શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યા વિના પણ શૈક્ષણિક સંસ્થાઓ થકી શિક્ષણ જ્યોત પ્રજ્વલિત રાખનાર કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવંદના સ્નેહ મિલન સમારોહ 2025 યોજાયો

સરકારી અધ્યયન મંદિર ધ્રોલ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના પૂર્વ તાલીમાર્થી સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો જેના માર્ગદર્શક તરીકે પ્રફુલ્લ બા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિમાં સભ્ય તરીકે પરેશભાઈ અજુડિયા, રાજેશભાઈ ભેંસદડિયા, અમિતભાઈ સોની, વિમલભાઈ નકુમ, ડેનિશભાઈ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ (1960-1995) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર (1995-2015)માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા 250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ એકઠા થયા. આ તાલીમાર્થીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. તેઓએ પોતાના તત્કાલીન પ્રાધ્યાપકોને મળીને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી, ગુરુવંદના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમમાં રાજકોટ ડી.પી.ઇ.ઓ. શ્રી દીક્ષિતભાઈ પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર શ્રી વિપુલભાઈ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા શ્રી મધુબહેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબહેન પટેલ હાજર

YouTube player

કાર્યક્રમ:

  • તા. 29-03-2025 શનિવારે રાત્રે 9:30 કલાકે લોક ડાયરો માણ્યો જેનું સફળ સંચાલન હરીદેવ ગઢવી સુંદર રીતે કર્યું. આ ડાયરામાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સહ પરિવાર હાજરી આપી અને બધા સાથે ડાયરો માણ્યો. અંતે સૌ પૂર્વ તાલીમાર્થી મિત્રોએ ગરબા રમીને ખૂબ મજા કરી.
  • તા. 30-03-2025 સવારે 10:00 કલાકે ગુરુવંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષ તરીકે હાજરી આપી. તેમણે પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી જેમાં પોતાના પી.ટી.સી. ના સંસ્મરણ સંભાર્યા તથા પોતાની જીવનયાત્રા અંગે મુક્ત મને વાતો સૌ મિત્રો સાથે કરી અને પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિશેષમાં તેઓએ જણાવ્યું કે પી.ટી.સી કર્યા પછી પોતે જાહેર જીવનમાં રાજકારણમાં સફળતાના શિખરો સર કર્યા પરંતુ પોતે શિક્ષક ન બની શક્ય તેનો અફસોસ હંમેશા રહે છે પરંતુ તેઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓ સ્થાપીને પોતાની અંદરના એક શિક્ષકને જીવંત રાખ્યો છે.
  • આ તકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીનું સન્માન પણ કરાયું જેમાં સાત વખત ધારાસભ્ય પદ અને પાંચ વખત મંત્રીપદ શોભાવનાર શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વર્ગ-1 ની જવાબદારી સંભાળતા શ્રી દીક્ષિતભાઈ પટેલ, વર્ષ 2024 માં રાજ્યપાલ હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા તેમજ વિમલભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓએ 2018માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ચિત્રકૂટ એવોર્ડ ઉપરાંત 2017 માં સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ મેળવ્યો છે તેઓનું સૌએ ખેસ અને મોમેન્ટો આપી સન્માન કર્યું.
  • વર્ષ 1960 થી 2015 સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોમાં શ્રી આર. એચ. ચૌહાણ, શ્રી રતિલાલ લિખિયા, ડો. એ. આર. ભરડા, શ્રી એમ. બી. પટેલ, શ્રી જે. ટી ઉપાધ્યાય, શ્રી કે. વી. ચાવડા, શ્રી જાગૃતિબેન ભટ્ટ, શ્રી ખ્યાતિબેન કચ્છી, શ્રી લિનાબેન ઉપાધ્યાય, શ્રી નિરાલીબેન જોષી, શ્રી જી. જી. પરમાર, ડો. પ્રફુલ્લાબા જાડેજા અને શ્રી જી. એન પોંકિયાનું તેઓના પૂર્વ તાલીમાર્થીઓએ વંદના કરી અને શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું અને તેઓએ પોતાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા.
  • બપોરે 1:00 કલાકે સૌએ સાથે પ્રીતિભોજન માણ્યું.
  • ત્યારબાદ ડાયેટ, જામનગરના મેદાનમાં એક વટવૃક્ષ વાવવાની વિધિ યોજાઈ, જેમાં એક વડલાનું વૃક્ષ વાવવામાં આવ્યું.
  • અંતે, સૌ પૂર્વ પ્રાધ્યાપકો તરફથી તમામ તાલીમાર્થીઓને એક પ્રતિક યાદગીરી રૂપે ચાંદીનું બીલીપત્ર અર્પણ કરાયું અને સૌ મીઠી યાદોનું સંભારણું અને ખુશી સમેટીને ફરી જલ્દી મળવાના આયોજન સાથે વિદાય લીધી.

