જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી.

જામનગર તા.૧૯ એપ્રિલ, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો શરુ કરવા, બ્રાંચ મર્જ કરવા બાબતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મામલતદારશ્રીની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મહાપ્રભુજીની બેઠક, જામનગર ગ્રામ્યમાં ઠેબા,જીવાપર,મોરકંડા, જોડીયામાં જોડિયા-૧ અને નંદાણા, જામજોધપુરમાં શેઠવડાળા અને ઈશ્વરીયામાં ખોલવાપાત્ર થતી વાજબી ભાવની દુકાનો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સરકારના ધારાધોરણો મુજબ વાજબી ભાવની દુકાનો ખોલવા માટે વસ્તીના ધોરણોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૭૫% જનસંખ્યા પર એક દુકાન તથા શહેરી વિસ્તારમાં ૭૫૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૪૮% જનસંખ્યા પર એક દુકાન ખોલવાની રહે છે.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.ડી.બારડ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.

જિલ્લા કલેક્ટર સુજિત કુમારે જણાવ્યું હતું કે સંકલનની બેઠકમાં પ્રજાના પ્રશ્નોનું પદાધિકારી દ્વારા રજૂ થાય છે. જેનું નિયત સમય મર્યાદામાં નિકાલ થાય તે જરૂરી છે, તેમણે સંકલનના અધિકારીઓને સત્વરે નિયમાનુસાર હકારાત્મક નિરાકરણ માટે તાકીદ કરી હતી.

આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ સંબધિત ઇ-કેવાયસીની ઝૂંબેશમાં પદાધિકારીઓને સહયોગ આપવા અપીલ કરી હતી.

આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય તથા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ગેરકાયદે દબાણો દૂર કરવા, રસ્તાઓ પહોળા કરવા તેમજ રસ્તાનાં ચાલું કામો પૂર્ણ કરવા, એસ.ટી. બસ સ્ટોપેજ, સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી.

જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર, નવી પોલીસ ચોકી બનાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી.

આ ઉપરાંત, ગટર અને સેનિટેશન સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે નીતિ વિષયક નિર્ણયના ઉકેલ બાબતે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલી નિકાલ લાવવા પણ સૂચન કરાયું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ કંચનબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, અમિત ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, જિતેન્દ્રભાઈ પટેલ (ભગત), સુશ્રી દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ, ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટર હાર્દ શાહ , ઉચ્ચ પોલીસ અધિકારી,સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા.

ભુજ, સંજીવ રાજપૂત: કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ તાલુકાના મિરઝાપર ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવીને ખુલ્લો મૂક્યો હતો. તા. ૧૯થી ૨૨ એપ્રિલ સુધી ચાલનારા આ હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શન કમ કૃષિ મેળાનું આયોજન એગ્રોસેલ, અદાણી ફાઉન્ડેશન, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(નર્મી) અને કચ્છમિત્ર સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે.‌

કૃષિ મેળાનો પ્રારંભ કરાવતા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા જણાવ્યું હતું કે, કચ્છના ખેત ઉત્પાદનોની માંગ આજે દેશ અને દુનિયામાં છે. ખેડૂતોને બિરદાવતા પ્રભારી મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજના આધુનિક યુગમાં ખેડૂતોએ ગ્રામ્ય સંસ્કૃતિને ટકાવી રાખી છે. કચ્છમાં ખેતી ક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી અને આ સંભાવનાઓથી વિકાસના શિખરો સર કરવા માટે એકબીજાના સહકારથી આગળ વધવા પ્રભારીમંત્રીએ અપીલ કરી હતી. સૂકા મલક કચ્છમાં આજે માં નર્મદાના પાણી અવતરણથી આવેલા આમૂલ પરિવર્તનનો શ્રૈય પ્રભારી મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો.

