Latest News
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રિ-ઇવેન્ટનો સાસણગીરમાં ભવ્ય પ્રારંભ. જામનગરમાં JMCનો દબાણો સામે મોટો પ્રહાર: 3.5 કરોડની સરકારી જમીન પરથી અનધિકૃત મકાન-દુકાનો તોડાતા તંગદિલી, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ ચોમાસા પહેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન: બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે સાવચેતી જ રાખો, નહીં તો મહેનત પર ફરી વળશે પાણી વડાપ્રધાનના ‘આર્થિક આત્મરક્ષા’ના સંદેશને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જીવનમાં ઉતાર્યો, અમદાવાદથી કુરુક્ષેત્ર સુધી ટ્રેન યાત્રા કરી જાહેર પરિવહનને પ્રોત્સાહન આપ્યું. ગાંધીનગરમાં રાજકોટ જિલ્લા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકથી સ્થાનિક રાજકારણ ગરમાયું, જિલ્લા પંચાયતથી લઈ તાલુકા અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક માટે કાઉન્ટડાઉન શરૂ. પીએમ મોદીની ઇંધણ બચત અપીલની દેશવ્યાપી અસર ૧૨ રાજ્યોમાં VVIP કાફલાઓમાં ઘટાડો, વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન તરફ સરકારોનો ઝોક.

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રિ-ઇવેન્ટનો સાસણગીરમાં ભવ્ય પ્રારંભ.

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ-રાજ્યના વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા-રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી-સાસણગીર ખાતે સમિટમાં પ્રત્યક્ષ સહભાગી થયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જુન-2026માં નવી દિલ્હીમાં યોજાશે પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ

ભારત સરકારના વન પર્યાવરણ-જલવાયું પરિવર્તન દ્વારા સમિટના પૂર્વાર્ધરૂપે ભોપાલ-ભુવનેશ્વર-ગેંગટોક અને ચંદ્રપુરમાં પ્રિ-ઈવેન્ટ યોજાશે

સાસણગીરમાં યોજાઇ લાયન કન્ઝર્વેશન અંગેની પ્રિવેન્ટ

એશિયાટિક લાયન-ગીરના સાવજના જતન-સંવર્ધન-સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાનશ્રીએ વિકાસ ભી વિરાસત ભી મંત્ર સાકાર કર્યો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી
* વન રાજની વૈભવ વિરાસત જાળવી રાખીને વન્યજીવ સૃષ્ટિના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલો પ્રોજેક્ટ લાયન સફળ રહ્યો છે.
* ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ વન્યજીવ સૃષ્ટી અને પર્યાવરણ સંરક્ષણ માટે “જીવમાં શિવ” અને “પૌધામાં પરમાત્મા”ની સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવશે.
* સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રેક્ટિસિસના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે.
* ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ દ્વારા પર્યાવરણ જાળવણીનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ૧ જૂન ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં IBCA શિખર સંમેલનની યજમાની કરશે: કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ

ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મૂકાશે, બિગ કેટ સંવર્ગની ૭ પ્રજાતિમાંથી ૫ પ્રજાતિ ભારતમાં એ દેશનું ગૌરવ છે: કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી

ગુજરાતની ભૂમિ પર વાઘનો વસવાટ કાયમી બને તે માટે વન વિભાગની સજ્જતા છે, બરડો સિંહનુ બીજુ રહેઠાણ બન્યું છે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, એશિયાટીક લાયન-ગીરના સાવજના જતન-સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદાયી પ્રયાસોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર સાકાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટ ભારત-2026ના પૂર્વાર્ધરૂપે સાસણ ગીરમાં યોજાઇ રહેલી સૌપ્રથમ પ્રિ-ઈવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી પ્રવીણકુમાર માળી આ પ્રિ-ઈવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઈવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદઅનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સરક્ષણ અંગેની ઈવેન્ટ યોજાશે.

મુખ્યમંત્રીશ્રીએ સાસણની આ પ્રિ-ઈવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનશ્રીના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગીર સેન્ચ્યુરી અને સિંહના જતન માટે જે પગલાં લીધા તેના અનુભવ પરથી દેશમાં બિગ કેટ સંવર્ધનને વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ઇકોલોજી સાથે ઇમોશન જોડીને લોકલ ઇકોનોમીને વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાનશ્રીનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે.

સિંહ સરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રો- એક્ટિવ પ્રેક્ટિસિસને પરિણામે સિંહની વસ્તી જે 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે.

એટલું જ નહિ, સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભ્યારણ્ય એશિયાટીક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. 24 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વનરાજની વૈભવ વિરાસત જળવાઈ રહે અને વન્યજીવ સૃષ્ટિનો પણ વિકાસ થાય તે હેતુથી વડાપ્રધાનશ્રીએ 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાયન શરૂ કરાવ્યો છે તેની પણ વિશદ ભૂમિકા આપી હતી.

તેમણે આ અંગે જણાવ્યું કે, સિંહો માટે બ્રિડિંગ સેન્ટર, આઈસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ લાયન “બૃહદ ગીર”ના સર્વાંગી વિકાસ માટે સિંહ સંવર્ધન ઉપરાંત સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે પણ ઉપયોગી બનશે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વન્યજીવ સૃષ્ટી અને પર્યાવરણ સંરક્ષણ માટે “જીવમાં શિવ” અને “પૌધામાં પરમાત્મા”ની સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવનારી સમિટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ
કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદર્ભમાં જણાવ્યું કે, ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં પ્રકૃતિ પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોને એક મંચ પર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભ રૂપ દિલ્હી ડેકલેરેશન પણ જાહેર કરવામાં આવશે.