ચૈત્રી નવરાત્રી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ અને વિશેષ અનુષ્ઠાન કરતા લીમધ્રાના રામદાસ બાપુ

વિસાવદર, લીમધ્રા – હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે આ પવિત્ર અવસરે ભક્તિ,સાધના અને આધ્યાત્મિક શાંતિ માટે દેશભરમાં અનેક પૂજા-પાઠ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે. નવગ્રહોની અનુકૂળતા માટે ખાસ પ્રાર્થનાઓ અને હવન કરવામાં આવે છે જે ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને કલ્યાણકારક માનવામાં આવે છે.

વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે પરમ પૂજ્ય રામદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ અનુષ્ઠાન શરૂ કરાયું છે.આ અનુષ્ઠાન અંતર્ગત નવ દિવસીય હવન, નવચંડી યજ્ઞ અને દિવ્ય સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક ભક્તો તેમજ આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉમંગભેર જોડાઈ રહ્યા છે.આ પ્રસંગે ધાર્મિક ઉપદેશ અને સંસ્કૃત શ્લોકોના પાઠ દ્વારા શાંતિ અને સંમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

સનાતન ધર્મમાં ગાય માતાનું પણ આગવું મહત્વ છે.ગાય માતા માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં,પરંતુ પર્યાવરણ અને આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અનુષ્ઠાનમાં ગાય માતાની રક્ષા માટે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.વિશેષ કરીને,યજ્ઞમાં ગાયના છાણ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, જે અત્યંત પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે.ગૌયજ્ઞના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પર્યાવરણને અનુકૂળ પ્રભાવ પ્રાપ્ત થાય છે.

હોમાત્મક વિધિમાં તલ અને જવનો પણ ઉપયોગ કરવામાં આવે છે,જે હવન દરમિયાન હવાની શુદ્ધતા અને પર્યાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે મહત્વપૂર્ણ છે.આ પ્રક્રિયા પર્યાવરણને શુદ્ધ રાખવા અને પ્રાણવાયુમાં પવિત્રતા લાવવા માટે જાણીતી છે.

મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમધ્રા ગામે રાત્રિના સમયે નવદુર્ગા સ્વરૂપ નાની નાની બાળાઓ કે જેને આપણે કુવારકા દીકરીઓ કહીએ છીએ તેમના માટે ખાસ રાસગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. આ રાસગરબા માત્ર માતાજીની આરાધના અને ભક્તિ માટે રાખવામાં આવે છે, જ્યાં દીકરીઓ ભક્તિભાવથી જોડાઈને માતાજીની આરાધના કરે છે. આ પરંપરા મહિલા શક્તિ અને આધ્યાત્મિક જોડાણનું પ્રતીક છે, જે નવરાત્રીને વધુ પવિત્ર અને ભવ્ય બનાવે છે.

આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની પવિત્રતા અને મહત્તાને ઉજાગર કરે છે.જે ભક્તો આ અનુષ્ઠાનમાં જોડાવા ઈચ્છે તેઓ લીમધ્રા ગામે આવી આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ પુણ્યનું ભાથુ બાંધી શકે છે.

ઉદય પંડ્યા દ્વારા

વિધાનસભા ખાતે આયોજિત રાજ્ય યુવા સંસદમાં પ્રતિનિધિત્વ કરતો અક્ષય ગરૈયા

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા તારીખ 29/03/2025 ના રોજ ગાંધીનગરમાં વિધાનસભા ખાતે વિકસિત ભારત રાજ્ય યુવા સંસદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ

જિલ્લાઓમાંથી આવેલ યુવાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ અક્ષય ગરૈયા એ પણ આ કાર્યક્રમમાં સહભાગીતા કરી હતી. જે અંતર્ગત તેઓએ ગુજરાતના યુવાઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની સાથો સાથ વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી સાથે સંવાદ કર્યો હતો. અક્ષયે અગાઉ પણ યુવા સંસદ, યુવા ઉત્સવ તેમજ યુવા સંગમ જેવા કાર્યક્રમોમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ધંધુકા-રાયકા હાઈવે પર કાર અકસ્માત : બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે ટક્કર, બેના મૃત્યુ, બે ઈજાગ્રસ્ત