ટેકાના ભાવે ખરીદીથી ખેત પેદાશોનું ઉત્તમ મૂલ્ય, સિંચાઈ માટેનું પાણી અને વીજળીની સુવિધા, જમીન ગુણવત્તા માટે સોઈલ હેલ્થ કાર્ડ, બિયારણ જેવા રાજ્ય સરકારના પ્રકલ્પો અને યોજનાઓનો ખેડૂતોને મહત્તમ લાભ લેવા પ્રભારી મંત્રીએ અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર ભારત જ નહીં પણ સમગ્ર દુનિયાને રાસાયણિક ખાતરમુક્ત ઉત્તમ ઉત્પાદનો પહોંચાડવાની એક વ્યવસ્થા નિર્માણ કરવા પ્રભારી મંત્રીએ આહ્વાન કર્યું હતું. જિલ્લાની વિવિધ અગ્રણી કંપનીઓ અને કચ્છમિત્રના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને માટે કૃષિ મેળાના આયોજન બદલ પ્રભારી મંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરીને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતો આજે રાજ્ય જ નહીં દેશ વિદેશમાં નામાંકિત બન્યા છે. કચ્છની પેદાશોની દેશ દુનિયામાં પહોંચી છે ત્યારે જિલ્લાના નાનામાં નાનો ખેડૂતનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. પરંપરાગત ખેતી કરતાં ખેડૂતો નવીન ટેકનોલોજી અપનાવે અને દેશના વિકાસમાં સહભાગી થાય તેમ અનુરોધ સાંસદએ કર્યો હતો.

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સ્વસ્થ જીવન ઉપર ભાર મૂકીને જણાવ્યું હતું કે, આજે વૈશ્વિક બજારમાં સ્વાસ્થ્યપ્રદ અને રાસાયણિક ખાતરો વિનાના ખેત પેદાશોની માંગ ખૂબ જ વધી છે. ધારાસભ્યએ પ્રાકૃતિક ઉપર ભાર મૂકીને નવી ટેક્નોલોજીની મદદથી લોકો સુધી આરોગ્યપ્રદ ખેત ઉત્પાદનો પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોની આવક વધે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય તે દિશામાં આ કૃષિ મેળો મહત્વનો બની રહેશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચન દરમિયાન જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે સરકાર, સંસ્થાઓ અને પોતાની મહેનતથી કૃષિક્ષેત્રે કાઠું કાઢ્યું છે. આજે કચ્છની ખેતપેદાશો દુનિયાભરમાં જાણીતી બની છે તેમ જિલ્લા કલેક્ટરએ ઉમેર્યું હતું.

કચ્છમિત્ર અખબારના તંત્રી દિપકભાઈ માંકડ એ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, કચ્છના વિકાસમાં આજે કૃષિક્ષેત્ર અગ્રેસર બન્યું છે. લોક કલ્યાણ અને સામાજિક ઉત્તરદાયિત્વ માટે કચ્છમિત્ર અખબાર હંમેશા અગ્રેસર રહીને આ પ્રકારના કૃષિ‌મેળા જેવા આયોજન કરતું રહેશે એવો વિશ્વાસ તંત્રીએ વ્યક્ત કર્યો હતો. નાનામાં ખેડૂતો સુધી ઉત્તમ ખેતીની તકનિકી અને અવનવા સંશોધનો પહોંચાડવામાં આ કૃષિ મેળો અગ્રણી માધ્યમ બની રહેશે તેમ દિપકભાઈ એ જણાવ્યું હતું.

ખેડૂતો વાવેતરથી વેચાણ સુધી ‘આત્મનિર્ભર’ બને અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સમાજને સ્વસ્થ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે તે ઉદેશ્યથી આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળામાં ખેડૂતોને ખેતીની નવીન તકનિકો, પ્રાકૃતિક ખેતીમાં, ઉત્તમ બિયારણ અને દવાઓ વગેરેની જાણકારી સ્ટોલના માધ્યમથી મળી રહેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું પ્રભારી મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશંસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કૃષિ મેળામાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કચ્છમિત્ર દૈનિક અખબારના મેનેજર મુકેશભાઈ ધોળકિયા, નેશનલ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડીરેક્ટર પ્રશાંતભાઈ પટેલ, એગ્રોસોલના ડીરેક્ટર ચૈતન્ય શ્રૌફ, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના સીએસઆર હેડ પંક્તિબેન શાહ, અદાણી એગ્રીફ્રેશના સીઈઓ મનીષ અગ્રવાલ, વી ટ્રાન્સના ચેરમેન અશોકભાઈ શાહ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનીલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, અગ્રણી સર્વ વેલજીભાઈ ભુડિયા, મનીષભાઈ સોલંકી, હરેશભાઈ ઠક્કર, અનુપભાઈ માવાણી, વનરાજભાઈ કુવાડીયા, હુસેનભાઈ વેજલાણી, સુશ્રી પ્રતિક્ષાબેન પટેલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો, પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના મહિલા પોલીસ સ્ટેશન મહિલા પોલીસ કર્મચારી અને તેના પતિના અવસાન બાદ તેની એક વર્ષની પુત્રીને પોલીસ વિભાગની આર્થિક સહાય