આ સમિટમાં વિશ્વના સત્તા વાહકો, વન્ય પ્રાણીક્ષેત્રના નિષ્ણાંતો, સાયન્ટિસ્ટ, કોર્પોરેટ સહિતના લોકો ભાગ લેશે. તેથી વન્ય પ્રાણીઓના સંરક્ષણ સહયોગ વધુ સુદ્રઢ બનશે. આ સમિટની થીમ પણ બિલાડી કુળના વન્ય પ્રાણીઓના સંરક્ષણ તથા માનવતા અને પૃથ્વી પર્યાવરણના જતનની રહેશે.

તેમણે ઉદઘોષણા કરતા જણમવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ (IBCA)ની પરીકલ્પના અને પહેલ વર્ષ ૨૦૨૩માં કરવામાં આવી હતી. હવે ૧ જૂન ૨૦૨૬ના રોજ તેમના માર્ગદર્શનમાં ભારત મંડપમ નવી દિલ્હિમાં IBCA શિખર સંમેલનનું યજમાન ભારત બનશે. બિલાડી કુળની આ સાત પ્રજાતિ વિશ્વના ૫૫ દેશોમાં વસે છે.

વધુમાં તેઓએ કહ્યુ હતું કે, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ રોલ મોડલ પૂરું પાડ્યું છે, સમગ્ર વિશ્વમાં આફ્રિકન લાયન સહિતના સિંહોની વસ્તી ઘટી રહી છે ત્યારે એશિયાઈ સિંહો વસ્તીમાં ૩૨ ટકાનો વધારો થતાં જેની સંખ્યા ૮૯૧ થઈ છે. સિંહોના સંરક્ષણ માટે નવા રહેઠાણો પણ વિકસાવવામાં આવ્યા છે, તેમાં બરડા અભયારણ્ય વિસ્તાર ઉભરી આવ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાના સન્માનનું પ્રતિક બનેલા સિંહ અને તેના સંરક્ષણના મોડલને સમગ્ર વિશ્વ સમક્ષ આગળ વધારવા માંગીએ છીએ.

તેમણે કહ્યું કે, મનુષ્ય દરેક વસ્તુનું સર્જન કરી શકે છે પરંતુ જીવનું નિર્માણ કરી શકતો નથી, આપણી સંસ્કૃતિ પણ કરુણાના ગુણ પર વિશેષ ભાર આપે છે એટલે કે સમગ્ર પૃથ્વી માત્ર મનુષ્ય માટે જ નથી પરંતુ જીવ સૃષ્ટિ માટે પણ છે, એટલે તેનું સંરક્ષણ કરવું એટલું જ જરૂરી છે.

તેમણે પ્રગતિ માટે આર્થિક વિકાસની સાથે ઇકો સિસ્ટમની પણ જાળવણી થાય તેના પર ભાર આપતા જણાવ્યું કે, જે પ્રકૃતિની રક્ષા કરે છે તેની પ્રકૃતિ પણ રક્ષા કરે છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સાસણની ભૂમિ પર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રિ-ઈવેન્ટ યોજાઇ રહી છે તેનો સગૌરવ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ પર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દિપડો તો જોવા મળી રહ્યા છે, તેમાં ઉમેરો થતાં રતન મહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. તે સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વાઘનો ગુજરાતની ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે.

ઉપરાંત ચિત્તાને પણ ગુજરાતમાં લાવવાની તૈયારી વિભાગ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં પર્યાવરણના જતન સાથે ઈકો સિસ્ટમ મજબૂત બની છે.

ઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સના ડાયરેક્ટર શ્રી એસ.પી. યાદવે વિડિયો ફિલ્મ નિદર્શનના માધ્યમથી IBCAની પૂર્વ ભૂમિકા અને બિલાડી કુળના ૭ મુખ્ય વન્ય પ્રાણીઓની વૈશ્વિક પ્રેઝન્સના સંદર્ભમાં ચિતાર આપતા જણાવ્યું હતું કે, વિશ્વના સાત બિગ કેટમાં વાઘ, સિંહ, દીપડો, હિમ દિપડો, ચિત્તો, જેગુઆર અને પુમાનો સમાવેશ થાય છે તે પૈકી પાંચ એટલે કે વાઘ સિંહ દીપડો હિમ દીપડો અને ચિત્તો ભારતમાં જોવા મળે છે.

સાસણની આ પ્રિ ઇવેન્ટમાં સાસણની વન્ય જીવ સૃષ્ટિ અને સંવર્ધનના બ્રોસરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી,વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી.મીણા, શ્રી ડૉ. એ.પી.સિંહ, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડૉ. જયપાલ સિંહ, શ્રી બી.પી. પાટી, શ્રી રમેશકુમાર પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીસીએફ ડૉ. રામ રતન નાલાના માર્ગદર્નમાં સાસણની વન વિભાગની ટીમે સમગ્ર ઈવેન્ટનું સંકલન કર્યુ હતું.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શું તમે સમયસંદેશ ન્યુસ ચેનલ સાથે સંતુષ્ટ છો ?
Only registered users can vote. Login to vote.