ધંધુકા-રાયકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તો બે વ્યકિતઓ ને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે ધંધુકા ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત માહીતી અનુસાર મહારાસ્ટ્ર ના સતારા જીલ્લા ના વડુથ ગામના ના ગોડકે પરીવારને ધંધુકા ના રાયકા ગામ પાસે ગોજારો એકસ્માત નડ્યો હતો. મહારાષ્ટ્રના સતારા થી આયુર્વેદીક દવા બનાવવા માટે મળતા કાસ્ય નો ઘોડો લેવા માટે ઉતમ ગોડકે, તેમની પત્નિ મેધા ગોડકે અને માનેલા ભાઈ સંજય ગોડસે નીકળ્યા હતા તેઓએ રસ્તામાંથી મહારાષ્ટ્ર ના નીરા ગામથી મુળ રોહીસાળા ના વતની સવીતાબેન ને સાથે લઈ પોતાની અલ્ટો કાર MH12CD7138 લઈને ગુજરાત માં રોહીશાળા આવવા માટે નીકળ્યા હતા. જેઓ ધંધુકા પાસે રાયકા ફાટક ની નજીક જઈ રહ્યા હતા તેવામાં સામેથી આવતી બ્રેજા કાર GJ38B4387 સાથે અઠડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો

અકસ્માતની જાણ થતાં તરત જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ઈજાગ્રસ્તની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા. આ અક્સમાતમાં અલ્ટો કાર ના ચાલક ઉત્તમ નિવૃતિ બોડકે ઉ.વ 53 રહે.વડુથ, સતારા અને બાજુમા બેઠેલા સંજય નંદકુમાર ગોડસે ઉ.વ. 43 રહે. કાર્વાદોસી તા.તાવલી- સતારા નું કરુણ મૃત્યુ નિપજ્યુ હતું તો પાછળ બેઠેલા સવીતાબેન બચુભાઈ સાથળીયા ને પગના ભાગે ગંભીર ઈજા પહોચતા તેમને ભાવનગર ની સર ટી હોસ્પીટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા. મેઘા ગોડકે ને સામાન્ય ઈજા પહોચતા તેમની ધંધુકા સરકારી દવાખાના ખાતે પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.

બનાવ ની જાણ થતા ધંધુકા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો અને સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રિપોર્ટર – કૃણાલ સોમાણી , ધંધુકા

જામનગર જિલ્લા નું પોલીસ તંત્ર ગુનેગારો ની શાન ઠેકાણે લાવવા સતત એક્શન મોડમાં: વિજ વિભાગ ને સાથે રાખીને ગઈકાલે ૨૦૦ થી વધુ સ્થળે ચેકીંગ

જામનગરના વીજ પોલીસ મથકમાં ગઈકાલે એકજ દિવસમાં વધુ ૧૧૪ સહિત કુલ ૩૩૨ વિજ ચોરીના ગુન્હા નોંધાયા : ૩ કરોડ થી વધુનો દંડ કરાયો

જામનગર તા ૨૨, જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા વ્યાપક ઝૂંબેશ ચલાવાઇ રહી છે. અને છેલ્લા ચાર દિવસથી આવા ગુનેગારો સામે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેર જિલ્લામાં મોટાપાયે પોલીસ દ્વારા વિજ ચોરી સંદર્ભે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં ખાસ કરીને જામનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતા બુટલેગરો સહિતના શખ્સો ના રહેણાંક મકાનો પર વિજ તંત્રને સાથે રાખીને ગઈકાલે ૨૦૦ થી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વધુ ૧૧૪ ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, અને આ અંગેના અલગથી ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે.