એસ.પી. શ્રી ની હાજરીમાં બાળકીના સ્વજનોને પોલીસ વિભાગ દ્વારા એકત્ર કરાયેલું રૂપિયા ૭.૧૧ લાખનું અનુદાન અર્પણ કરાયું

જામનગર તા ૧૮, જામનગરના મહિલા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી સેજલબેન જોગેશભાઈ નકુમ, કે જેઓનું ગત વર્ષે હ્રદય રોગનો હુમલો આવી જતાં અવસાન થયું હતું, અને તેના વિયોગમાં ત્યારબાદ તેણીના પતિ જોગેશભાઈ નું પણ અવસાન થતાં તેઓની એક માત્ર છ માસની પુત્રી નોંધારી બની ગઈ હતી.


જે હાલ એકાદ વર્ષની ઉંમરની છે. જે બાળકીના ઉજવળ ભવિષ્ય માટે મદદ રૂપ થવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે ફાળો એકત્ર કર્યો હતો. જેમાં જામનગર જિલ્લાના એસ.પી.શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના તમામ અધિકારી અને કર્મચારીઓ દ્વારા કુલ ૭,૧૧,૦૦૦ (સાત લાખ અગિયાર હજાર) જેટલી સહાયની રકમ એકત્ર કરી લેવામાં આવી હતી.


જે તમામ રકમ આજે સેજલબેન ના પિતા તેમજ જોગેશ ભાઈના પરિવાર વગેરેને એસ.પી. કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, અને તેઓની હાજરીમાં નાની બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ૭,૧૧,૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી હતી.


આ વેળાએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ સાહેબ, જામનગર પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા સાહેબ, જામનગર શહેર વિભાગ ના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા સાહેબ તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.આર. કારાવદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેના અનુસંધાને સેજલબેન નકુમના પરિવારજનોએ સમગ્ર પોલીસ વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.

બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ: હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય સંકીર્તન યાત્રા, કલેક્ટર-એસપીએ ધ્વજારોહણ કર્યું.

જામનગરના છોટી કાશી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. આજે અખંડ રામનામ જાપના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ચૈત્ર વદ-5ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુએ ધ્વજાની પૂજા કરી મંદિર પરિસરમાં પરિભ્રમણ કર્યું હતું. સવારે મંદિર પાસેના વિશાળ પંડાલમાં ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો અને મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ ધર્મોત્સવમાં જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત બિહાર અને મુંબઈથી હજારો ભાવિકો ઉમટ્યા. ભક્તોની સુવિધા માટે શહેરની વિવિધ શાંતિ વાડીઓમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાંજે નીકળેલી ભવ્ય સંકીર્તન યાત્રા હવાઈચોકથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાલા હનુમાન મંદિરે સંપન્ન થઈ. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે 450થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી. મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ વિનુભાઈ તશા, રવિન્દ્રભાઈ જોષી અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત 3 માર્ચથી શરૂ થયેલા વિશેષ હરિનામ સંકીર્તનનું 18 એપ્રિલના રોજ સમાપન થશે.

જેતપુરમાં આંગડીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ

મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત રવી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ: જેતપુર સીટી પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરી.

જેતપુરમાં આંગળીયા પેઢીમાં 500 ના દરની બનાવટી ચલણી નોટ ઘુસાડવાનું કૌભાંડ પોલીસે પકડી પાડયું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર ધોરાજીનો શખ્સ તેમજ તેના સાગરીત જેતપુરના વી ડોબરીયા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજી પીઆઈ એફ.એ.પારધીની રાહબરીમાં ટીમ જેતપુર સીટી પોલીસ મથકે હતી ત્યારે જેતપુરની આર.પી.એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાંથી નીકેશભાઈ રમેશભાઈ ચંદનાણીનો ફોન આવેલ કે, ગઈ તા.13/03/2025 ના મારી આંગડીયા પેઢીમાં રવિભાઈ રૂપીયા દસ લાખનુ આંગડીયુ કરવા માટે આવેલ હતા અને તેઓએ નવી (કોરી) નોટો રૂ.500 ના દરની આપેલ હતી. તેઓએ આ પૈસા મીત પટેલને જુનાગઢ ખાતે મોકલેલ હતા

