામાં ખોલવાપાત્ર થતી વાજબી ભાવની દુકાનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારના ધારાધોરણો મુજબ વાજબી ભાવની દુકાનો ખોલવા માટે વસ્તીના ધોરણોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૭૫% જનસંખ્યા પર એક દુકાન તથા શહેરી વિસ્તારમાં ૭૫૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૪૮% જનસંખ્યા પર એક દુકાન ખોલવાની રહે છે.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.ડી.બારડ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જિલ્લા કલેક્ટર સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ કરી હતી.

આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ સંબધિત ઇ-કેવાયસીની ઝૂંબેશમાં પદાધિકારીઓને સહયોગ આપવા અપીલ કરી હતી.

આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય તથા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ગેરકાયદે દબાણો દૂર કરવા, રસ્તાઓ પહોળા કરવા તેમજ રસ્તાનાં ચાલું કામો પૂર્ણ કરવા, એસ.ટી. બસ સ્ટોપેજ, સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી.

જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર, નવી પોલીસ ચોકી બનાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી.

આ ઉપરાંત, ગટર અને સેનિટેશન સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે નીતિ વિષયક નિર્ણયના ઉકેલ બાબતે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલી નિકાલ લાવવા પણ સૂચન કરાયું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કંચનબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, અમિત ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, જિતેન્દ્રભાઈ પટેલ (ભગત), સુશ્રી દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ, ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટર હાર્દ શાહ , ઉચ્ચ પોલીસ અધિકારી,સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.