છેલ્લા ૫ દિવસ દરમિયાન વીજ પોલીસ મથકમાં કુલ ૩૩૨ જેટલા વિજ ચોરી ના ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ દિવસે ૧૧ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા દિવસે ૫૩ ગુના નોંધવામાં આવ્યા હતા, ત્રીજા દિવસે ૯૫ અને ચોથા દિવસે ગુરુવારના મોડી રાત્રી સુધીમાં વધુ ૪૯ ફરિયાદ દાખલ કરાઈ હતી, ત્યારબાદ ગઈકાલે માત્ર એક જ દિવસમાં વધુ ૧૧૪ ગુનેગારો સામે એક્શન લેવામાં આવ્યા છે, અને તે તમામ સામે વીજ પોલીસ મથકમાં વીજ ચોરી અંગેના ગુના નોંધવામાં આવ્યા છે, અને છેલ્લા ચાર દિવસ દરમિયાન ૩૩૨ થી વધુ વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેમાં કુલ ૩ કરોડ થી વધુનો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ધંધુકામાં ₹. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત આયંબિલ અને વૈયાવચ્ચ ભવનનું રવિવારે ઉદઘાટન

ધીરગુરુદેવ, ઉપાધ્યાય જયેશ ગુરુદેવ તથા મહાસતીજીઓની શુક્રવારે પાવન પધરામણી

શનિવારે વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ધંધુકા ખાતે મેઘરાજ પ્લોટ, સ્ટેશન રોડ ખાતે આશરે ₹. ૨ કરોડના ખર્ચે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવ તથા સરોજશિશુ પૂ. જ્યોત્સનાજી મ.સ. ની અસીમ કૃપાથી નવનિર્માણ તેમજ ટીમાણીયા જૈન ઉપાશ્રયનું નૂતનીકરણ સંપન્ન થયેલ છે.

શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્રના તારક વોરા અને સંઘના નેહલ શાહના જણાવ્યાનુસાર પૂ. વિમળાબાઈ મ. સ. ની સ્મૃતિમાં રીટાબેન કિરીટભાઈ મગીયાએ વિમલ આયંબિલ ભવન અને વિમળાબેન ચંપકલાલ ખેતાણીએ વૈયાવચ્ચ ભવન નો તેમજ ભારતી કિરીટ શેઠ, ભદ્રાબેન જશવંતલાલ અને વર્ષાબેન હસુભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ રામજીભાઈ શાહ, રસીલાબેન હિંમતલાલ શેઠ વગેરે વિવિધ વિભાગના લાભાર્થી બન્યા છે.

તા. ૨૧ને શુક્રવારે સવારે ૮:૦૦ કલાકે પૂ. શ્રી ધીરગુરુદેવ રાજકોટથી, ઉપાધ્યાય પૂ. જયેશચંદ્રજી મ. સા., નવદીક્ષિત દેવાર્યચંદ્રજી મુનિ આદિ પાળિયાદથી તથા પૂ. સવિતાબાઈ મ. સ., સુશીલાબાઈ મ. સ., પૂ. સુધા–જ્યોત્સ્નાબાઈ મ. સ., પૂ. નયનાકુમારીજી, પૂ. આરાધનાજી, પૂ. ધ્રુતિકુમારીજી મહાસતીજી આદિનો મંગલ પ્રવેશ થશે.

પૂ. શ્રી ધીરગુરુદેવની પ્રેરણાથી તા. ૨૨ને શનિવારે સવારે ૯:૦૦ કલાકે વિનામૂલ્યે દંતયજ્ઞ અને જરૂરિયાતમંદોને દાંતની બત્રીસીનું વિતરણ ડીવાઇન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઉપાશ્રયે આયોજન કરેલ છે. ૯:૩૦ કલાકે ક્ષેત્રશુધ્ધિ જાપ અને પ્રવચન યોજાશે.

તા. ૨૩ને રવિવારે સવારે ૯:૪૫ કલાકે APMC માર્કેટ, કોલેજ રોડ ખાતે શ્રી અમિત મગીયા (મુંબઈ) ના પ્રમુખપદે ઉદઘાટન સમારોહ યોજાશે. અતિથિ તરીકે સર્વ શ્રી જયંતિભાઈ પટેલ, અપૂર્વ સંઘવી, નિલેશ શેઠ, રાજુ ધોલેરાવાળા, મેહુલ ધોળકીયા, અજય બરાનીયા, જયેશ શાહ, ભાવેશ હકાણી, ચંદ્રકાંત અજમેરા, પ્રફુલ તલસાણીયા, શ્વેતલ સંઘવી, કિરણ ભાવસાર, યોગેશ સંઘવી, રાજુ કેસ્ટ્રોલ, નિકુંજ શેઠ, મિતેશ શેઠ, સંદીપ સંઘવી, હંસાબેન બેલાણી વગેરે ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શરદ ભાવસાર, પ્રમોદ ટીમાણીયા, યોગેશ બેલાણી, નેહલ શાહ, મેહુલ લોલીયાણા, ગોપાલ રાણપુરા, અનિલ ટીમાણીયા, મહિલા મંડળ, યુવક મંડળ કાર્યરત છે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૦ ૦૫૫૮૮નો સંપર્ક કરવો.