રવિભાઈએ કરેલ આંગડીયાના રૂપીયા મારી પાસે પડેલ હતા અને આજે મોટુ પેમેન્ટ કરવાનુ હોય જેથી તે રૂપીયા કાઢતા આ દશ લાખમાંથી બે બંડલમાં છ – છ નોટો ખોટી હોય જેથી રવિને ફોન કરી ખોટી નોટો બાબતે વાત કરતા રવિએ આ પૈસા બદલવા માટે તેના મીત્રને મોકલશે તેમ ફોન આવેલ હતો.

જેથી એસઓજી અને જેતપુર સીટી પોલીસ આર.પી.એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢીની આજુ-બાજુમાં વોચમાં હતો ત્યારે એક શખ્સ સફેદ કલરનું એકટીવા લઇને આવેલ અને આંગડીયા પેઢીમાં ગયેલ અને તે શખ્સ આંગડીયા પેઢીમાંથી બહાર નીકળતા તેની . અટક કરી નામ પુછતા પોતાનુ નામ સ્વી શામજી ડોબરીયા, *(ઉ.વ.36, રહે. જેતપુર, કણકીયા પ્લોટ, શારદા મંદિર પાસે, મુળ રહે.સરધારપુર) હોવાનું જણાવેલ હતું. બાદમાં તે શખ્સ પાસે કોઈ બનાવટી નોટો હોપ તો 2જુ કરવાનું જણાવતા તે શખ્સે એક કાળા કલરનો ઘેલોમાંથી બે બંડલ રૂ.500 ના દરની 100-100 નોટો કાઢીને રજૂ કરતા, જે બને બંડલમાંથી અમુક નોટો જોતા નોટોના કાગળની લીકનેશ ઓછી લાગેલ તથા નોટ અસલ જણાતી ન હોય અને અમુક નોટોમાં એક તરફનો કલર ઘાટો તથા બીજી તરફનો કલર આછો જોવામાં આવેલ હતો.

જે બનાવટી નોટો હોવાનુ પ્રાથમીક દષ્ટ્રીએ જણાય આવેલ હતું.બાદમાં આરોપીને બનાવટી નોટ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, ધોરાજીનો મારો મિત્ર અગાઉ રૂપીયા દસ લાખનું આંગડીયુ કરી આવેલ હતો અને તેણે અમુક નોટો બંડલમાં બનાવટી નાખેલ હોય જે નોટોના બંડલો મને કોઈને કાંઈ કહ્યા વગર, કાંઇ બોલ્યા વગર બદલી લાવવાનું કહેલ જેથી બનાવટી નોટો વાળા બંડલ બદલવા માટે હું આવેલ છુ. તેમજ હાજર આંગડીયા પેઢીમાં કામ કરતા નીકેશભાઈ ચંદનાણીએ જણાવેલ કે, આ દસ લાખ રૂપીયામાંથી 500 ના દરના પાંચ બંડલમાં અગાઉ પણ બનાવટી નોટો નીકળેલ હતી જેથી ધોરાજીના શખ્સને ફોન કરેલ હતો અને તેનો ધોરાજીનો મીત્ર બદલી ગયેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ધોરાજીના શખ્સ સહિત ત્રણેયની ધરપકડ કરી પૂછતાછ આદરી હતી.

ફિરોજ જુણેજા દ્વારા ધોરાજી

“વિકાસ ભી, વિરાસત ભી” : જામનગરનો ભવ્ય ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ

જામ રણમલજીએ બંધાવેલ તે સમયની ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત : અગાઉ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો : ભુજીયા કોઠાના નિર્માણમાં ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો : હાલ અંદાજે રૂ.૨૩ કરોડના ખર્ચે ૧૭૩ વર્ષ જુના ભુજીયા કોઠાના રેસ્ટોરેશનનું કામ ચાલુ

ખંભાળિયાના દરવાજાથી ઉત્તરે ગઢની દીવાલ વચ્ચે તળાવના દક્ષિણ કિનારા પર વિરાટ અને ભવ્ય ભુજીયો કોઠો અતીતની યાદ સંઘરીને ઊભો છે. જામ રણમલજી બીજાના સમયમાં જામનગરમાં દુષ્કાળ પડયા હતા, તે દરમિયાન પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. ઇ.સ.૧૮૩૯ થી ૧૮૫૨ વચ્ચે ગોળ બાંધણી વાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાનું બાંધકામ થયેલ. આમ ભુજીયો કોઠો બંધાતા ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો.

એવું માનવામાં આવે છે કે જામનગર અને ભુજના રાજા ભાઈઓ હતા જેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. તેમણે શહેરોની રચના પણ એ જ રીતે કરી હતી. ભુજિયો કોઠો કદાચ જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજીયો કોઠો હોવાનું માનવામાં આવે છે.

બાંધકામની દ્રષ્ટિએ ભુજિયો કોઠો તેના ઘેરાવા અને ઊંચાઈના કારણે અજોડ છે. ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઐતિહાસિક ઈમારત હતી. કોઠાના બાંધકામમાં કુલ ચાર લાખ પચીસ હજાર કોરીનું ખર્ચ થયું હતું. આ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. ભુજીયો કોઠો પાંચ માળનો છે. ૬૬ પગથીયાઓ ચડ્યા બાદ પ્રથમ માળે પહોચી શકાય છે. ભુજીયાકોઠામાં સિંહદ્વાર ઉપરાંત કાષ્ઠ થાંભલાની હાર અને મકરા કૃતિ કમાનોથી સુશોભિત ડાયમંડ અને લુમાઓના શણગાર સુશોભિત રંગમંડપ, સુંદર પડસાળ, ચોતરફ વર્તુળાકારે ફરતી અટારી આવેલી છે. ભુજીયા કોઠા પરથી નજર કરતા શહેરનું મનોહ૨ દૃશ્ય દેખાય છે.

આ ભવ્ય ઈમારતને ૧૭૩ જેટલા વર્ષો થયા છે. હાલ અંદાજીત રૂ.૨૩ કરોડના ખર્ચે તેનું રેસ્ટોરેશનનું કામ ચાલુ છે. જે વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી સુત્રને સાર્થક કરે છે. આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલ ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનુંરી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રેસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રેસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનુંરી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલ મુરતીઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સીસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક સુવીધા માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.

ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે. પ્રથમ તબ્બ્કાનું કામ જુન-૨૦૨૫ પહેલા પૂર્ણ થઇ જશે. તથા બીજા તબ્બ્કાનું કામ અંદાજે વર્ષ ૨૦૨૫ના અંતમાં પૂર્ણ થશે તેમ જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરશ્રી ભાવેશ જાનીએ જણાવ્યું છે.

જાણો શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેરીટેજ ડે ?

આપણી ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે. જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ્ય વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે લોકોને વારસા વિશે જાગૃત કરવામાં આવે છે. જેથી કરીને ઐતિહાસિક સ્થળોને સુરક્ષિત કરી શકાય. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે.

પ્રથમ વખત ૧૯૬૮માં, એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તે સમયે, ૧૮ એપ્રિલ ૧૯૭૮ના રોજ, આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં ૧૮ એપ્રિલ ૧૯૮૨ના રોજ, ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ પછી, નવેમ્બર ૧૯૮૩માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુજરાતના ૪ સહીત ભારતમાં ૪૩ વિશ્વ ધરોહર સ્થળો છે, જેમાંથી ૩૫ સાંસ્કૃતિક છે, ૭ કુદરતી સ્થળો છે અને ૧ મિશ્રિત શ્રેણી છે.

ગુજરાત સરકારે હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨-૨૫ જાહેર કરી છે, જે નાના ગામો અને નગરોમાં હેરિટેજ ઇમારતો અને સુવિધાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. આ નીતિ રાજ્યના પ્રાચીન અને ઐતિહાસિક વારસાને વધુ સુરક્ષિત અને જાળવણી કરવાની યોજના છે. આ વર્ષે વિશ્વ વારસા દિવસ ૨૦૨૫ના અવસરે, ICOMOS (the International Council on Monuments and Sites )દ્વારા આપત્તિઓ અને સંઘર્ષોથી વારસાના સ્થળો સામે વધતા જોખમો પર ચિંતન કરવામાં આવશે. આ વર્ષની થીમ “Heritage under Threat from Disasters and Conflicts: Preparedness and Learning from 60 years of ICOMOS Actions” છે.


ખાસલેખ: પારુલ કાનગડ
ફોટો/વિડીઓ: ગજેન્દ્રસિંહ જાડેજા/ અમિત ચંદ્રવાડિયા