રિપોર્ટર – કૃણાલ સોમાણી , ધંધુકા

એસ.ટી. માત્ર પરિવહન જ નહિ, લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની: વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

:: મંત્રી શ્રી હર્ષ સંઘવી ::

  છેલ્લા ૧૪ માસમાં ૨,૯૮૭ નવીન બસો પ્રજાની સેવામાં કાર્યરત કરાઈ; આગામી વર્ષે નવી ૨,૦૫૦ બસો કાર્યરત થશે

  નવીન બસોના સંચાલનથી દૈનિક ૨ લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો

  ૨૪ AC વોલ્વો બસ થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ગુજરાતના ૬,૦૦૦ શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી

 વાહન વ્યવહાર પ્રભાગ હેઠળ માત્ર એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં ૭,૩૨૬ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

વાહન વ્યવહાર પ્રભાગની રૂ. ૩૫૭૯.૦૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત એસ.ટી બસોને “કોમન મેનની શાહી સવારી” ગણાવતા જણાવ્યું હતું કે, એસ.ટી.ની સવારી આજે લાખો ગુજરાતીઓના સપના સાકાર કરવાનું માધ્યમ બની રહી છે. એસ.ટી. માત્ર પરિવહનનું માધ્યમ જ નહિ, પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો છે.

આ સંદર્ભે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોમાં નાગરિકોને માદરે વતન પહોંચાડવા, શ્રદ્ધાળુઓને સોમનાથ, દ્વારકા અને ડાકોર જેવા યાત્રાધામો ખાતે પહોંચાડવા તેમજ વાવાઝોડા, પૂર જેવી કુદરતી આપત્તિના સમયે નાગરિકોને સલામત સ્થળે પહોંચાડીને આપણી એસ.ટી. સમયસર, સલામત અને સ્વચ્છ સવારી પૂરી પાડી રહી છે.

વિધાનસભા ગૃહ ખાતે વાહન વ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસના રાજમાર્ગ પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સલામત સવારી તેજ રફ્તાર સાથે આગળ વધી રહી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત એસ.ટી નિગમે ટેકનોલોજી આધારિત અનેક નવા આયામો શરુ કર્યા છે. જેમાં ગુજરાતના બસ ડેપો અને બસ સ્ટેશનોને વધુ અદ્યતન બનાવવામાં આવ્યા છે.          

એટલું જ નહિ, નાગરિકોને છેવાડાના ગામો સુધી પહોંચવા માટે સમયસર બસો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ ૨૦૦ નવી બસ એટલે કે, દરરોજ ૬ નવી બસો નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાં આવે છે. માત્ર છેલ્લા ૧૪ માસમાં જ ૨,૯૮૭ નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત પરિવહનને વધુ કાર્યક્ષમ અને વેગવંતુ બનાવવા માટે અનેક નવા રૂટ પણ શરુ કરવામાં આવ્યા છે. આગામી વર્ષે પ્રજાની સેવામાં નવી ૨,૦૫૦ બસો કાર્યરત કરાશે, તેમ શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સુંદર, સ્વચ્છ અને ઝડપી નવીન બસો સંચાલનમાં મૂકવાથી અગાઉ દૈનિક ૨૫ લાખ મુસાફરો GSRTCની બસોનો લાભ લેતા હતા, તેમાં દૈનિક ૨ લાખ મુસાફરોનો ઐતિહાસિક વધારો થતા હવે દૈનિક ૨૭ લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે. આ આંકડા એ માત્ર આંકડા નથી નિગમની સુદ્રઢ સેવાની વિશ્વસનીયતાની ખાતરી છે.

મંત્રીશ્રીએ GSRTCની વિશેષ પહેલ અંગે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે ૧૪૪ વર્ષે યોજાયેલા સનાતન ધર્મના મહાપર્વ – મહાકુંભમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ નિર્વિઘ્ને સંગમમાં પવિત્ર સ્નાન કરી શકે તે માટે GSRTCએ પ્રવાસન નિગમ સાથે મળીને એક વિશેષ આયોજન કર્યું હતું. રાજ્યની જનતા માટે AC વોલ્વો બસ તથા રહેવાની વ્યવસ્થા સાથે એક પેકેજ બનાવી મહાકુંભ માટે રાજ્યના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ માટે વિશેષ સેવાનું આયોજન કર્યું હતું, જેની ચર્ચા માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં થઇ છે.

માત્ર એક જ મહિનામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૨૪ AC વોલ્વો બસ થકી ૧૪૦ ટ્રીપ દ્વારા ૬,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાતથી ૧,૨૦૦ કરતા વધુ કિલોમીટર પર આયોજિત પ્રયાગરાજ મુકામે બસ સંચાલનનું કાર્ય એ સામાન્ય ન હતુ. કોઇપણ અણબનાવ કે અકસ્માત વગર સફળતાપૂર્વક આ યાત્રા પૂર્ણ કરાવવા બદલ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર તથા મિકેનિક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં જ ત્રણ માસમાં ૫૦૦થી વધુ નવી બસો, અત્યાધુનિક વોલ્વો પ્રીમીયમ બસો તેમજ ૭૦૦ નવી ટ્રીપ શરુ કરવાનો સંકલ્પ કર્યો હતો. જેની સામે ૬૧૦ નવી બસ તેમજ ૧૦૦ વોલ્વો પ્રીમીયમ બસ નાગરિકોની સેવામાં કાર્યરત કરવામાંઆવી છે. સાથે જ, સંકલ્પથી ત્રણ ગણી વધારે એટલે કે ૨,૧૨૭ ટ્રીપ શરુ કરીને રાજ્ય સરકારે પોતાનો સંકલ્પ ખરા અર્થમાં પરિપૂર્ણ કર્યો છે.

આટલું જ નહિ, એસ.ટી. નિગમની વિવિધ કક્ષામાં ભરતીના સંકલ્પ સામે માત્ર એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં ૭,૩૨૬ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ક્લાર્ક કક્ષામાં ૨૬૪ ઉમેદવારોને નિમણૂંક અપાઈ છે. કંડક્ટર કક્ષામાં ૨,૩૨૦ ઉમેદવારોને આગામી ૧૫ દિવસમાં નિમણૂક અપાશે. મિકેનિક કક્ષામાં ૧,૬૫૮ પોસ્ટ માટે જાહેરાતની કામગીરી તેમજ ૩,૦૮૪ ડ્રાઈવરની પોસ્ટ માટે પરીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

“ટુરીઝમ વીથ ટ્રાન્સપોર્ટ”ના નવા અભિગમ અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી વર્ષમાં ૨૦૦ નવી પ્રિમિયમ બસ શરુ કરવા માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ બસોના માધ્યમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોલો ફોરેસ્ટ, ગીર, રણોત્સવ જેવા પ્રવાસન સ્થળોને આવરી લેતું ટુરીઝમ સર્કીટ શરૂ કરવામાં આવશે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, એસ.ટી નિગમના કર્મચારીઓની વર્ષો જૂની અને વાજબી માંગણીઓને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી પૂર્ણ કરીને તેનો શક્યત: સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે. માત્ર એક વર્ષમાં નિગમના કર્મચારીઓને રૂ. ૨૫૦ કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, જનતાને સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશનની ઉત્તમ સુવિધા આપી શકાય તે માટે નિગમના દ્વારા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”ના બેનર હેઠળ રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેની ફલશ્રુતિરૂપે ગુજરાત એસ.ટી નિગમને ભારત સરકારના એસોસિએશન ઓફ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકીંગ તરફથી સ્વચ્છતા અભિયાન માટે “રાષ્ટ્રીય કક્ષાનો એક્ષલેન્સ એવોર્ડ” પ્રાપ્ત થયો છે.

એક સમય હતો જ્યારે ગુજરાતના નાગરિકોએ લાઇસન્સ જેવી વિવિધ સેવાઓ માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી. આજે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત અભિયાન હેઠળ ૩૫ ફેસલેસ સેવાઓ રાજ્યની જનતાને આપવામાં આવી રહી છે. જેના કારણે હવે નાગરિકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવતો નથી. ગુજરાત ૩૫ ફેસલેસ સેવાઓ સાથે દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે. ટૂંક સમયમાં જ અમે નવી સેવાઓ પણ ફેસલેસ અને પેપરલેસ કરીશું, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

વાહન વ્યવહાર પ્રભાગની રૂ. ૩૫૭૯.૦૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહ ખાતે પસાર કરવામાં આવી હતી.